મેરાન્યૂઝ નેટવર્ક.ગોંડલ: ગોંડલની સબજેલને પોતાનો અડ્ડો બનાવી જેલમાં બેઠા બેઠા ગુજરાતમાં ખંડણી અને હવાલા સહિતના ગુનાને અંજામ આપતો નિખિલ દોંગા અને તેના સાગરિકોનો પર્દાફાસ કરી ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ કરી જેલમાં ઘકેલવામાં આવ્યા છે. ત્યારે  નિખલનો વહીવટ સંભાળનાર પીયૂષ કોટડીયાની મિલકત જપ્ત કરવા માટે ગૃહ વિભાગથી આદેશ કરવામાં આવ્યા હતા. 

ગુજસીટોક કેસની મિલકત જપ્તીની પ્રથમ ઘટના ગોંડલ ખાતે નોંધાઇ છે. ગોંડલના કુખ્યાત નિખિલ દોંગા અને તેની ગેંગ વિરુદ્ધ નોંધાયેલા ગુજસીટોક કેસની તપાસ જેતપુરના મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમાં ચલાવી રહ્યા છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આદેશ મળતા  નિખિલ દોંગાના નાણાકીય અને વહીવટી કામ સંભાળનાર પિયુષ કોટડીયાનાની મિલકત પર પોલીસએ કાર્યવાહી શરૂ કરી છે. ગોંડલ નગરપાલિકાની હદમાં આવેલા શાસ્ત્રી નગર મેન રોડ પરના મકાન જપ્ત કરવાનો આદેશ કરતા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિતના અધિકારીઓએ સ્થળ પર જઇ મકાનની જપ્તી લીધી હતી. આ સાથે મદદનીશ પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે સાપર ખાતે પણ પિયુષ કોટડીયાનો ખાલી પ્લોટ પડ્યો હોય જેને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, આશરે રૂપિયા 65 લાખની મિલકત જપ્તી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગૃહ વિભાગ દ્વારા વધુ આદેશ અપાશે તો વધુ મિલકતો પણ જપ્ત કરવામાં આવશે તેવું અંતમાં જણાવ્યું હતું.