મેરાન્યૂઝ નેટવર્ક.ગોંડલઃ મનુષ્ય જાતિનું વિશ્વાસુ દોસ્ત એટલે શ્વાન અને જે શ્વાન પાલનના શોખીન હોય તેઓના માટે તો શ્વાન પરિવારનું સદસ્ય બની જતું હોય છે અને જ્યારે તે બીમાર થાય ત્યારે આકાશ પાતાળ એક કરતા હોય છે. આવી જ ઘટના ગોંડલમાં બનવા પામી છે. કમળાની બીમારીથી પીડાતી માદા શ્વાનને મોતના મુખમાંથી બચાવવા શહેરમાં પ્રથમ વખત લોહી ચઢાવવાની કામગીરી કરાઈ છે.

ગોંડલ નજીક અમરનગર ગામે રહેતા અને ટેલિફોન એક્સચેન્જમાં સર્વિસ કરતા શરીફભાઈનું પરિવારનું સદસ્ય કહી શકાય તેવી મીરા નામની જર્મન શેફર્ડ પ્રજાતિની માદા શ્વાન છેલ્લા બાર દિવસથી કમળાની બીમારીથી પીડાઇ રહી હતી. જેની સારવાર ગોંડલના લોટસ વેટરનીટી ક્લિનિકના તબીબ ડોક્ટર જયદીપ પીપળીયા કરી રહ્યા હતા. માદા શ્વાનનો કમળાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અને તેમાં પણ હિમોગ્લોબીન પાંચ ટકા થયું હોવાનું જણાતા પરિવાર મૂંઝાવા પામ્યો હતો, પરંતુ ડોક્ટર જયદીપ પીપળીયાએ માદા શ્વાનને બચાવવા કમર કસી હતી અને ગોંડલમાં જ રહેતા જયદીપસિંહ જાડેજા પાસે જિમ્મી નામનો નર શ્વાન હોય જેનું બ્લડ ગ્રુપ માદા શ્વાન સાથે મેચ થતા બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવ્યું હતું.

મીરા નામની માદા શ્વાન ને નવજીવન મળ્યું હતું. આ ઘટના અંગે તબીબ જયદીપ પીપળીયાએ જણાવ્યું હતું કે, ગોંડલમાં આવો કિસ્સો પ્રથમ વખત બન્યો છે. શ્વાનમાં તેર પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે, શ્વાનના બ્લડ ગ્રુપ જાણવાની ભારતમાં પૂરતી સુવિધા નથી. જેની સામે લુધિયાણા અને ચેન્નઈ ખાતે બ્લડ બેંકની સુવિધા છે, બીમાર શ્વાનોને તેના વજન પ્રમાણે કેલ્ક્યુલેશન કરી લોહી ચડાવવું પડતું હોય છે જેમાં ગોંડલના તબીબને સફળતા મળી છે.

100 ml રક્તદાન

બીમાર માદા શ્વાન નો રિપોર્ટ ગોંડલની ગુણાતીત લેબોરેટરીમાં કરાયો હતો જ્યારે ડોનર જિમ્મી એ 100 એમ.એલ રક્તદાન કર્યું હતું આ સમગ્ર પ્રક્રિયામાં બે કલાક જેવો સમય લાગ્યો હતો.