પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સામાન્ય સંજોગોમાં પણ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને જીવને જોખમમાં મુકી કામ કરવાનું હોય છે અને મિશન પાર પાડવાનું હોય છે, પરંતુ કોરોના મહામારીની સ્થિતિમાં તેઓ દુશમનની ગોળીથી ભલે બચી જાય પણ કોરોનાના સંક્રમણથી બચવું મુશ્કેલ છે. આવું જ કાંઈક પૂર્વ ગૃહરાજ્ય મંત્રી ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવેલા શાર્પ શૂટરને ઝડપી લેનાર ગુજરાત એટીએસના અધિકારીઓ સાથે બન્યું છે. આ કેસ સાથે સંકળાયેલા અધિકારીઓ પૈકી પોલીસ ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટર અને કોન્સ્ટેબલ્સ સહિત 11 પોલીસ અધિકારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનો રિપોર્ટ આવ્યો છે.

2002માં ગુજરાતના ગૃહમંત્રી રહેલા ગોરધન ઝડફિયાની હત્યા માટે છોટા શકિલના ઈશારે આવેલા મુંબઈના શાર્પ શૂટર ઈરફાનને ગુજરાત એટીએસએ અમદાવાદના રિલીફ રોડ પર આવેલી વિનસ હોટલમાંથી ઝડપી લીધો હતો. કોવીડ ટેસ્ટમાં ઈરફાન કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

આ મામલાની તપાસમાં ગુજરાત એટીએસની મદદે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. આ ઓપરેશનના તાર દક્ષિણ ભારત અને મહારાષ્ટ્ર સુધી જોડાતા એટીએસએ બીજા પાંચ આરોપીઓને પણ ઝડપી લીધા હતા. આ તપાસમાં સંકળાયેલા વિવિધ તબક્કાના અધિકારીઓને કોરોનાના લક્ષણો દેખાતા તેમની તપાસ કરવામાં આવી હતી.

હમણા સુધી મળેલા રિપોર્ટ પ્રમાણે આ તપાસમાં સંકળાયેલા પોલીસ ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટર અને કોન્સ્ટેબલ્સ પૈકી 11 પોલીસ અધિકારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું બહાર આવતા તેમને હોમ ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે.

(આ રીતે પકડાયો હતો ઈરફાનઃ ગુજરાત ATSએ દરવાજો નોક કર્યો અંદરથી પુછ્યું કોણ? જવાબ મળ્યો, મહેમાન અને પછી અચાનક ગોળી ચાલી)