દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): " છાત્રો કે સન્માન મેં, કોંગ્રેસ મેદાન મેં." જેવા સૂત્રોચ્ચાર સાથે આજે કોંગ્રેસે સરકાર સામેના પોતાના કાર્યક્રમનો આરંભ કર્યો હતો. આજના કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા અલગ અલગ સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા આજના શિક્ષણ બચાવો કાર્યક્રમનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું.

આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા નવરંગપુરા વિસ્તારમાં આવેલી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ આગળ સરકારના જ્ઞાન શક્તિ દિવસની સામે શિક્ષણ બચાવો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ દ્વારા ' બંધ બંધ કરો, શિક્ષણમાં ખાનગીકરણ બંધ કરો', 'નહીં ચલેગી નાહી ચલેગી, શિક્ષણ વિરોધી યે સરકાર ' જેવા સૂત્રો સાથે સરકારના જ્ઞાનશક્તિ દિવસનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement


 

 

 

 

 

અમિત ચાવડાએ પત્રકારોને જણાવ્યું હતું કે, " આ ભાજપની સરકાર શિક્ષણ વિરોધી સરકાર છે. રાજ્યમાં તેમના શાસન દરમિયાન ઘણી બધી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે ગ્રાન્ટેડ કોલેજ હતી તેમનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. આમ ખાનગીકરણના નામે આ સરકાર ખાનગી શાળાઓ અને કોલેજના માલિકોના ખિસ્સા ભરવાનું કામ કરે છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવાની જગ્યાએ સરકાર પ્રજાના પૈસા દ્વારા આવી પાંચ વર્ષની ઉજાણી કરે છે ઉત્સવો માનવે છે. વિજયભાઈની સરકારને  પાંચ વર્ષ થયાં એની ઉજવણી કરીને તેમને માન આપીને વિદાય આપવાનો આ કાર્યક્રમ હોય તેવું લાગી રહ્યું છે. અમે પ્રજાના પ્રશ્નો લઈને ઊભા છે અને પ્રજા સામે સરકારની નિષ્ફળતા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે."

ઉલ્લેખનીય છે કે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હોય ત્યારે કેટલાક લોકોની અટકાયત તો થાય જ છે. આજે પણ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના કેટલાક સભ્યો રોડ પર પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. જોકે કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન માત્ર દોઢ કલાકમાં સમેટી લેવામાં આવ્યું હતું. હવે આગળના નવ દિવસ વિવિધ કયક્રમો કરીને કોંગ્રેસ સરકારનો વિરોધ કરશે.