ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ૭૦ના દાયકામાં જ્યારે પહેલી વખત સોનાના મુકતપણે સોદા શરુ થયા ત્યાર પછી, છેલ્લા પાંચ દાયકામાં ચાંદીની તુલનાએ સોનું અત્યારે સૌથી વધુ મોંઘી કિંમતી ધાતું બની છે. અલબત્ત, આ મુલ્યભેદ કઈ અનંતકાળ નથી રહેવાનો અને ચાંદી સોનાના ચળકાટને વહેલોમોડો ઝાંખો પાડી દેશે. વર્તમાન વર્ષે અત્યાર સુધીનમાં સોનાના ભાવ ૧૪ ટકા વધ્યા તેની તુલનાએ ચાંદી ૩ ટકા ઘટી છે. બે ધાતુ વચ્ચે મુલ્ય તફાવત અત્યારે ઐતિહાસિક છે. તમામ ઐતિહાસિક દ્રષ્ટિકોણથી ગોલ્ડ સિલ્વર રેશિયો કદી ૧૦૦ની ઉપર ગયો ન હતો, પણ ૧૮ માર્ચે તે ૧:૧૨૬ની ઉંચાઈએ પહોચી ગયો હતો.

૧૧ માર્ચે ચાંદીનો ભાવ ૧૧.૬૮ ડોલર જ્યારે સોમવારે ૧૮.૭૭ ડોલર અને સોનાના ભાવ આ ગાળામાં ૧૪૮૦ ડોલરથી વધીને ૧૭૫૧ ડોલર થયા છે. રેશિયો દાખવે છે કે તમે એક ઔંસ સોનાના ભાવથી કેટલા ઔંસ ચાંદી ખરીદી શકો. ચાંદી એ માનવીય સમૃદ્ધિનો બીજા નંબરનો આગવો સ્ત્રોત છે. ચાંદી એ એવી મુલ્યવાન ધાતુ છે, જેના માનવ જીવનમાં હાજારો વિવિધ ઉપયોગ છે. માત્ર કલ્પના કરી જુઓ જો ચાંદીનું અસ્તિત્વ ન હોત તો તમારા કોપ્યુટર, સેલ ફોન, ઇલેક્ટ્રિક પાવર, ઈલેક્ટ્રોનિક જેવી અનેક ચીજો પણ ઉપ્લબ્ધ ન થઇ હોત. 

ગત સપ્તાહે સોનું ચાંદી અને પ્લેટીનમ વારંવાર વાઈલ્ડ કેટ બની ગઈ હતી. આ તમામ ધાતુમાં મંદીવાળાને વેચાણ કાપવાની ફરજ પડી હતી અને બજારનો કબજો તેજીવાળાને સોંપવો પડ્યો હતો. વિશ્વના મહત્તમ દેશોને કોરોના આધારિત આર્થિક નિયંત્રણો હળવા કરવા પડ્યા હોઈ સોના કરતા ચાંદીને વધુ તાકાત પ્રાપ્ત થઇ હતી. એકલા મે મહિનામાં ચાંદીના ભાવ, એપ્રિલના ૬ ટકાની તુલનાએ ૨૪ ટકા ઉછળ્યા હતા, એપ્રિલ ૨૦૧૧ પછી એક જ મહિનામાં આટલો ધરખમ ઉછાળો આવ્યાની આ પ્રથમ ઘટના હતી, જ્યારે મેમાં સોનું માત્ર ૩.૪ ટકા વધ્યું હતું. 

મેના અંતિમ ટ્રેડીંગ દિવસે ચાંદી જુલાઈ વાયદો ૨.૬૬ ટકા અથવા ૪૮ સેન્ટ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) ઉછળીને ૧૮.૪૪ ડોલર થઇ હતી. ગતમહીને ચાંદી ૧૮ ડોલરનું મહત્વનું તાર્કિક લેવલ વટાવી ગઈ છે. ઓગસ્ટ ગોલ્ડ વાયદો ૧૮.૩૦ ડોલર અથવા ૧.૦૭ ટકા વધીને સપ્તાહાંતે ૧૭૩૧.૬૦ ડોલર મુકાયું હતું. તાજેતરમાં સોના કરતા ચાંદીમાં સુધારો ઝડપી નોધાયો છે, જેનો પડઘો ગોલ્ડ સિલ્વર રેશિયોમાં પડતા રેશિયો ૧૦૦ની અંદર ગયો છે.

મે મહિનામાં ચાંદીના ભાવ ૨૪ ટકા વધીને ૧૮.૪૪ ડોલર થતા ગોલ્ડ સિલ્વર રેશિયો ૧૨૬થી ઘટીને હવે ૯૩ થયો છે, ૧૮ માર્ચે આ રશિયો ૧૨૬ હતો. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં થતા વેપારથી જાણી શકાય છે કે રોકાણકારોનો રસ અત્યારે સોના કરતા ચાંદીમાં વધ્યો છે. એપ્રિલના આરંભથી સિલ્વર ઈટીએફ ઇનફલો ૧૨.૩ ટકા વધીને ૨૪૭૯ ટન ઉમેરાયો હતો. વર્ષારંભથી અત્યાર સુધીમાં ૩૭૮૬ ટન (ગતવર્ષ કરતા ૨૦ ટકા વધુ) ઈટીએફ ચાંદી યુનિટ ખરીદાયા હતા, જે બે મહિનાના જાગતિક ખાણ ઉત્પાદન જેટલા છે. 

રશિયાથી ઉપલબ્ધ નવા ડેટા કહે છે કે ૨૦૧૯મા સોનાનું ઉત્પાદન, ૨૦૧૮ના ૩૧૪.૪૨ ટનથી ૯.૨૬ ટકા વધીને ૩૪૩.૫૪ ટન વધીને આવ્યું હતું.  જ્યારે ૨૦૧૯મા રશિયન ચાંદી ઉત્પાદન ૧૧.૧ ટકા ઘટીને ૯૯૬.૧૭ ટન થયું હતું. 
    
(અસ્વીકાર સુચના: વેબસાઈટ commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧-૬-૨૦૨૦