મેરાન્યૂઝ નેટવર્ક.ગોંડલઃ લગ્નસરાની સિઝન પૂર જોશમાં ખીલી છે ત્યારે ઘણા લોકો દ્વારા સંતાનોના લગ્ન પ્રસંગે ઝાકમઝોળ કરી સેલિબ્રિટીઓને આમંત્રણ આપી રૂપિયા-પૈસાનો વ્યય કરવામાં આવતો હોય છે ત્યારે ગોંડલના ચૌહાણ પરિવારે દીકરીના લગ્નમાં માવતર વૃધ્ધાશ્રમના નિરાશ્રિતોને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપી સમાજને રાહ ચીંઘતું કાર્ય કર્યું હતું.

ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતા અને રાજકોટ રેલવે વિભાગમાં લોકો પાયલોટ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ચૌહાણની પુત્રી આરતીના વિવાહ અત્રેના રિવરસાઈડ પેલેસ ખાતે યોજાયા હતા આ લગ્ન સમારંભમાં ચૌહાણ પરિવાર દ્વારા વીરપુર ખાતે આવેલ માવતર વૃદ્ધાશ્રમના 45 જેટલા આશ્રિતોને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું આશ્રિતોએ પણ આમંત્રણનો સ્વીકાર કરી ચૌહાણ પરીવાર ના ઘરે લગ્ન સમારંભમાં હાજરી આપી હતી આ કાર્યને સફળ બનાવવા વિજયભાઈ ભટ્ટ, જીતેન્દ્રભાઈ દવે, રમણીકભાઈ સાકરીયા તેમજ ગણેશ મંદિર પંચવટી સોસાયટી ના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. ચૌહાણ પરિવાર દ્વારા આવેલ તમામ નિરાશ્રિતોને રોકડ પહેરામણી કરવામાં પણ આવી હતી સાથે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટને કન્યાના લગ્ન માટે રૂ. 11000 ચાંદલો પણ કરાયો હતો.

ગોંડલ દીકરીના લગ્નમાં મુખ્ય મહેમાન બનેલા વૃદ્ધાશ્રમ ના નિરાશ્રિતોને શહેરના રમાનાથ મંદિર ખાતે દર્શન કરાવ્યા હતા તેમજ શ્રી રામજી મંદિર ખાતે પૂજ્ય હરિચરણદાસ બાપુના આશીર્વાદ પણ અપાવવામાં આવ્યા હતા.

લોકો પાયલોટના ઉમદા કાર્યથી પ્રેરાઇ વૃદ્ધોને વધુ એક આમંત્રણ મળ્યું

વૃદ્ધાશ્રમમાં નિર્વાહ કરતા કેટલાક વૃદ્ધોને તેઓના સંતાનો પણ શુભ કાર્યમાં આમંત્રણ આપતા નથી આવી વેળાએ ગોંડલના ચૌહાણ પરિવારે આમંત્રણ આપ્યાના ઉમદા કાર્ય થી પ્રેરાઇ જીતેન્દ્રભાઈ દવે દ્વારા પણ તેઓના ઘરે આગામી દિવસોમાં આવનાર શુભ લગ્ન પ્રસંગે વૃદ્ધોને મુખ્ય મહેમાન બનવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.