મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુગલના સીઈઓ સુંદર પિચાઈ વચ્ચે વર્ચ્યૂઅલ (વીડિયો કોન્ફરન્સ) મીટિંગ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુદ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને જાણકારી અપાઈ હતી. ગુગલ ફોર ઈન્ડિયા ઈવેન્ટમાં કંપની દ્વારા ભારતમાં રૂ. 75000 કરોડના રોકાણની પણ વાત કરાઈ હતી.

વડાપ્રધાન દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મુક્તા લખાયું હતું કે, સુંદર પિચાઈ સાથે સફળ વાતચિત થઈ છે, અમે ભારતમાં ખેડૂતો, યુવાનો અને ઉદ્યયોગસાહસિકોના જીવનને બદલવા માટે ટેક્નોલોજીના વપરાશ સહિત બીજા ઘણા મુદ્દાઓ પર વાતચિત કરી હતી.

આ તરફ ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ 'Google for India Digitisation Fund'નું એલાન કરતાં ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ગુગલ ભારતમાં આગામી પાંચ વર્ષમાં 75000 કરોડ રૂપિયા (અંદાજે 10 અબજ ડોલર)નું ઈન્વેસ્ટમેન્ટ કરશે. પિચાઈએ કહ્યું કે કંપની આ ફંડ અંતર્ગત ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ સાથે સાથે ઈકોસિસ્ટમ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા પાર્ટનરશિપ અને ઓપરેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્વેસ્ટમેન્ટ કરશે.

ગુગલ ફોર ઈન્ડિયા કાર્યક્રમને સંબોધિત કરતાં પિચાઈએ કહ્યું કે રોકાણ સાથે જોડાયેલો આ નિર્ણય ભારત અને ત્યાંના ડિઝિટલ ઈકોનોમીના ભવિષ્યમાં કંપનીનો વિશ્વાસ દર્શાવે છે. પિચાઈએ કહ્યું કે આ રોકાણમાં ભારતના ડિઝિટલીકરણથી જોડાયેલા ચાર મુખ્ય બિન્દુઓ પર ધ્યાન આપવામાં આવશે. આ ચાર મુખ્ય બિન્દુ આ પ્રકારે છે.

1. દરેક ભારતીયને તેની ભાષામાં જાણકારી પુરી પાડવામાં આવે. 
2. ભારતની પોતાની જરૂરતોના હિસાબથી નવા પ્રોડક્ટ્સ તથા સર્વિસિસ વિકસિત કરવી. 
3. ધંધાને ડિઝિટલ ટ્રાન્સફોર્મેશનના હિસાબથી સશક્ત બનાવવો.
4. હેલ્થકેયર, એજ્યુકેશન અને કૃષિ જેવા ક્ષેત્રોમાં પ્રદ્યોગિકી અને આર્ટિફિશિયલ ઈંટેલીજન્સનો ઉપયોગ

આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પિચાઈએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચિત કરી હતી. પીઆઈબી (પ્રેશ ઈન્ફોર્મેશન બ્યૂરો) મુજબ વડાપ્રધાનને ભારતમાં મોટું ઈન્વેસ્ટમેન્ટ ફંડ શરૂ કરવા માટે અને રણનૈતિક ભાગીદારી વિકસિત કરવા માટે ગુગલની યોજના અંગે અવગત કરાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત દુનિયાની સૌથી મોટી ખુલ્લી અર્થવ્યવસ્થાઓ પૈકીનું એક છે. વડાપ્રધાને કૃષિમાં હાલમાં કરાયેલા સુધારાઓ અને નવી નોકરીઓના સર્જન માટે શરૂ કરાયેલા સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાઓનો ઉલ્લેખ કર્યો છે.