દિવ્યકાંત ભટ્ટ (મેરાન્યૂઝ.એટલાન્ટા, અમેરિકા): અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે શનિવારે ગોવર્ધનપૂજા સાથે અન્નકૂટ મહોત્સવની આસ્થાપૂર્વક ઉજવણી કરાઇ હતી. કડકડતી ઠંડી હોવા છતાં 201 અવનવી સામગ્રી-વાનગીઓ સાથે આયોજિત આ ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શનાર્થે 2500 જેટલાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. રાત્રે 8 વાગે ભવ્ય આતશબાજી સાથે અન્નકૂટ મહોત્સવનું સમાપન થયું હતું.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટા ખાતે ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. આ હવેલીમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો બાદ શનિવારે શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી કલ્યાણરાયજી પ્રભુના સાંનિધ્યમાં ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું હતું.

શનિવારે સવારે 10 થી 11.30 સુધી ગોકુલધામ હવેલીના દર્શન ચોકમાં ગોવર્ધનપૂજા યોજાઇ હતી. જેનો વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ લ્હાવો લઇ ગોવર્ધનજીની પરિક્રમા કરી હતી. 

ત્યારબાદ બપોરે 3 થી રાત્રે 8 વાગ્યા સુધી શ્રી ઠાકોરજીના ભોગ અર્થે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. ગોકુલધામ હવેલીના બે મુખ્યાજી દ્વારા તૈયાર કરાયેલી અવનવી વાનગીઓ અને વિવિધ પકવાન-ભોજન મળી આયોજિત 201 સામગ્રી-વાનગીઓ સાથેના આ ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શનાર્થે એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અન્નકૂટ દરમિયાન યોજાયેલી બે મહાઆરતીનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

અન્નકૂટ મહોત્સવના મુખ્ય મનોરથી ડૉ.મુકુંદ અને મૃદુલા રાજા તેમજ સહ મનોરથી હરિવદન અને અંજનાબહેન ચોકસી સહિત 16 મનોરથીઓ તેમજ ગોકુલધામની સેવા માટે હંમેશા તત્પર રહેતા દાતા હર્ષદભાઇ અને ઉલ્કાબહેન શાહનું શ્રી ઠાકોરજી સન્મુખ સન્માન કરાયું હતું.

અન્નકૂટ મહોત્સવ સાથે આયોજિત નિ:શુલ્ક મહાપ્રસાદનો શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો. શ્રદ્ધાળુઓએ ગોકુલધામ હવેલીના સ્વયંસેવક ભાઇઓ-બહેનો દ્વારા આ મહોત્સવ વેળા કરાયેલી કાબિલેદાદ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણીને ભવ્ય અને દિવ્ય બનાવવા ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, ટીમ મેમ્બર્સ કિન્તુ શાહ, હેતલ શાહ, પરિમલ પટેલ, સમીર શાહ, અલકેશ શાહ, ગિરીશ શાહ તેમજ મહાપ્રસાદ સેવામાં ભાનુબહેન પટેલ, હસુભાઇ પટેલ, રંજનબહેન સિરોયા, જશુબહેન પટેલ, ઇશ્વરભાઇ પટેલ, સોહિનીબહેન, પ્રકાશ પટેલ, અશ્વિન પટેલ ઉપરાંત નિકશન પટેલ, પિયૂષભાઇ પટેલ અને સતીષ ઘીવાલાએ જહેમત ઉઠાવી હતી.

અન્નકૂટ અને મહાપ્રસાદ બાદ રાત્રે 8 વાગે ગોકુલધામના પ્રાંગણમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. 15 મિનિટ સુધી સતત જમીન પરથી ઊંચે આકાશમાં જઇ વિવિધ અકર્ષક ડિઝાઇન બનાવી તેમાં રંગબેરંગી પ્રકાશ પાથરતા ફટાકડાની ભવ્ય આતશબાજી નિહાળી દર્શનાર્થીઅો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.