જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા):અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોમાં ગામના મુખિયાને અને સભ્યને ચૂંટી કાઢવા ભારે જોશ જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ધારાસભ્યો પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો રાજ્યકક્ષાના અન્ન પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર અને મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે સામાન્ય મતદારોની માફક મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે શિકા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કર્યું હતું.

ગુજરાત રાજ્ય સરકારના અન્ન પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર તલોદના ઉજડીયા ગ્રામ પંચાયતના વક્તાપુર મતદાન મથક પર મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે મતદાન મથક પર સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું  હતું અને મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરી જણાવ્યુ હતુ કે ગુજરાત પણ ગામડાથી ઓળખાય છે અને ગામડાનો વિકાસ સરપંચ કરતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે પણ સરપંચ થી રાજકીય કારકિર્દીની શરૂઆત કરી ભારે લોકચાહના મેળવી હતી અને ત્યારબાદ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી સુધી પહોંચ્યા છે સરપંચ અને સભ્યો માટે ઉમેદવારી કરનાર ઉમેદવારોને શુભેચ્છા આપી હતી.