પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગત વર્ષે નવજીવન ટ્રસ્ટ સંચાલીત જર્નાલીઝમ કોલેજમાં પત્રકારત્વનો અભ્યાસ કરવા માટે રાજકોટનો તુષાર બસીયા ખાસ અમદાવાદ આવ્યો અને પત્રકારત્વ ભણ્યો, આખા વર્ષ દરમિયાનમાં તુષારમાં થતાં ફેરફારની મેં નોધ કરી. તો પહેલા તબક્કમાં તુષારનો જુસ્સો પત્રકારત્વ ભણી દુનિયા બદલી નાખવાનો હતો, પણ જેમ જેમ તે નવજીવનમાં પત્રકારત્વો ભણતો ગયો તેમ તેમ દુનિયા બદલવા નિકળેલા તુષારની અંદર બદલાવ શરૂ થયો. તેણે એક સાંજે મને મેસેજ કરી લખ્યુ હું તો અત્યાચાર લખવા આવ્યો હતો તું મારી પાસે માણસાઈ લખાઈ ગયો, પત્રકારત્વના શિક્ષક તરીકે મને અને તુષારને ભણાવનાર તમામ શિક્ષકો માટે આ ગૌરવની વાત હતી, પણ હજી તુષારે જીવનની લાંબી સફર કાપવાની બાકી હતી. તે ત્યારે વિધ્યાર્થી હતો, હજી તેણે દુનિયામાં ડગ માંડવાનો હતો.

અમે પત્રકારત્વના વિદ્યાર્થીને પહેલા દિવસે કહીએ છીએ કે તમે અહિયાથી જે ડીગ્રી લઈ નિકળશો તે તમને કયારે પણ કામમાં આવવાની નથી. કદાચ તમે જયાં કામ લેવા જશો ત્યાં તમારી ડીગ્રી માંગવામાં પણ આવશે નહીં, પણ તમે પત્રકાર તરીકે જે કામ કરો છો તે અગત્યનું સાબીત થશે, ગત વર્ષનું પરિણામ આવ્યું અને તુષાર આખા વર્ગમાં પ્રથમ આવ્યો, તે રાજકોટનો વતની હોવાને કારણે તે રાજકોટ પાછો ગયો અને બે મહિના પહેલા તે મને મળવા અમદાવાદ પાછો આવ્યો તેણે મને કહ્યું હું ગ્રામીણ પત્રકારત્વ કરવા માગું છું ખુબ વિચાર કર્યા પછી મને લાગ્યું કે તે દિશામાં ખુબ ઓછુ કામ થયું ગ્રામીણ વિસ્તારમાં પોતાના પ્રશ્નો છે અને ગ્રામીણ વિસ્તારમાં અનેક લોકો સારૂ કામ પણ કરે છે. મારે તેમને મળવું છે અને તેમના વિશે લખવું છે, મને મનોમન આનંદ પણ થયો, તુષાર જે કામની વાત કરી રહ્યો હતો તેવું મારે પણ કરવું હતું, પણ હું તેવું કયારેય કરી શકયો નહીં.


 

 

 

 

 

તુષારે પોતાની નવી સફરની શરૂઆત કરી તે ગુજરાતના તેવા વિસ્તારમાં ફરી રહ્યો હતો, જ્યાં જવા માટે આજે રસ્તા, વાહન વ્યવસ્થા અને મોબાઈલ ટાવર નથી, તે અનેક વિસ્તારમાં  જંગલોમાં અને પહાડોમાં ફરતો રહ્યો તેના સાથી તરીકે ગુજરાત વિદ્યાપીઠનો વિદ્યાર્થી ભાવેશ પણ હતો, લાંબો પ્રવાસ કરી તુષાર પાછો મને મળવા આવ્યો, તેણે મને આવી કહ્યું હું માનતો હતો કે ગુજરાત એટલે અમદાવાદ-વડોદરા-સુરત અને રાજકોટ છે પણ ગુજરાત તો આ શહેરો કરતા પણ મોટું છે તેની વાતમાં તેણે જોયેલા ગુજરાતના આનંદની સાથે ગ્રામીણ ભારતના લોકોની સ્થિતિની વેદના પણ હતી. તેણે એક જંગલ વિસ્તારમાં શરીર ઉપર એક પણ વસ્ત્ર વિનાની સ્ત્રી જોઈ ત્યારે તે હચમચી ગયો તેની પણ વાત કરી, ગ્રામીણ વિસ્તારમાં કામ કરતા અને અનેક યુવાનોની પણ વાત કરી અને આ યુવાનની વાત કરતા કરતા તે રડવા લાગ્યો હતો.

મેં થોડો સમય તેને રડવા દિધો, પછી તે શાંત થયો અને તેણે મને કહ્યું ગ્રામણી વિસ્તારમાં એક યુવાન ખુબ સારૂ કામ કરે છે, આ યુવાનને કારણે આસપાસના ગામડાઓમાં ખુબ લોકોની જીંદગીઓ બદલાઈ છે, જ્યાં સરકાર હજી પહોંચી નથી ત્યાં આ યુવાને ચમત્કારીક કામ કર્યું છે, પણ પ્રવાસ દરમિયાન યુવાનની વ્યકિગત જીવન અંગે મેં સાંભળ્યું ત્યારે હું વ્યથીત થઈ ગયો, મને સમજાતું નથી કે લોકો માટે ઉત્તમ કામ કરનાર માણસ વ્યકિતગત જીવનમાં આમ છેલ્લી પાયરી ઉપર કેમ ઊભો છે, તુષારની વ્યથા અને મુંઝવણ મને સમજાતી હતી, જો કે તુષારનો જે પ્રશ્ન હતો તેનો ઉત્તર મને વર્ષો પહેલા મારા સિનિયર અને પ્રેમાળ પત્રકાર મિત્ર મુકંદ પંડયાએ આપ્યો હતો. હું અને મુકંદ પંડયા સારા મિત્રો, અમારી વચ્ચે ઉમંરના તફાવતની સાથે વ્યવહારમાં પણ ખાસ્સો વિરોધાભાસ, મારા વ્યવહાર અને કામની પદ્ધતિને કારણે મને લોકો જ્યારે દુર રાખતા ત્યારે મુકુંદ પંડયા મને એટલો જ પ્રેમ કરતા અને કરે છે.

મેં એક દિવસ તેમને આ અંગે પુછ્યું તો તેમણે મને સરળતાથી કહ્યું મેં તારી સાથે મિત્રતા કરી છે તો એકસો ટકાની કરી છે. આપણે ટુકડામાં માણસ સાથે મિત્રતા કરી સંબંધ રાખી શકીએ નહીં, કોઈની સારી બાબત હોય તો સાંઈઠ ટકા મિત્રતા કરીએ અને તેની મર્યાદાઓને કારણે ચાલીસ ટકા મિત્રતા કરીએ નહીં તેવું થાય નહીં, કોઈની મર્યાદા અને કોઈ એક ઘટનાને કારણે તે ખરાબ થતો નથી આમ કોઈ આખો સારો અને કોઈ આખો ખરાબ હોતો નથી, આપણે તમામને તેની જમા અને ઉધાર બાજુ સાથે સ્વિકારવો જ રહ્યો, માણસ આજે જે વ્યવહાર કરે છે તે પછી સારો હોય કે ખરાબ તેના અનેક કારણો હોય છે. જેમાં તેની પરિસ્થિતિ, તેના માનસમાં પડેલા ભુતકાળના અનુભવોથી લઈ અનેક બાબતો હોય છે એટલે એક ઘટનાને આધારે કોઈનું મુલ્યાંકન કરી શકાય નહીં.


 

 

 

 

 

તુષારની જે મુંઝવણની હતી તેનો આ જવાબ હતો જે યુવાન ગ્રામીણ વિસ્તારમાં સારૂ કામ કરે છે તે વ્યકિતગત જીવનમાં કેમ નિષ્ફળ સાબીત થઈ રહ્યો છે. તેનો ઉત્તર શોધવાની આપણને જરૂર નથી, મુકુંદ પંડયા કહે છે આપણે ક્યારેય કોઈને બદલવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં, હું મુકંદ પંડયાની આ વાત સાથે સંમત્ત છું અને મેં મારા વ્યકિતગત જીવનમાં પણ જોયું છે. મારી અનેક મર્યાદાઓ વચ્ચે મારા મિત્ર ઉર્વીશ કોઠારી અને દિપક સોલીયાએ મને સ્વીકાર્યો, તેમણે આજ સુધી આ કરીશ નહીં અને આ યોગ્ય નથી તેવું કહ્યું નથી, પણ ક્રમશઃ હું તેમને જોઈ મને બદલતો ગયો, મને બદલવામાં હમણાં સુધી મારા પરિવાર સહિત અનેકોએ પ્રયત્ન કર્યા પણ તે બધા નિષ્ફળ ગયા, પણ જેમણે મને નખશીખ સ્વીકાર્યો તેઓ મારા જીવનમાં કહ્યા વગર પરિવર્તન લાવ્યા એટલે જ મારો પણ પ્રયાસ હોય છે કે કોઈ એક ઘટનાને આધારે માણસ સારો કે ખરાબ તેવા મુલ્યાંકન ઉપર હું પહોંચતો નથી અને જેમને મિત્ર માનુ છું તેમને બદલવાની વાત કર્યા વગર આખા સ્વીકારૂ છું.