રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 ના રોજ 19 વર્ષના ગોપાલે દિલ્હીમાં CAA-નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં વિદ્યાર્થીઓની રેલી ઉપર તમંચાથી ફાયરિંગ કરી એક વિદ્યાર્થીને ઈજાગ્રસ્ત કરી દીધો. ગોપાલે કહ્યું : “મૈં આઝાદી દે રહા હૂં !” એક યુવાનના મનમાં આટલો ધિક્કાર રોપ્યો કોણે? ગોપાલ એક નથી; શહેરોની ગલીએ ગલીએ છે, ગામડે ગામડે છે ! ગોડસે દેશભક્ત હતો, એવી બૂમો પાડો ત્યારે અનેક ગોપાલનો જન્મ થાય છે !

ગોપાલ સામે IPC કલમ-307 હેઠળ કાર્યવાહી થશે, જેલમાં રહેશે, એને શું મળ્યું? કોઈ પ્રધાનનો દિકરો કેમ તમંચો/રિવોલ્વર લઈને પ્રદર્શનકારીઓ ઉપર ફાયરિંગ કરતો નથી? શા માટે યુવાનોના મગજમાં ધિક્કારનું ઝેર ભરવામાં આવે છે? શામાટે યુવાનોને રોબોટ બનાવવામાં આવે છે? શામાટે ગોપાલો ગોડસેના રસ્તે જઈ રહ્યા છે? યુવાનોએ એ સમજી લેવાની જરુર છે કે ધિક્કારનું ઝેર માત્ર સત્તાપ્રાપ્તિ માટે ફેલાવવામાં આવી રહ્યું છે. IT Cell મુસ્લિમ શાસકો/નહેરુ વિરુધ્ધની પોસ્ટ ધડાધડ તૈયાર કરીને લોકોના મગજમાં ઝેર ભરે છે. ગોપાલ જ નહીં, કેટલાંય બુધ્ધિજીવીઓ/રેશનલ લોકો IT Cellની પોસ્ટને સાચી માનીને ચોક્કસ નેતાનો જયજયકાર કરી રહ્યા છે. આ ખતરનાક બાબત છે. તાનાશાહી તરફનું આ પગલું છે. ભૂતકાળમાં આવો નેતા થયો નહતો અને ભવિષ્યમાં પણ આવો નેતા થશે નહીં; એવા ભજનિયાં શરુ કર્યા છે ! 

તમે શરમહીન થઈને ધાર્મિક લાગણી ઉશ્કેરી શકો અને તમને ક્રોની કેપિટાલિસ્ટનો પૂરો ટેકો હોય તો તમે માત્ર ગોપાલનું મગજ નહીં, કરોડો લોકોના મગજ પ્રદૂષિત કરી શકો છો. સરદાર/ભગતસિંહ/સુભાષચંદ્ર બોઝ/રામમંદિર/ગાય/સાધુસંતો વગેરે લોકપ્રિય પ્રતીકોનો ઉપયોગ કરો તો તમને સત્તાસ્થાનેથી કોઈ હલાવી પણ ન શકે ! ભલે તમે આવું કરો, સત્તા ભોગવો, પણ દેશના/NRIના ગોપાલોના મગજ પ્રદૂષિત કરવાનું બંધ કરો તો મોટી દેશસેવા કહેવાશે.

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે)