ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): નરેન્દ્ર મોદી સરકારે કૃષિ વિષયક ત્રણ ખરડાઓને સંસદમાં પસાર કરાવી દેતા, મલ્ટી નેશનલ એગ્રો કંપની, કેટલાંક રાજકારણી અને તેમના વતી રમતા સટ્ટોડીયાની જાજમ પગ તળેથી ખેંચી લીધી છે. આથી હવે પછી વર્ષોથી ગ્રામ્ય કૃષિ હાજર અને વાયદા બજારમાં જામી પડેલા મોટા ખેડૂતો સાથે મળીને ખેડૂતોને નામે મોટા પૈસાના ખેલ પાડી, ઉગ્ર આંદોલનના તખ્તા ગોઠવાશે. 

અંદાજે ૨૫ વર્ષ પહેલાં આ સંવાદદાતાએ એક આર્થિક અખબાર માટે આમળાંનો વ્યાપક સંશોધનાત્મક ન્યુઝ રિપોર્ટ લખ્યો હતો. એ વર્ષે આમળાંનો વિક્રમ પાક આવ્યો હતો, ભાવ ગગડીને રૂ.૫ પ્રતિ કિલો થઈ ગયો હતો. આવી અસામાન્ય સીઝનમાં પણ આખી દુનિયામાં પ્રખ્યાત ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ, રામપુર, બારાબંકી અને હાથરસ મથકે ભાવ રૂ.૨૦ હોવા જોઈએ. આ સમાચાર એ સમયે અખબારમાં પ્રસિદ્ધ થયા. સરકાર દ્વારા નોંધાયેલી ફાઈવ સ્ટાર એકસપોર્ટ હાઉસનો દરજ્જો પામતી મુંબઈની એક અગ્રણી કંપનીના ચેરમેનએ મને કોલાબા ઑફિસમાં બોલાવ્યો.


 

 

 

 

 

આ કંપની મોટાપાયે મટન નિકાસમાં પ્રવૃત છે અને ઉત્તર પ્રદેશમાં આમળા પલ્પ પ્રોસેસિંગ યુનિટ ધરાવે છે. મને પૂછવામાં આવ્યું આ રિપોર્ટ સાચો છે? મે હા પાડી. તેમણે કહ્યું કે અમારી કંપની આમળા ખરીદવા ઉત્સુક છે, તમે ખરીદવામાં અમને મદદ કરી શકો? મે ફરી હા કહ્યું. તેમણે તુરંત દુબઈ બ્રાંચ ઑફિસમાં પોતાના દીકરાને ફોન કર્યો. ૧૫ દિવસમાં તમને આમળા પ્લપ મોકલું છું. ભાવ થોડા નીચા કરી આમળા પલ્પનું વ્યાપક માર્કેટિંગ કરવાની વ્યવસ્થા ગોઠવો. મે મારા સોર્સને ફોન કર્યો જેઓ ડાબર, ઝંડુ સહિતની આગેવાન આમળા, મુરબ્બા, ચ્યવનપ્રાસ ઉત્પાદક કંપનીઓના એજન્ટ હતા.

ઉકત ફાઈવ સ્ટાર એક્સપોર્ટ હાઉસ કંપનીએ રૂ.૭મા યુપીની તમામ બજારોમાંથી ઉત્તમ કવોલીટીના મોટા અને જ્યુસી આમળા કોર્નર કરી લીધા. તેમની બજાર મધ્યસ્થીને લીધે ચ્યવનપ્રાસ કંપની મૂંઝવણમાં મુકાઈ ગઈ. બજારમાં માલ પુરવઠો ઘટી જતા પાછળથી ભાવ મૂળ સપાટીએ આવી ગયા. 

આરબો આમળાના પલ્પને સેક્સ વર્ધક ટોનિક માને છે. તેથી તેઓ આમળા પ્લપનો ઊંચા ભાવે પણ, ધરખમ ઉપયોગ કરે. બધી જ ભારતીય કંપનીઓ આમળા પ્રોડક્ટ અરેબિયન, અમેરિકા અને યુરોપની બજારમાં ચ્યાવનપ્રાસ સહિતના મુલ્યવર્ધક આમળા પ્રોડક્ટની નિકાસ કરીને ધૂમ કમાણી કરે. આપણા ખેડૂતો મંજીરાં વગાડે.

મે ૪૫ વર્ષથી એગ્રી કોમોડિટીનું પત્રકારત્વ કર્યું છે, બજારમાં કેવી રીતે ખેલ પાડવામાં આવે છે અને તેજીની મંદી અને મંદીની તેજીના સાટાદોઢાના ખેલ પડતા જોયા છે. કૃષિ કોમોડીટી બજારમાં ભાવના ખેલ પાડતા કેટલાય કોગ્રેસી રાજકારણીઓ જેમાના મહત્તમ હવે બીજેપીના ખોળામાં બેઠા છે, તેમના એજન્ટોના સંપર્કમાં અમે આવ્યા હતા. બજારના આવા તમામ તત્વોની નાળ અમે પારખીએ છીએ. તેઓ ખેડૂતોના મસીહા બની તેમનું લોહી ચુસી જતા હોય છે. નવા કાયદાથી કદાચ તેમના જીવનમાં પરિવર્તન આવે.