મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના છેલ્લા પાંચ વર્ષના સૌથી ઓછા પરિણામે વાલીઓ-વિદ્યાર્થીઓ સહીત શિક્ષણવિદોને ભારે આઘાત સાથે ચોંકાવી દીધા છે. શ્રેષ્ઠ શિક્ષણ આપવાના નામે આધુનિક સુવિધાઓ આપવાની જાહેરાતો કરી લાખો રૂપિયાની ફી લઇ ઉઘાડી લૂંટ ચલાવતા ખાનગી શાળાઓના સંચાલકો કે શિક્ષકો સારૂ પરિણામ આપવામાં નિષ્ફળ ગયા છે. આ શાળા સંચાલકો દ્વારા ભારે ફી વધારાની કરતી માંગણી તો સહેજ પણ યોગ્ય નહીં હોવા સાથે તગડી ફી લઇ માત્ર ૧૦ ટકા જ ફીની રીસીપ્ટ આપતા આ શાળા સંચાલકોના હિસાબનું ઓડીટ કરાવી સરકારે શિક્ષણનો વેપલો કરતા ભ્રષ્ટ લોકોને જેલના સળિયા ગણતા કરી દેવાની જરૂર છે.

ગુજરાત રાજ્યને શિક્ષણનું હબ બનાવવાની વાતો વચ્ચે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ગયા વર્ષ કરતા ૯ ટકા ઓછા આવેલા પરિણામે સરકારની પણ અનેક પોલ ખુલ્લી પાડી દીધી છે. જેમાં ખાસ કરીને ઉચ્ચ ટકાવારી ધરવતા વિદ્યાર્થીઓની નોંધપાત્ર રીતે ઘટી ગયેલી સંખ્યામાં એ-૧ ગ્રેડ વિદ્યાર્થીઓ ૭૭ ટકા ઓછા થઇ ગયા છે. ૧૩ જિલ્લાઓમાં એ-૧ ગ્રેડનો એકપણ વિદ્યાર્થી નથી, તો ૧.૩૭ લાખ વિદ્યાર્થીઓમાંથી ૭૦ ટકા કરતા વધારે માર્કસ મેળવનાર એ-૧, એ-૨ કે બી-૧ વિદ્યાર્થીઓ માત્ર ૧૧ હજાર જેટલા જ હોય ત્યારે વાલીઓ જ નહીં પણ શિક્ષણવિદો માટે પણ ઘેરી ચિંતાનો વિષય છે. આ પરિણામ જાહેર કરતા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચૂડાસમાએ પણ અત્યારની શિક્ષણ વ્યવસ્થા ખામીયુકત હોવાનું જણાવી ચિંતા વયકત કરી કે, પ્રથમ આવા પરિણામ માટે જે-તે વિષયના શિક્ષક જવાબદાર છે. ત્યાર બાદ વિદ્યાર્થી અને વાલી... ખાનગી સ્કુલોમાં ભણાવતા શિક્ષકો જો તેના વિદ્યાર્થિઓને અપ-ટુ-ધ-માર્ક અભ્યાસ કરાવી શકતા હોય તો સરકારી સ્કુલોના શિક્ષકો કે જેમને નોકરીમાં સુરક્ષા અને પુરતો પગાર એમ બન્ને મળે છે શિક્ષકો શા માટે પોતાના વિદ્યાર્થીને યોગ્ય અભ્યાસ ન કરાવી શકે. આથી સરકાર શિક્ષકની પોતાના વિષયના પરિણામની જવાબદારી નક્કી કરી તેમાં નિષ્ફળ જનાર સામે પગલા ભરવાનો નિર્ણય કરશે.

જ્યારે સરકારી શાળાઓને મૃતપ્રાય કરનાર ખાનગી શાળાઓ પણ તેમની પોકળ જાહેરાતો પ્રમાણે શ્રેષ્ઠ પરિણામ આપી શકયા નથી. ત્યારે આ શાળા સંચાલકોની ફી વધારાની માંગણી કેટલી વ્યાજબી છે તે પણ સરકારે ફરી એકવાર વિચારી ફી નિયંત્રણ માટે કડક પગલાં ભરી સરકારની મીલીભગતના આરોપોનો અંત લાવવો જોઈએ. કારણ કે, ભ્રામક જાહેરાતો અને ડે-કેર શાળાની જેમ સારા નાસ્તા-ભોજન આપી તગડી ફી વસુલતા આ ખાનગી શાળા સંચાલકો ચેકથી સંપુર્ણ ફી પણ લેતા નથી. જયારે વર્ષની લાખ-બે લાખ રૂપિયાની ફી સામે માત્ર ૧૦ ટકા જ ફી એટલે કે, ૧૦-૨૦ હજારની રીસીપ્ટ આપવામાં આવે છે. તેમાં રાજ્ય સરકાર અને શિક્ષણ ખાતાની રહેમ નજરના કારણે આ ખાનગી શાળાઓનું છેલ્લા કેટલાય વર્ષોથી ઓડીટ પણ કરવામાં આવ્યું નથી. પરિણામે આ શાળા સંચાલકો કે તેના ટ્રસ્ટી બની બેઠેલા શિક્ષકોએ શિક્ષણના વેપલાનું વાવેતર જમીનો ખરીદવા સાથે શેર બજાર અને સોનામાં કર્યું છે. રાજ્ય સરકાર શાળા સંચાલકો સાથેની સાંઠગાંઠ છોડીને જો સઘન તપાસ-ઓડીટ કરાવે તો કદાચ કોઈ બીટકોઈનવાળા પણ નીકળે તો નવાઈ  નહીં હોય.