ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): રૂ.૫૫,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ અને રૂ.૭૫,૦૦૦ પ્રતિ કિલોના ભાવે ધીમી પણ સ્થિર ગતિની સોના ચાંદીની માંગ જોવાઈ રહી છે, તેને બુલિયન ડીલરો શુભ સંકેત તારીકે જોઈ રહ્યા છે. પ્રોત્સાહક ચોમાસા પછી ખરીફ મોસમના અનાજમાંથી ઓકટોબરમાં થનારી આવક, અત્યારે જ બુલિયન ખરીદીમાં ડિસ્કાઉન્ટ થવા લાગી છે. મેસર્સ ઉમેદમલ ત્રીલોક્ચંદ ઝવેરીના કુમાર જૈન અને મેસર્સ મેધાજી વાનેચંદના અનીલ સંઘવી કહે છે કે જે લોકો પોતાના બાળકોના લગ્નની અગાઉથી તૈયારી કરી રહ્યા છે, તેમણે સતત વધી રહેલા ભાવ અને કોરોના સંદર્ભના લગ્નસરાના નિયંત્રણોને લીધે થનારી બચતને સોના ચાંદી તરફ વાળવાનું શરુ કર્યું છે.

આ બન્ને ડીલરોએ કહ્યું કે કદાચ જવેલરીની માંગ નહિ નીકળે, પણ બચતના સાધન તરીકે લાગ્નસરામાથી જે કઈ બચત થશે, તેમાંથી દીકારીનું કરિયાવર અને દીકરા વહુને સોનાચાંદીની ભેટો અપાશે. લગ્નસરાના આવા રોકાણકારો પૂછી રહ્યા છે કે સોના ચાંદીના ભાવ સતત વધતા રહેશે? આનો જવાબ કુમાર જૈન આ રીતે આપે છે, જો જાગતિક અર્થતંત્રો પ્રગતિને પંથે નહિ ચઢે તો બુલીનનાં ભાવ ૨૦૨૦ના અંત સુધી ઘટવાનું નામ નહિ લે.

અમેરિકા અને ચીન વચ્ચે ઠંડુ યુદ્ધ, ભૂરાજકીય અચોક્ક્સ્તાઓ અને નબળા પડતો ડોલર ભાવને સતત ટેકો આપતા રહેશે. એમસીએકસ સોનું વાયદો રૂ.૫૫,૮૦૦ નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોચ્યો હતો. મૂડી રોકાણના સ્વર્ગ ગણાતા સોનાના ભાવ ૨૦૨૦મા અત્યાર સુધીમાં ૪૩ ટકા વધ્યા છે. ચાંદી વાયદો એક જ દિવસમાં પાંચ ટકા ઉછળી રૂ.૭૫૭૫૦એ કવોટ થયો. આ વર્ષે ચાંદી પચાસ ટકા કરતા વધુ વધી છે. જો શેર નિફટી સાથે સરખામણી કરવામાં આવે તો તે અત્યાર સુધીમાં ૯ ટકાનો ઘટાડો દાખવે છે.

ભારતની એક વિદેશી બેન્કના ભારતીય બુલિયન સલાહકાર અમીર કોલંબોવાલા કહે છે કે અમે બુલિયન માટે તેજીમાં છીએ. આગામી છ મહિનામાં સોનાના ભાવ રૂ.૬૫૦૦૦ અને ચાંદી રૂ.૮૨૦૦૦થી રૂ.૮૮૦૦૦ની ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. તેમનું માનવું છે કે તેજી તો હજુ હમણા શરુ થઇ છે. અમે અમારા રોકાણકારોને સતત એવી સલાહ આપીએ છીએ કે તમારી બચતને દરેક ઘટાડે સોના તરફ વાળો.      

અનીલ સંઘવી કહે છે કે હા, જવેલરીની માંગ ધીમી પડી છે, પણ રોકાણકારોનો વધુ રસ ઈટીએફ, સિક્કા અને લગડીમાં વધ્યો છે. ઇઝીમની પોલીસી વખતે બજારમાં આવતો નાણાપ્રવાહ, અનિશ્ચિતતાના સમયમાં, સ્વર્ગસમી લાગતી વધુ વળતર આપતી એસેટ ક્લાસમાં પ્રવાહિત થવા લાગે છે. ફુગાવાના હેજ (સલામતી) તરીકે સોનાને જોવામાં આવે છે, આથી બેન્કનાં વ્યાજદરો ઘટતા રહેશે, ત્યાં સુધી તો સોના ચાંદીનાં વર્તમાન ઉમ્બાડીયામાં વધુ ઘી ઠલવાતું રહેશે.

ઉકત ત્રણેય એનાલીસ્ટો એક વાતે સહમત છે કે હવે આપણે તેજીના નાટકના મુખ્ય સ્ટેજ ઉપર આવી ગયા છીએ, ત્યારે નવા ઊંચા ભાવ શુ હશે? તેની આગાહી કરવી અત્યારે મુશ્કેલ છે. કોઈ એવી અનાવશ્યક કે અણચિંતવ્યી ઘટના બને અને વર્તમાન તેજીમાં મોટો ખાંચરો પડે ત્યારે અસંખ્ય ટ્રેડરો ખરીદવાની સલાહ આપે છે.

જાગતિક બજારમાં શુક્રવારે એશીયન ટ્રેડીંગ સમય દરમિયાન સોનું ૨૦૭૭ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) અને ચાંદી ૨૯.૮૬ ડોલર મુકાઈ હતી. ભયાવહ વૈશ્વિક મંદીનાં ભયે ૨૦૨૦મા સોના ચાંદી ઉત્તમ મૂડી રોકાણ પુરવાર થયા છે. છ કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ બે વર્ષના તળિયે આવી ગયો છે. લેબેનોનના બીરુત શહેરમાં બ્લાસ્ટ થતા ૧૦૦ કરતા વધુ લોકોના મોત અને હજારો ઘાયલ થયાના અહેવાલે પણ બુલિયન બજારનું સેન્ટિમેન્ટ આસમાને ગયું છે. 

(અસ્વીકાર સુચના: commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)