ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ. મુંબઈ): કોરોના મહામારીના તમામ પ્રોટોકોલની ખાતરી રાખવાના આશય સાથે, સતત બીજા અક્ષય તૃતીયા ૨૦૨૧ ઉજવણીમાં રિટેલ ફિજિકલ સોનાના દાગીનાના વેચાણને અસર થઈ હતી. અલબત્ત, દેશભરના જ્વેલર અને બુલિયન ડીલરોએ ઓનલાઈન જાવેલરીનું પ્રદર્શન, ફોન પર સોદા, ઓન લાઇન પેમેન્ટ, જ્યારે જોઈએ ત્યારે ડિલીવરી જેવી અસંખ્ય માળખાગત સુવિધાઓ દેશભરના બુલિયન અને જ્વેલરોએ તૈયાર રાખી હતી. આના સીધા પરિણામ સ્વરૂપ ગતવર્ષ કરતાં આજના અક્ષય તૃતીયાના શુભદિને ૨૫થી ૩૦ ટકા વધુ રૂ ૧૫૦૦૦ કરોડના સોનાનું વેચાણ થયાનો અંદાજ સાંજે છ વાગ્યા સુધીમાં બાંધવામાં આવ્યો હતો.

ઇંડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના અખિલ ભારતીય સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે મોડી રાત સુધી ચાલનારા આ શુભ મૂહુર્તમાં સોનાના વેચાણનો આ આંકડો વધી શકે છે. તેમણે કહ્યું કે આ પધ્ધતિની માળખાગત સુવિધા હવે આગામી જૂન જુલાઈમાં આવનારા લગ્નસરાની મોસમમાં ઉપયોગો ઠરી શકે છે. સોનાના ભાવએ ૮ માર્ચે પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૧૬૭૭.૫ ડોલરની બોટમ બનાવ્યા પછી, આજે ભાવ (૧૫ ડોલર) વધીને ૧૮૩૭ ડોલરની ઊંચાઈએ ગયા હોવા છતાં, અમેરિકન ડોલર સામે રૂપિયો મજબૂત થયો હોઇ, ભારતમાં ભાવ ગઇકાલની સપાટીએ પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૪૭,૭૫૦ આસપાસ ટકેલા રહ્યા હતા. 

ઈબજાના મુંબઈ પ્રમુખ અને ઉમેદમલ ત્રિલોકચંદ જ્વેલર્સના કુમાર જૈને કહ્યું કે કેટલાંક જ્વેલરો અને બુલિયન ડિલરો જેમણે નીચા ભાવે સોનાની આયાત કરી રાખી હતી, તેમણે પોતાના ગ્રાહકોને ડિસ્કાઉન્ટ ભાવ પણ ઓફર કર્યા હતા. સામાન્ય દિવસોમાં મુંબઇમાં રૂ.૨૦૦ કરોડનો વેપાર થતો હોય છે, પણ આજે આ વેપાર રૂ.૨૫૦થી રૂ. ૩૦૦ કરોડ પાર કરી જવાની સંભાવના છે. તેમણે ઓનલાઈન ગ્રાહકોની નવી ખરીદ પદ્ધતિ વિષે કહ્યું હતું કે તહેવારો અને લગ્ન પ્રસંગે મહિલાઓ જ્વેલરી પહેરીને ખરીદીનો નિર્ણય લેતી હોય છે, પણ આ વખતે તેમને આ વૈભવ પ્રાપ્ત નહીં થાય. 


 

 

 

 

 

પી પી જ્વેલર્સના ડિરેકટર પવન ગુપ્તાએ કહ્યું હતું કે સુકનવંતા દિવસોમાં કોરોના જેવી નકારાત્મકતાને દૂર કરવાની ઈચ્છા સાથે લોકો સોનું ખરીદતા હોય છે. આ વર્ષે અમે ગ્રાહકોને ફોન પર ખરીદો અને પસંદગી અથવા ડિલીવરી લોકડાઉન ખૂલ્યા પછીની કારોની સ્કીમ આપી છે. વધુમાં આ વર્ષે સોનાના ભાવ, ગતવર્ષની તુલનાએ પ્રમાણમાં સ્થિર રહ્યા છે. હવે લોકો ભાવ વધુ ઘટવાની રાહ જોયા વગર સોનું ખરીદવા ઉત્સુક બન્યા છે.   

બુલિયન એનાલિસ્ટ ભાર્ગવ વૈધયએ કહ્યું હતું કે દેશભરના કૂલ બુલિયન વેપારનો ૩૦ ટકા હિસ્સો એકલા મુંબઇનો છે. મુંબઈ ઉપર આખા દેશના જ્વેલરો અને નિકાસકારોનો વેપાર નિર્ભર હોય છે. અલબત્ત નાના નાના બ્રાન્ડ જ્વેલરોને ગત અક્ષય તૃતીય કરતાં આ વર્ષે સારો ધંધો મળ્યો છે. દેશમાં વર્તમાન કોરોના કહેર વચ્ચે અમને નોહતું લાગતું કે બીજા વર્ષની મહામારીમાં આટલો સારો ધંધો થશે.  

મેસર્સ મેઘાજી વનેચંદના અનિલ સંઘવીએ કહ્યું કે સરકારે મહામારી વચ્ચે લગ્નની ઉજવણી ઉપર નિયંત્રણો મૂક્યા છે, એ જોતાં જવેલરોને લગ્નસરાના વધુ ગ્રાહકો મળવા મુશ્કેલ છે. તેમણે કહ્યું કે બ્રાન્ડેડ જવેલરો પણ વધુ વેચાણ કરવાના ઉત્સાહમાં નથી. તેઓ પણ પોતાના ગ્રાહકોની સલામતીને વધુ મહત્વ આપી રહ્યા છે, ગ્રાહક હશે તો આવતા વર્ષે અમારા પગથિયાં અવશ્ય ચઢશે.


 

 

 

 

 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.