ચિંતન વૈષ્ણવ (મેરાન્યૂઝ.જુનાગઢ): ચાલુ અઠવાડિયામાં જ દરેકને વિચારતા કરી મૂકે એવા એક સનસનીખેજ સમાચાર જાણવા મળ્યા. પાટણના ધારાસભ્યએ એક કર્મચારી પર આક્ષેપ કરતાં નિવેદન કર્યું કે, “ગાંધીનગરનો એક નાયબ મામલતદાર બે હજાર કરોડની સંપતિનો માલિક છે અને સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને અધધધ કાળું નાણું એકઠું કર્યું છે. બિનખેડૂત હોવા છ્ત્તા ભ્રષ્ટાચાર કરીને પોતાની ધર્મપત્નીના નામે કરોડો રૂપિયાની જમીનો પણ રાખેલી છે...”  

વખતોવખત કોઈને કોઈ સરકારી કર્મચારી લાંચ લેતા પકડાય છે. કોઈ પણ કામ માટે 100 રુપિયાથી લઈને કરોડો રૂપિયા સુધીની રકમ લાંચ પેટે માંગવાની એક ફેશન થઈ ગઈ છે. પોલીસ અને રેવન્યુમાં મોટેભાગે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રકાશમાં નહીં લાવવા અને કાર્યવાહી નહીં કરવા માટે લાંચ માંગવામાં આવતી હોય છે. આ સિવાય કોર્પોરેશન, નગરપાલિકા, ફોરેસ્ટ, બાંધકામ, માર્ગ અને મકાન, પંચાયત, ફોરેસ્ટ, આર.ટી.ઓ. સહિત લગભગ તમામ સરકારી વિભાગોમાં વારંવાર એન્ટિકરપ્શન બ્યુરોના દરોડાઓ પડતાં રહે છે. 

અત્યારે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે. મારા સરકારી કાર્યકાળના અનુભવે કહું તો લાંચ લેવાની ટેવ અરજદારો જ પાડે છે. ધારો કે, કોઈ અરજદાર પોતે મૂળથી ખેડૂત ખાતેદાર છે જ. પરંતુ પોતે લાખો-કરોડો રૂપિયાની જમીન ખરીદી હોય અને એ જમીનના રેકર્ડમાં પોતાનું નામ જલ્દીથી ચડાવવા માટે જે-તે મામલતદાર કચેરીમાં ખાતેદારનો દાખલો લેવા જાય છે ત્યારે ક્લાર્ક અથવા નાયબ મામલતદાર કે પછી મામલતદાર સાહેબના પટાવાળા કે ડ્રાઈવરનો સામેથી સંપર્ક કરીને પોતાનું કામ વહેલાસર પૂરું કરાવી આપવા અને બદલામાં 5-25 આપવા પડે તો વાંધો ન હોવાનો સંકેત આપી આવે છે. 


 

 

 

 

 

સામે પક્ષે એવું વિચારે છે કે, આ ભાઈની ફાઇલ ટાઇટલ ક્લિયર છે એટ્લે જો સમય કાઢીશું તો પણ દાખલો તો આપવો જ પડશે, તો પછી જો પાર્ટી રેવન્યુ રાહે ચાલવા તૈયાર જ છે તો પછી થોડાઘણા જે મળે તે લઈને કામ આજે જ પૂરું કરી નંખાય. આવું વિચારીને તરત જ અરજદારની ફાઇલ પર નિર્ણય કરવામાં આવે છે અને કચેરીની બહાર કોઈ જગ્યાએ વચેટીયો મોકલીને વહીવટ પૂરો કરવામાં આવે છે. પછી લાગુ પડતાં સ્ટાફ વચ્ચે વહેંચણી કરી લેવામાં આવે છે. આવા વ્યવહારોમાં પણ ટકાવારી હોય છે. મામલતદાર સાહેબના 50% તથા ક્લાર્ક, સર્કલ, નાયબ મામલતદાર, ઓપરેટર અને વચેટિયો બાકીના 40% માથી ભાગ પાડતા હોય છે. લેતી-દેતીમાં સામાન્ય રીતે ઉપલો અધિકારી પડતો નથી હોતો અને બધો વહીવટ ક્લાસ-3 નો કર્મચારી સાંભળતો હોય છે. દરોડામાં પકડાય તો બિચારો વર્ગ-3 નો કર્મચારી ફસાય.

કલેક્ટર કચેરી કે પ્રાંત કચેરીમાં પણ આ મુજબ જ સિસ્ટમ ગોઠવાયેલી હોય છે. હવે જો આ સિસ્ટમમાં કોઈ એવો વ્યક્તિ વચ્ચે આવે કે જેને લાંચના રૂપિયામાં રસ નથી હોતો તો આખી સિસ્ટમ ડગમગી જાય છે. આવો કર્મચારી ગમે તેટલો હોંશિયાર કે ભરોસાપાત્ર હોય તો પણ ઉપરી અધિકારીને પસંદ આવતો હોતો નથી. સાથોસાથ આ સડી ગયેલી સિસ્ટમની નાજાયાજ પેદાશ જેવા વચેટિયાઓની પણ આવક બંધ થઈ જવાથી તેઓ પણ આવા કર્મચારીને પસંદ કરતાં નથી. આ વચેટિયાઓ લોકલ નેતાજીના ચમચાઓ હોય છે અને ચૂંટણીઓમાં નેતાના ઇશારે કેટલાક કામ કરી આપતા હોય છે. જેથી નેતા વચેટિયાઓની સતત ચિંતા કરતાં હોય છે. 

બને છે એવું કે આ બધા ક્પાતરો ભેગા મળીને પેલા ઈમાનદાર કર્મચારીને કોઈને કોઈ ઇસ્યુમાં ખોટો બદનામ કરીને કે ફસાવીને કે વારંવાર ખોટી ફરિયાદો ઊભી કરીને બદલી માટેનું વાતાવરણ સર્જી આપતા હોય છે. નેતાજી પોતાની સત્તા અને વગના દમ ઉપર પેલા બિચારા ફરજનિષ્ઠ કર્મચારીની બદલી માટે પ્રેશરકુકરનું કામ કરવા માંડે છે. ટોચ ઉપર બેઠેલો અધિકારી પણ માત્ર પોતાનો સ્વાર્થ જુએ છે અને વિચારે છે કે હું નેતાજીની લાગણીને માન નહીં આપું તો તેઓ મારા પર નારાજ થઈ જશે. જે મને નુક્સાનકારક સાબિત થઈ શકે છે. એના કરતાં તેમની ભલામણને માની લઈએ. આપણા બાપનું શું જાય છે એવું વિચારીને બદલીના ઓર્ડર ઉપર સહી કરી આપે છે. 

પરિણામસ્વરૂપ ખૂબ જ જલ્દીથી એક ફરજનિષ્ઠ અને સાચા અર્થમાં કર્મયોગીની બદલી પૈસા મળે નહીં તેવા ટેબલ પર કરવામાં આવતી હોય છે. આવો કર્મચારી પણ નોકરીની શરૂઆતમાં આવી હેરાનગતિ ભોગવીને થોડા વર્ષો પછી એવું વિચારવા લાગે છે કે હું જે પબ્લિક માટે ઈમાનદારીથી કામ કરું છું એમાંથી મને કોઈ મદદે આવતું નથી. સિસ્ટમ આમ જ ચાલવાની છે. અંતે હેરાન થવાનું તો મારે જ આવે છે. મને કોઈ અધિકારી કે સ્ટાફ પસંદ કરતો નથી. આપણે પણ આ ઈમાનદારીનો નશો છોડીને બધાની જેમ જ ગાડરિયા પ્રવાહમાં ભળી જઈએ. 


 

 

 

 

 

અંતે સરકારી સિસ્ટમમાં પ્રવેશેલો એક ચોખ્ખો માણસ પણ સિસ્ટમમાં ઘૂસેલા નપુંસકો અને અંધ બની બેઠેલી પબ્લિકના પાપે ભ્રષ્ટ બની જતો હોય છે. જે અનુકૂલન નથી સાધી શકતો એનો ‘તેજોવધ’ કરવામાં આવતો હોવાના પણ દાખલાઓ હજુ તાજા જ છે. 

કઈક આવું જ પોલીસ ખાતામાં પણ બને છે. ગ્રાઉન્ડ ફ્લોર (કોન્સટેબલ) થી લઈને ફર્સ્ટ ફ્લોર(સચિવાલય-મંત્રાલય) સુધી લાંચની રકમ લિફટમાં જતી હોય છે. પબ્લિકને બતાવવા માટે સરકારી સૂચના મુજબ એન્ટિકરપ્શનની ટીમો દ્વારા દરોડાઓ પાડીને બિચારા કોન્સ્ટેબલો અને પી.એસ.આઈ. સુધીના નાના કર્મચારીઓને પકડવામાં આવતા હોય છે. ચાર્જશીટ થાય છે. ફરીથી એમની પાસેથી પણ એમને બચાવવા માટે અને કેસ નબળો પાડવા માટે પેટા તોડ કરવામાં આવતો હોય છે. આક્ષેપિત થોડા વર્ષો બાદ સબળ પુરાવાના ભોગે મોટેભાગે નિર્દોષ સાબિત થતો હોય છે. ફરીથી સારી જગ્યાએ નિમણૂંક મળતી હોય છે અને પછી આજદિન સુધીનું ખર્ચેલું બધુ જ ભેગું કરવા માટે મોટી રકમોની લાંચ લેવાની ફરજ પડતી હોય છે. આ ચકડોળ શરૂ જ રહે છે. 

મારી ખુદની જ વાત કરું તો, મારો અજમાયશી સમયગાળો સરકારે બનાવેલા બે વર્ષના નિયમોથી વિરુદ્ધ જઈને આઠ વર્ષ સુધી પૂરો કર્યો નહીં અને મને લાંબા ગાળાની નિમણૂંક આપવામાં આવી નહીં અને જેથી મને બઢતી પણ આપવામાં આવી નહીં. પરંતુ મારી બેચમાં શરૂઆતના બે વર્ષના અજમાયશી ગાળા દરમિયાન કરપ્શનમા રંગે હાથે પૈસા લેતા પકડાયેલા મારા જ કેટલાક મિત્રોનો અજમાયશી સમયગાળો પૂરો કરી આપવામાં આવ્યો. મારી ઉપર ભ્રષ્ટાચારનો કોઈ જ આક્ષેપ ન હોવા છ્ત્તા અને નેતાઓની ગુલામી કરવાની મારી માનસિકતા ન હોવાના કારણે તેમજ વારંવારની બદલીઓથી પણ હું હિંમત હાર્યો ન હોવાથી મારી કામગીરી નબળી હોવાનું બોગસ કારણ આપીને મને મારી ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યો. 

સામે પક્ષે નવાઈની વાત તો એ છે કે, લાંચ લેતા પકડાયેલા મારા બેચના મિત્રો ટૂંક સમયમાં જ નાયબ કલેકટરનો હોદ્દો ધારણ કરશે. આ લેખ વાંચનાર દરેક વાંચકને પૂછવા માંગુ છુ કે, “શું પોતાની ફરજને વફાદાર રહીને અને નોકરી મળી ત્યારે લીધેલા સોગંધ મુજબ વફાદારીથી નોકરી કરવી એ લાંચ લેવા કરતાં મોટો ગુન્હો છે? શું સંવેદનશીલ સરકારની આ જ સંવેદનશિલતા છે? શું ઈમાનદાર સરકારી કર્મચારીઓનો વધ કરવો એને જ ‘ઝીરો ટોલરન્સ’ કહેવાતું હશે? ”   

2000 કરોડની મિલકત ઊભી કરનાર ગાંધીનગરનો નાયબ મામલતદાર સૌનો માનીતો અને શ્રેષ્ઠ કર્મચારી ! અને કરોડો રૂપિયાના જમીન કૌભાંડો પકડનાર અને પ્રજાહિતમાં ફટાકડાના વેપારીઓને લાયસન્સ ઇસ્યુ નહિ કરનાર મામલતદારની કામગીરી નબળી અને વર્તણુંક ખરાબ !? આઠ વર્ષની નોકરીમાં મને આ ગણિત સમજાયું નહીં. મને એ પણ સમજાયું નહીં કે એન્ટિકરપ્શન બ્યૂરોના પોલીસ અધિકારીઓ અને ગાંધીનગર બેઠેલા એમના જ ઉચ્ચ અધિકારીઓ જો ખરેખર નીતિમત્તા ધરાવતા અને નોન-કરપ્ટેડ હોય તો પછી કેમ અત્યારસુધી કલેક્ટર કે એસ.પી. કે કોઈ ધારાસભ્ય કે મંત્રી ઉપર તમે દરોડા નથી પાડ્યા? કેમ આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. કે પછી રાજકીય આગેવાનોની સંપતિ કે બેન્ક બેલેન્સ વિષે તપાસ કરવામાં નથી આવતી? જો એક તલાટી પાસે બેનામી સંપત્તિ હોવાથી તેની ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય તો પછી માત્ર પાંચ જ વર્ષમાં રોડપતિમાથી કરોડપતિ બનેલા કોર્પોરેટર કે સરપંચ કે તાલુકા-જિલ્લા પંચાયતના સભ્ય ઉપર કેમ દરોડા પાડવાની હિંમત નથી કરવામાં આવતી? 


 

 

 

 

 

વિપક્ષ નબળો હોવાના કારણો આપીને અને પારદર્શી પ્રશાસનના ઢોલ વગાડીને રાજકારણ કરનારા સત્તાલાલચુ મહાન નેતાઓ કેમ એન્ટિકરપ્શન બ્યુરોને સ્વાયત્તા નથી આપતા? શા માટે એન્ટિકરપ્શન બ્યુરોમાં માત્ર પોલીસ અધિકારીઓ જ નિમણૂંક પામે છે? ખરેખર દરેક સરકારી વિભાગમાથી સ્વચ્છ છ્બિ ધરાવતા અને સરકારની ગુડબુકમાં હોય એવા નહીં પરંતુ હકીકતે ઈમાનદાર હોય તેવા અધિકારીઓને એ.સી.બી. માં નિમણૂંક આપવાનું વિચારો. નિવૃત્ત થયેલા અને માત્ર હા જી હા કરવાવાળા વૃદ્ધોને બદલે જુવાનિયાઓની ભરતી પ્રક્રિયા વારંવાર અને ઝડપી બનાવો. 

હકીકતે આપણા હાલના નેતાઓને માત્ર પોતાના વિકાસમાં જ રસ હોય એવું લાગી રહ્યું છે. સરદાર પટેલ અને ગાંધીજીના ફોટાઓ દીવાલ પર શોભાના ગાંઠિયા બની રહ્યા છે. જાતિ, ધર્મ અને દેશભક્તિના નામે આ લોકો રાજનીતિ કરીને આપણને ગુમરાહ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. માત્ર પોતાની સત્તા ટકાવી રાખવાના એજન્ડા ઉપર જ આખી સિસ્ટમ ચાલી રહી છે. આગલી સરકારો ઉપર માછલાઓ ધોવા સિવાય નક્કર કામગીરી કરવામાં આવતી નથી. અરે.., સરકારી વિભાગોમાં બદલી અને બઢતી માટે પણ પૈસા માંગવામાં આવે છે. જે જગ્યા ઉપર પૈસા વધુ મળે તે જગ્યાઓ ઉપર બદલી કરવાના ભાવ બોલાતા હોય છે. ધારો કે, આપણા મુખ્યમંત્રી સાહેબની નજરમાં સૌથી ભ્રષ્ટ એવા રેવન્યુ વિભાગમાં સૌથી હોટ વિસ્તારો દક્ષિણ ગુજરાતનાં છે કે જ્યાં જમીનોના ભાવ આસમાન અડી રહ્યા છે. આથી ત્યાં પોસ્ટિંગ માટે મોટી ઓળખાણ કે મોટો વહીવટ કરવો પડતો હોય છે. 

ઘણા યુવાનો માત્ર પૈસા કમાવા મળે એ હેતુથી જ સરકારી નોકરી મેળવવા મહેનત કરે છે એ એક નગ્ન સત્ય છે. અત્યારના સમયમાં ગાડરિયા પ્રવાહમાં ભળી જનારો જ સાચો સરકારી કર્મચારી ગણાય છે. કેટલીક ભરતીઓમાં ઇન્ટરવ્યુ આધારે ઉમેદવારો પસંદ થતાં હોય છે. જેમાં પણ ઉમેદવાર સરકારનું કહ્યું કરે એવો ડાહ્યોડમરો છે કે કેમ એ ધ્યાને લેવાતું હોય છે. એક કિસ્સો મને યાદ આવે છે. વર્ષ 2014માં મને ડાંગના જંગલમાં સુબીર તાલુકામાં નિમણૂંક આપવામાં આવેલ. પરિવાર સાથે ત્યાં રહેવું એ એક બહુ મોટી ચેલેન્જ હતી. 

સામાન્ય રીતે બદલી બાબતે આજીજી કરવી મારા સ્વભાવની વિરુદ્ધ હતી પરંતુ પરિવારને હેરાન થતો મારાથી જોવાતું ન હોય હું મારા સંયુકત સચિવને બદલીની વિનંતી કરવા ગાંધીનગર મળવા ગયો. એ સમયે સરકારની ગુડબુકમાં રહેલા એ સચિવે મને કહ્યું કે, “તમારી ઈચ્છા જ્યાં જવાની હોય ત્યાના ધારાસભ્ય કે સંસદસભ્યનો એક લેટર લેતા આવો એટ્લે વિચારીએ.” હવે તમે વિચારો કે આવા ગુલામી માનસિકતા વાળા સચિવો સચિવાલયમાં બેઠા છે કે જે ફીલ્ડના અધિકારીને લોકલ નેતાઓ આગળ વેંચી દેવા માંગે છે. 


 

 

 

 

 

સ્વાભાવિક છે કે હું જેની પાસેથી બદલીની ભલામણ કરતો લેટર લખાવવા જાવ, તે નેતાના હાથ નીચે જ મારે મારૂ સ્વમાન ગીરવે મૂકીને મારા પોસ્ટિંગના સમયગાળા દરમિયાન નોકરી કરવી પડે. એ મારી પાસેથી પોતાની ઈચ્છા મૂજબનું કામ કરાવી શકે. અત્યારે મોટાભાગે આવા ઉપકાર નીચે દબાયેલા અધિકારીઓ-કર્મચારીઓ સરકારમાં કામ કરી રહ્યા છે ત્યારે સામાન્ય માણસોએ ન્યાયની કે પોતાનું કામ સમયસર અને લાંચ આપ્યા વગર થવાની આશા રાખવી જોઈએ??? બિલકુલ નહીં. જે પ્રજાને પોતાનો નેતા પસંદ કરતાં નથી આવડતો એ પ્રજાએ ગુલામીનો વારસો કાયમી જાળવી રાખવો પડશે. 

એક વાત હંમેશા યાદ રાખશો કે, રાજકીય પીઠબળ વગર કોઈપણ અધિકારી-કર્મચારીની હિંમત નથી કે કોઇની પાસેથી એક પણ રૂપિયાની લાંચ માંગી શકે. કાયદાઓ, નિયમો અને પરીપત્રોને મજબૂત બનાવવા જોઈએ. સરકારી કર્મચારીઓ પાસે પક્ષની જાહેરાતો કરતાં કાર્યક્રમો કરાવવાના બદલે મૂળભૂત કામ લેવું જોઈએ. સરકારી કચેરીઓમાં થતી કામગીરીનું સુપરવીઝન માટેની એક અલાયદી સિસ્ટમ વિકસાવવી જોઈએ. લાંચ-રૂશ્વત બ્યુરોના અધિકારીઓ પણ લાંચ લેતા અને વિવિધ કિસ્સાઓમાં વચ્ચે રહીને મધ્યસ્થીની ભૂમિકા ભજવીને નાણાકીય વહીવટો કરવા ટેવાયેલા હોવાના સમાચારો પણ છાશવારે સાંભળવા મળે છે. 

આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓની જો ઈચ્છાશક્તિ હશે તો ભ્રષ્ટાચારને કાબુમાં લેવો અઘરો નથી. પરંતુ આપણા પ્રતિનિધિઓની ઈચ્છાશક્તિ જાગૃત કરવા વારંવાર સત્તા પરીવર્તન ખૂબ જ જરૂરી છે. એક ને એક વ્યક્તિ કે પરિવાર જો સતત સત્તામાં રહેશે તો તેને આગામી ટર્મમાં ચૂંટાવા માટે શ્રેષ્ઠ કામ કરીને બતાવવાની ચિંતા રહેશે નહીં. દેશનું તથા દેશવાસીઓનું હિત ઇ.વી.એમ. મશીનના વાદળી બટનમા રહેલું છે. ટૂંકમાં ભ્રષ્ટાચાર મુક્ત દેશનું સપનું સાચું પાડવા માટેની તાકાત અંતે તો દરેક મતદારોની એક આંગળીમાં રહેલી છે.

(અહીં હેતુ માત્ર લેખકના વિચારો અને લેખન કલાને રજુ કરવાનો છે)