પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોનાનું નામ પડતાં જ સામાન્ય માણસોના ગાત્રો થીજી જાય છે. કોરોનાના ડર કરતાં કોરોનાની સારવાર મેળવવા માટે પડતી અગવડોને લઈને શ્રીમંતથી માંડી ગરીબ બધા જ પોતાને લાચાર સમજવા લાગે છે. સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે તમારી પાસે પૈસા પણ હોય અને વગ પણ હોય પણ કોરોનાનો વ્યાપ એટલો વધ્યો છે કે તેમાં તંત્ર કેવી રીતે મદદ કરશે, તેની યોગ્ય સારવાર મળશે કે નહીં તેવી ચિંતા કોરોનાની બિમારી કરતાં વધુ હાવી થઈ જાય છે. જોકે આ સ્થિતિમાં હું તમારી સાથે છું તમે ચિંતા કરતાં નહીં એવું કહેનાર કોઈ મળી જાય તો પચાસ ટકા હિંમત કોરોનાની સામે લડવા ત્યાં જ મળી જાય છે. આવું જ કાંઈક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના મત વિસ્તારના લોકો માટે કર્યું છે.

નીતિન પટેલની હવે જવાબદારી સમગ્ર રાજ્યની છે પરંતુ તેમની પહેલી જવાબદારી તેમને મત આપી ધારાસભ્ય તરીકે ચૂંટી મોકલનાર તેમના મત વિસ્તારના મતદારોની છે. માણસ ધારાસભ્ય થાય અને ત્યાર બાદ મંત્રી થાય, ત્યાર બાદ લગભગ તેનો નાતો મત વિસ્તાર સાથે ઓછો થઈ જાય છે. જેનું કારણ મંત્રી થયા પછી મંત્રીનો મોટાભાગનો સમય ગાંધીનગરમાં વ્યતિત થતો હોવાને કારણે મંત્રી થનાર ધારાસભ્યને જવલ્લે જ પોતાના મત વિસ્તારના લોકો મળી શક્તા હોય છે. મંત્રીની જવાબદારી સમગ્ર રાજ્ય હોય છે, પણ તેના મતદારોની ચિંતા કરવાનો સમય મંત્રી પાસે ઓછો રહેતો હોય છે.

કોરોનાની મહામારીમાં લોકોને જે અગવડ પડી રહી છે તેનું કારણ કોરોનાની વ્યાપકતા તેમજ યોગ્ય માહિતીનો અભાવ પણ છે. નીતિન પટેલે પોતાના મત વિસ્તારમાં કોઈ નાગરિક કોરોનાગ્રસ્ત થાય તો તેને યોગ્ય મદદ મળી રહે અને મદદના અભાવે તેને પરેશાન થવું ન પડે તેવી પહેલ કરી છે. સોશિયલ મીડિયા મારફતે નીતિન પટેલે મહેસાણા અને કડીના મતદારોને અપીલ કરી છે કે, જો તેમનામાંથી કોઈ કોરોના સંક્રમિત હોય અને તેમને મદદની જરૂર હોય તેઓ પોતાના અંગત મદદનીશ અશ્વિનભાઈ ભટ્ટનો સંપર્ક કરે જેથી જરૂરી મદદની વ્યવસ્થા થઈ શકે. કોરોના સંક્રમણ દરમિયાન પોતાના મત વિસ્તારની ચિંતા અને દરકાર કરનાર નેતાઓ બહુ ઓછા છે, જોકે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, અમદાવાદના અસારવા વિસ્તારના કોર્પોરેટર બિપિન પટેલ અને અમદાવાદ મ્યૂનિસિપલ ભાજપ પક્ષના નેતા કોર્પોરેટર અમિત શાહ પોતાના મત વિસ્તારના એક એક વ્યક્તિનું ધ્યાન રાખી રહ્યા છે. અનેક નેતાઓ એવા પણ છે કે જેમને ખુદને જ કોરોના સંક્રમણનો એટલો ડર લાગી રહ્યો છે કે તેઓ સંક્રમિત ન થાય તે માટે તેમનો લાંબો ગાળો શહેર બહાર આવેલા પોતા ફાર્મ હાઉસમાં ગુજારી રહ્યા છે.