જયંત દાફડા (મેરાન્યૂઝ.રાજકોટ): ગુજરાતમાં ફરી થી માફિયા રાજનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને તેનો ભોગ સામન્ય માણસો બની રહ્યા છે. રાજકોટના જિલ્લામાં ફરી એક વખત માથાભારે શખ્સોનો આતંક સામે આવ્યો છે  ગોંડલના રીબડા પાસે કોન્ટ્રાકટર અને તેમના કર્મચારીઓને માથાભારે શખ્સો દ્વારા ધોકા વડે એટલા મારવામાં આવ્યા કે તેમના હાથ પગ ફેકચર થઈ ગયા. અને કહ્યું "યહાં ર્સિફ રાજદીપ કન્સ્ટ્રકશન કા રાજ ચલતા હૈ, દુબારા ઇધર આના મત"

સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનારા હરીશચંદ્ર નામના વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, હું એવરેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર્સ નામની કંપનીમાં પેવર મસીનમાં ઓપરેટર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી નોકરી કરું છું. હાલ કંપની દ્વારા રાજકોટથી જેતપુર રોડ ઉપર ડામર રોડ બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ છે. જેથી હું તથા કંપનીના માણસો કામ કરીએ છીએ. ૩ માર્ચ ૨૦૨૧ ના રોજ રાજકોટથી ગોંડલ જતાં નેશનલ હાઈવે રોડ ઉપર રીબડા ગામ પાસે હાઈવે ઉપર ડામર બનાવવાનું કામ ચાલુ કરેલું હતું. ત્યારે રાત્રીના આશરે ૧૧ થી ૧૧:૧૫ વાગ્યા આસપાસ કામના સ્થળે હાજર હતા. તે દરમિયાન સફેદ કલરની સ્કોર્પિયો ગાડી તેમજ બીજી એક ગાડી અમારી પાસે આવી હતી તેમાંથી દશેક માણસો ઉતર્યા હતા. તેમની પાસે હાથમાં લાકડાના ધોકા હતા. 


 

 

 

 

 

હું કે બીજું કંઈ સમજે તે પહેલા તેઓ મારી પાસે આવી એક સંપ થઇ બેફામ ગાળો દેવા લાગ્યા હતા. તો સાથે જ જોર જોરથી બોલતા મને હિન્દીમાં કહ્યું હતું કે, " યહા હમારા રાજ ચાલતા હૈ, તુમકો કોન્ટ્રકટ કિસને દિયા હૈ ", તેમ કહી મને બધા બેફામ આડેધડ રીતે બંને હાથમાં પગમાં વાસના લાકડાના ધોકા વડે માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન અમારી કંપનીના માણસો મને છોડાવવા વચ્ચે પડતાં તેઓને પણ લાકડાના ધોકા તથા ઢીકા પાટુંનો માર મારવામાં આવ્યો હતો. અમને જે લોકોએ માર માર્યો તે લોકોને હું ઓળખતો નથી. સમગ્ર મામલે ઇજા પહોંચવાના કારણે ગોંડલની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ક્રિષ્ના હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યા છે અને બંને હાથમાં, જમણા પગમાં ફેક્ચર પણ થયેલું છે, તેમજ મુઢમારની ઈજાઓ પણ પહોંચેલી છે. તેમજ સાથેના માણસોના શરીરે સામાન્ય ઈજાઓ પણ થયેલી છે.