મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: કોરોના મહામારીને કારણે સરકારે રાત્રી કર્ફ્યું લગાવ્યો છો તે બીજી તરફ લગ્નની સીઝન હોવાની મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તે માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. પોલીસ આ નિયમોનું કડક પાલન કરાવી રહી છે ત્યારે કેટલાક લોકો દ્વારા નિયમ ભંગ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં સુરતના કામરેજમાં એક વરરાજા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કામજેર તાલુકાના કોસમાડા ગામમાં રાત્રે પોણા બાર વાગ્યે વરરાજા અને 25થી 30 જેટલા લોકો ડી.જે. ની ધુન પર નાચી રહ્યા હોવાનો અને તેના કારણે કોરોનાના દર્દીઓને હાલાકી પડી રહી હોવાનો કોલ કામરેજ પોલીસ શનિવારે મળ્યો હતો. જેના આધારે પોલીસે દરોડો પાડતા કોસમાજાના જુના હળપતિવાસમાં ડી.જે.ની ધુન પર 25થી 30 માણસો નાચતા હતા. જે પોલીસને જોઇને ભાગી ગયા હતા અને 2 લોકો ઝડપાઇ ગયા હતા. તેમનું નામ પુછતા અનિલ મહેશભાઇ રાઠોડ ઉ.વ 30 (રહે. જુનો હળપતિવાસ કોસમાડા ) અને ડીજે સીસ્ટમ તેની હોવાનું જણાવ્યું હતું. તેમજ બીજાએ રવિભાઇ મહેશભાઇ રાઠોડ ઉ. વ 19 (રહે. જુનો હળપતિવાસ કોસમાડા) હોવાની ઓળખ આપી અને તેના જ તા.15-5-21નાં લગ્ન હોવાથી નાચગાન માટે ડીજે મંગાવ્યું હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેમની પાસે ડીજે વગાડવા માટેની પાસ પરમીટ માંગતા તેમની પાસે પરમિટ નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે લગ્ન સ્થળેથી ડીજે સીસ્ટમ સહિતની સાધન સામગ્રી કબ્જે કરી, વરરાજા સહિત બંને વિરુદ્ધ કોવિડ રાત્રી જાહેરનામાનો ભંગ તથા ગુજરાત એકેડેમીક રેગ્યુલેશન 2020ની કલમ 35(1) મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.