મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ગોંડલ સબજેલમાં રહીને નામચીન નિખિલ દોંગા ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરતો હતો. તેના તમામ ગુનાહિત કૃત્યમાં જેલના ઇન્ચાર્જ અધિક્ષક સહિતના સ્ટાફની સંડોવણી ખુલી છે. જેને લઈ જેલ એડિશનલ DGPએ જેલના ઇન્ચાર્જ અધિક્ષક પરમાર અને પાંચ સિપાહીને સસ્પેન્ડ કરી દીધા છે.

ગુજરાતનાં જેલવડાની જડતી સ્ક્વોડે બે મહિના પૂર્વે ગોંડલ સબજેલમાં દરોડો પાડ્યો હતો. ત્યારે જેલમાં નિખિલ અને તેના સાથીદારો તેમજ બહારથી આવેલા કેટલાક લોકો ભોજન કરતા જોવા મળ્યા હતા. અને બહારથી આવનાર લોકો માટે જેલના સિપાહીઓએ રાત્રે જેલના દરવાજા ખોલ્યા હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં જેલના ઇન્ચાર્જ અધિક્ષક ડી.કે.પરમાર પણ તેમાં સામેલ હોવાનું ખુલ્યું હતું. જેને પગલે ગોંડલ પોલીસમાં તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

ત્યારબાદ નિખિલ દોંગા સહિત તેના સાથીદારો સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જો કે રાજ્યના જેલવડા ડો. કે. એલ. રાવે જેલકર્મીઓની ગુનાહિત કૃત્યોમાં સંડોવણીને ગંભીરતાથી લીધી હતી. અને જેલ અધિક્ષક ડી.કે.પરમાર તેમજ હવાલદાર વિપુલ સોલંકી, સિપાહી અંકિત અગોલા, પીયૂષ મોરી, વિક્રમસિંહ બારડ અને સંદીપ ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો છે.