મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીધામઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ વહીવટી તંત્રની સાથે સાથે તમામ રાજકીય પક્ષ પણ ઇલેક્સન મોડમાં આવી ગયા છે. દેશની બીજા નંબરની સૌથી મોટી એવી લોકસભાની કચ્છની બેઠક માટે ભાજપ અને કૉંગ્રેસ કોને ટિકિટ આપશે તે માટેની અટકળો પણ તેજ થઈ ગઇ છે. જીગ્નેશ મેવાણીનું નામ પણ કચ્છની સીટ માટે ચર્ચામાં આવતાં હવે તો ભાજપની સાથે સાથે કૉંગ્રેસના કાર્યકરોમાં પણ અજંપો જોવા મળી રહ્યો છે.

ભાજપને નજીકથી જોનારા અને સમજનારા સૂત્રોનું માનીએ તો હાલનાં એમપી વિનોદ ચાવડાનું નામ મજબૂત દાવેદારોમાં આગળ ચોક્કસ છે પરંતું જે રીતે ભાજપનાં 'કમલમ'માથી કંડલા પોર્ટનાં એક અધિકારી ઉપર 'નજર' રાખવામાં આવી રહી છે તેને જોતા કોઈ અચરજ પમાડે તેવી જાહેરાત પણ થઈ શકે છે. દરમિયાન વ્યવસ્થાનાં ભાગરૂપે અને પોતાના કાર્યકરોને સાંભળી તેમનો ઉભરો ઠાલવવા માટે જે લોકોને ટિકિટનાં અભરખા છે તેમને સાંભળવા માટે ભાજપે 16મી માર્ચ, શનિવારે ભુજમાં ત્રણ નિરીક્ષકની એક બેઠક બોલાવી છે.

રિઝર્વ કેટેગરીમાં આવતી કચ્છની સીટ માટે ભાજપ પાસે ગણતરીનાં નેતા છે જેઓ પ્રબળ દાવેદાર મનાય છે. હાલનાં સાંસદ વિનોદ ચાવડાની કામગીરી, અભ્યાસ અને કેન્દ્રીય નેતાગીરી, ખાસ કરીને પીએમ મોદી સાથેનો તેમનો પરિચય જોતા જો ભાજપ નો રિપીટ થિયરી ના લાવે તો ચાવડા પ્રથમ વિકલ્પ રહેશે તેવું ભાજપનાં સૂત્રોનું માનવું છે. પરંતું જો લોકસભાની ગત ચૂંટણીની જેમ બદલાવ કરવામાં આવે તો ચાવડાનાં સ્થાને એવા ઉમેદવારને ઉતારવો પડે જે માત્ર યુવાન જ નહીં પરંતું શૈક્ષણિક લાયકાતમાં સમક્ષક અથવા વધુ ભણેલો ઉપરાંત કચ્છનાં અનુસૂચિત જાતિ સમુદાયમાં જાણીતો અને સ્વીકાર્ય હોય.

આ ઉપરાંત કચ્છ અને કેન્દ્રનાં સંબંધો, ખાસ કરીને ગાંધીધામનાં જમીનનાં પ્રશ્નો અંગે પણ થોડીઘણી સૂઝ ધરાવતો હોય. ગાંધીધામનાં લેન્ડનાં ઈશ્યૂને લઇને થોડા સમય પહેલા ગાંધીધામ ચેમ્બરની આગેવાનીમાં વિવિધ સંસ્થાઓ તથા લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને તે વખતે ભાજપનાં નેતાઓને પણ લોકો સમક્ષ જતા ખચકાટ મહેસુસ થતો હતો. એટલે આ વખતે જ્યારે કચ્છ બેઠક માટે ઉમેદવાર પસંદ કરવાનો આવશે ત્યારે લેન્ડ ઈશ્યૂ પણ માપદંડ તરીકે મોટી ભૂમિકા ભજવી શકે છે. એટલે ભાજપ આ વખતે એસસી કેટેગરીનાં એવા વ્યક્તિને પણ ટિકિટ આપી અચરચ ફેલાવી શકે છે કે જે ઉપરોક્ત માપદંડમાં ફિટ બેસતો હોય. આ ચર્ચા એટલા માટે પણ થઈ છે કે છેઃલા કેટલાક સમયથી 'કમલમ'થી રાજ્ય સરકારના મંત્રી અને કંડલા પોર્ટનાં ટ્રસ્ટી રહી ચૂકેલા આર.સી.ફળદુ થકી અસામાન્ય કહી શકાય તેવી વાતચીતનાં અણસાર જોવા મળી રહ્યાં છે.

ગાંધીધામનાં રવિ મહેશ્વરી નામના કંડલા પોર્ટનાં ચેરમેનનાં પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામગીરી કરી રહેલા કલાસ વન કક્ષાનાં અધિકારી સાથેનો આર.સી.ફળદુનો ઘરોબો પણ કચ્છની ભાજપની ટિકિટની દાવેદારીમાં કોઈ નવો ધડાકો કરી શકે છે. કચ્છનાં અનુસૂચિત જાતિનાં સમુદાયમાં આવતા વિવિધ સમાજમાં મહેશ્વરી સમાજનૉ રોલ મોટો ગણાય છે. મેઘવાળ સમાજમાંથી આવતા વિનોદ ચાવડાને જ્યારે ટિકિટ આપવામાં આવી હતી ત્યારે તેમની પહેલા મહેશ્વરી સમાજનાં પૂનમબેન જાટ નામનાં મહિલાની ટિકિટ કપાઈ હતી. એટલે આ વખતે મહેશ્વરી સમાજ પણ તેમનાં સમાજમાંથી આવતાં કોઈ વ્યક્તિને ટિકિટ મળે તે માટે તેમના સમાજનાં લોકો પ્રયાસ કરી રહ્યાં હોવાનું સૂત્રો દાવો કર્યો છે.

મહેશ્વરી સમાજનાં વિવિધ કાર્યક્રમોમાં અવાર નવાર જોવા મળતાં રવિ મહેશ્વરીનાં નામ ઉપરાંત ભાજપનાં પરંપરાગત એસસી નેતાઓ પણ તેમનું નસીબ અજમાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે જેમાં ગાંધીધામનાં પુર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી ઉપરાંત ગાંધીધામ અને ભુજ નગર પાલિકાનાં અનુસૂચિત જાતીમા આવતાં  સભ્યો પણ તેમનો બાયોડેટા મોકલી ચુક્યા છે. 

કચ્છનાં છ વિધાનસભા તથા મોરબી વિધાનસભા ક્ષેત્રને સાંકળતી કચ્છ લોકસભાની બેઠક આમ તો ભાજપનાં પરંપરાગત મતદારોની છે. અનુસૂચિત જાતિ માટેના ઉમેદવાર માટે આરક્ષિત કચ્છની સીટ ઉપર કૉંગ્રેસનાં સહકારથી જીતેલા વડગામનાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું નામ ચર્ચામાં છે. જેને કારણે હવે કૉંગ્રેસમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણીની જેમ લોકસભાની કચ્છની બેઠકમાં પણ જો જીગ્નેશ દાવેદારી કરે તો કૉંગ્રેસ કચ્છમાં તેનો ઉમેદવાર ન ઉભો રાખીને એક સીટ હારવાવાની નાલેષીમાથી બચવાની ટ્રીક પણ અજમાવી શકે છે. કૉંગ્રેસનાં દાવેદારમાં પ્રવકતા ઉપરાંત કચ્છ યુનિવરસિટીનાં સેનેટ રહી ચૂકેલા પત્રકાર રમેશ ગરવાનું નામ પણ તેઓ કોઈ ગ્રુપમાં ના હોવાને કારણે મજબૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે.