મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:  ભાજપ દ્ધારા ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી ગોરધન ઝડફિયાને માત્ર ૧૨ દિવસમાં જ કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાના ચૂંટણી ઇન્ચાર્જ બનાવ્યાની રાજકીય ચર્ચાઓ હજી શમી નથી. ત્યાં ભાજપે ઉત્તર પ્રદેશના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે જે.પી.નડ્ડાની નિમણુક કરી ગોરધન ઝડફિયાને અન્ય ૬ સહપ્રભારીમાં મૂકી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકારમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે દીવાલ ઉભી થયા બાદ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ઘરોબો ધરાવતા ગોરધન ઝડફિયાની યુપીમાં ઇન્ચાર્જ તરીકેની નિમણુક તેમજ ત્યારબાદ કાર્યકાળ ઘટાડી નાખવાનાં નિર્ણયથી ભારે રાજકીય ચકચાર મચી જવા પામી છે.    

ગુજરાત રાજ્યમાં ૨૦૦૨માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા વચ્ચે તિરાડ પડતા ઝડફિયાએ ત્યારપછી મંત્રીમંડળમાં જોડાવવાનો પણ જાહેરમાં ઇનકાર કરી દીધો હતો. આ પછી ભાજપને રામ રામ કરી નવો પક્ષ રચવા સાથે બે વર્ષમાં જ કેશુબાપા સાથે મર્જર કરી નવો પક્ષ રચવામાં આવ્યો હતો. પરંતુ તે લાંબુ નહિ ચાલતા પાંચ વર્ષથી ભાજપમાં પાછા ફરેલા ઝડફિયાને સ્થાનિક પ્રચાર કાર્ય સોંપવામાં આવે છે. ત્યારે ગઈ ૨૭ ડીસેમ્બર-૨૦૧૮ના રોજ લોકસભાની ચૂંટણી માટે ગોરધન ઝડફિયાને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ઇન્ચાર્જ બનાવી ભાજપના રાષ્ટ્રીય સંગઠને ભારે આશ્ચર્ય સર્જાયું હતું.

જો કે ઝડફિયા માટે આ આશ્ચર્ય કહો કે આંનદ વધુ સમય નહિ રહેતા તેમને હટાવીને જે.પી. નડ્ડાની યુપીના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે. જયારે ભાજપ દ્ધારા યુપીમાં નીમાયેલા કુલ ૬ સહપ્રભારીમાં ગોરધન ઝડફિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ ગુજરાત વિધાનસભામાં પણ ઝડફિયાને ટીકીટ નહિ આપ્યા બાદ તેમને યુપી ઇન્ચાર્જ બનાવી લોકસભાની ટિકિટ માંગવામાંથી બાકાત રાખવાની ભાજપમાં ચર્ચા હતી. હવે ભાજપ દ્ધારા જ ઝડફિયાની ગુજરાતમાંથી હકાલપટ્ટી કર્યા બાદ ફરી એકવાર કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા હોવાની રાજકીય ચર્ચા જાગી છે.