મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ‘વાયુ’ વાવાઝોડાને લઇને અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ વહેલી સવારથી જ વાતવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. આકાશે કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. બાયડ તાલુકાના તેનપુર વિસ્તારમાં એક કલાકમાં ભારે પવન સાથે ૨ ઇંચ વરસાદ ખાબકતા વૃક્ષો ધરાશાયી થવાની સાથે બાયડ-દહેગામ રોડ પર આવેલા વાત્રક પુલ પર પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. વાહનો બંધ થઈ જતા આંબલીયારા પોલીસે તાબડતોબ સ્થળ પર પહોંચી પાણી દૂર કરતા વાહન વ્યવહાર પૂર્વરત કરતા વાહન ચાલકોએ પોલીસતંત્રની કામગીરીની સરાહના કરી હતી.

આંબલીયારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આશિષ પટેલ અને તેમની ટીમે અરવલ્લી-ગાંધીનગર જીલ્લાને જોડાતા જીવાદોરી સમાન રાજ્યધોરી માર્ગ પર આવેલા વાત્રક પુલ પર ધોધમાર વરસાદના પગલે પુલ પર બનાવેલ હોલમાં કચરો ભરાતા પુલ પર પાણી ફરી વળ્યા અને પુલ પર પાણી ભરાતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને વાહનોમાં પાણી ભરાતા વાહનો બંધ થઇ જતા હતા. જેથી વાહનવ્યવહાર થંભી જતો, પુલ પરના કાણામાં ભરાયેલો કચરો પોલીસ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી દૂર કરતા પુલ પર ભરાયેલા પાણી વહી ગયા હતા અને ફરીથી વાહન વ્યવહાર પૂર્વરત થતા પુલ પર ભરાયેલા પાણીના પગલે ફસાયેલા વાહન ચાલકોએ પોલીસતંત્રની કામગીરીની સરાહના કરી હતી.

પીએસઆઈ આશિષ પટેલના જણાવ્યા અનુસાર બાયડ પંથકના તેનપુર વિસ્તારમાં વાયુ વાવાઝોડાની અસરના પગલે સાંજના સુમારે ખાબકેલા ધોધમાર વરસાદમાં પુલ પર પાણી ભરાયા હોવાની જાણ થતા કર્મચારીઓ સાથે વાત્રક પુલ પર પહોંચી પુલ પર ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.