મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ હાલ ગોંડલ પંથકમાં કોરોના કેસ ખુબજ વધતા હોય તેવા સંજોગોમાં પોઝિટીવ દર્દીને રાજકોટ લઈ જવામાં એમ્બ્યૂલન્સ પણ ક્યારેક ન મળતી હોય તે વાત ગોંડલ મહારાજા જ્યોતિન્દ્રસિંહજી તથા યુવરાજ હીમાંશુસિંહ ઓફ ગોંડલને ધ્યાને આવતા ગોંડલના કોઈ કોરોના પોઝિટીવ દર્દીને એમ્બ્યૂલન્સ બાબતે જીવ જોખમમાં ન મુકાય તે હેતુથી તાત્કાલિક નવી એમ્બ્યૂલન્સ ગોંડલને ભેટ આપવાનું નક્કી કર્યું પરંતુ એમ્બ્યૂલન્સમાં દરેક કંપનીમાં વેઇટિંગ ચાલતું હોય અને જો ગોંડલને સમયસર એમ્બ્યૂલન્સ ન મળે તો કોઈ દર્દીનો જીવ જોખમમાં મુકાય તો આવા સંજોગોમાં ગોંડલ વર્તમાન મહારાજા જયોતિન્દ્રસિંહજીએ પોતે જે ટોયોટો ઇનોવા કાર ઉપયોગમાં લેતા હોય તે કાર ને જ એમ્બ્યૂલન્સ બનાવી ડેપ્યૂટી કલેકટર (ઇન્સ્ટન્ટ કમાન્ડર)ને અર્પણ કરી આરોગ્ય વિભાગને સોંપી દીધી આજના લોકશાહીના યુગમાં પણ ગોંડલની પ્રજા એ રાજાશાહીના દર્શન કર્યા આવી વીકટ પરિસ્થિતિમાં પણ રાજવી પરિવારે ગોંડલની પ્રજાની ચિંતા કરી તે સરાહનીય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનું સૂત્ર હતું કે "સૌથી પહેલા ગોંડલ" અને "પોતા પહેલા બીજા" એ સૂત્ર સાર્થક રાજવી પરિવારે કર્યું છે. ભારત દેશમાં જ્યારે જ્યારે વિકટ પરિસ્થિતિ આવી છે ત્યારે ગોંડલ રાજવી પરિવારે સહયોગ આપ્યો છે.