મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : આવતીકાલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિ છે. જે અંતર્ગત ઠેર-ઠેર વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના નાનામૌવા રોડ પરની એક સરકારી શાળાના વિદ્યાર્થીઓએ અનોખી રીતે ઉજવણી કરી હતી. 150મી જન્મજયંતિ હોઈ 150 વિદ્યાર્થીઓએ ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી. એટલું જ નહીં તમામ 150 વિધાર્થીઓ ભારતના નકશાની જેમ ઊભા રહ્યા હતા અને સમગ્ર ભારતીયોમાં વસેલા હોવાનો સંદેશો આપ્યો હતો.

ગાંધી જયંતિને લઇને નાનામૌવા રોડ પર સરકારી શાળા નંબર 93ના વિદ્યાર્થીઓએ અનોખી ઉજવણી કરી હતી. જેમાં 150 વિદ્યાર્થીઓ પોતળી, લાકડી ચશ્મા પહેરી ગાંધીજીની વેશભુષા કરીને ગાંધી બન્યા હતા. તેમજ ભારતનો નકશો બનાવ્યો હતો અને લોકોને ગાંધીજીના રસ્તે ચાલવાની અપીલ કરી હતી. 150 વિદ્યાર્થીઓએ ભારતના નકશાના આકારમાં ઊભા રહી ભારત દેશ બનાવ્યો હતો અને એક ભારત અને ભારતમાં એકતાનો સંદેશો પાઠવ્યો હતો.