મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરના રૈયા ચોકડી નજીક રહેતા અને બેસ્‍ટ પ્રા. લિ. નામની કન્‍સ્‍ટ્રક્‍શન કંપની ધરાવતાં 39 વર્ષીય ગિરીશભાઈ નાનજીભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં હિન્‍દી ફિલ્‍મ ‘પાગલ કર દિયા તૂને' બનાવી આપવાના નામે પોતાને નિર્માતા-નિર્દેશક-લેખક ગણાવતાં યુપીના શખ્‍સોએ છેતરપીંડી કરી હોવાનું જણાવ્યું છે. આ 19 શખ્સોએ તેમને વિશ્વાસમાં લઇ ફિલ્‍મ નિર્માણથી મોટો ફાયદો કરાવવાની લાલચ આપીને 39 લાખની ઠગાઈ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આરોપીઓમાં ગ્રાન્‍ડ મસ્‍તી ફેઇમ હિરોઇન કાયનાત અરોરા અને બોલીવૂડના પીઢ કલાકાર રઝા મુરાદના નામ પણ સામેલ છે.  

પોલીસે ગિરીશ સોલંકીની ફરિયાદ પરથી તમામ 19 લોકો વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦,૧૨૦-બી મુજબ ગુનો નોંધ્‍યો છે. તેમાં કાયનાત અરોરા અને રઝા મુરાદ સહિત પોતાને ફિલ્‍મ મેકર-એક્‍ટર તરીકે ઓળખાવતાં હફીઝુર અબ્‍દુલભાઇ રહેમાન, ડિરેક્‍ટર અને રાઇટર તરીકે ઓળખાવતાં સંજીવકુમાર બ્રહ્મસિંહ વેદવાન, લાઇન પ્રોડયુસર મનિષ વિનુભાઇ શેઠ,  ઇક્‍વીપમેન્‍ટ સપ્‍લાયર સરીબ રાજા, એક્‍ટર કોમેડીયન વિકારગીરી ભુલેગીરી સહિતનાઓનો સમાવેશ થાય છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આ તમામે ઠગાઇ કરતાં ગિરીશ સોલંકીએ બીજા નિર્માતા-નિર્દેશક તેમજ કલાકારોને લઇને આ ફિલ્‍મ બનાવી છે.  જે હવે આગામી મહિનામાં રિલીઝ કરવામાં આવનાર છે. ત્યારે આ સમગ્ર મામલો ફિલ્મની પબ્લિસિટી માટેનો સ્ટંટ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.