ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): તહેવારો અને લગ્નસરાની મોસમ નજીક આવી રહી છે, તેમતેમ દરેક નાગરિકના મનમાં એક સવાલ જરૂર ઘોળાઈ રહ્યો છે કે સોનાના ભાવ હવે ક્યારે ઘટવાનું શરૂ કરશે, અથવા તેજીના વળતાપાણી થશે કે નહીં? આપણાંમાંથી કોઈ નથી જાણતું કે આ ઘટના ક્યારે વાસ્તવિકતા ધારણ કરશે. કેટલાંક રિસર્ચ આર્ટિકલો સૂચવે છે કે આવું કદાચ ઓગસ્ટ સપ્ટેમ્બર ૨૦૨૧માં સંભવિત બનશે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એનાલિસ્ટ કહે છે કે અમેરિકામાં સામાન્ય વ્યાજદરો વધીને ૨.૫ ટકાની ઉપર જાય તો તે સોના માટે લાંબાગાળાની નકારાત્મક અસર હશે.

પણ અન્ય કેટલાંક એનાલિસ્ટઓ એવું માને છે કે જો વાસ્તવિક વ્યાજદર નકારાત્મક રહેશે તો, તે ન્યુ નોર્મલ (સામાન્ય અને નવી) સ્વીકૃત ઘટના ગણાશે. સાથે જ સોના માટે આ સારા સમાચાર ગણાશે. ગત સપ્તાહે સોનાએ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૧૯૦૦ ડોલરની ફિનિશ લાઇન ફરી વટાવી , મે મહિનામાં બીજી ઘટના હતી. છેલ્લા ૧0 મહિનામાં પહેલી વખત તેજીવાળાના હાથમાં ૮ ટકા જેવો મોટો માસિક નફો પ્રાપ્ત થયો છે. જો વર્તમાનની જેમ જ બધુ સમુંસૂતરું પાર ઉતરશે તો, આપણને જાગતિક સોનામાં મોટી રિકવરી રેલી જોવા મળશે, શક્યતા એવી પણ છે કે ધારણા કરતાં આ ઘટના વધુ મોટી હશે.  

Advertisement


 

 

 

 

 

કીમતીધાતુમાં તેજીનો નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. તે એવું સૂચવે છે કે તેજીની આ નવી સાયકલ સોનાના ભાવને ૨૧૦૦ ડોલર પાર કરાવી દે. શક્ય છે કે સોનાની આ તેજી ૬ ઓગસ્ટ ૨૦૨૦ના ૨૧૦૭ ડોલર નવા ઐતિહાસિક ઊંચા ભાવને પણ આંબી જાય. ટેકનિકલ એનાલિસ્ટો કહે છે કે એક વખત ભાવ ૧૯૬૦થી ૧૯૬૫ ડોલરનું લેવલ વટાવી જશે, ત્યાર પછી ભાવની કુચ ૨૦૬૭ ડોલર, અને ૨૩૦૫ ડોલરની સવારી પર સવાર થશે. ૨૦૬૭ ડોલર એ, ઓગસ્ટ ૨૦૨૦ની ઓલ ટાઈમ હાઇ ૨૦૧૭ ડોલર નીચેનું રેસીસ્ટ્ન્ટ લેવલ હશે.

માર્ચ ૨૦૨૦માં જાગતિક શેરબજારો ઊંધેકાંધ પડ્યા હતા, ત્યારે આપણે સોનાના ભાવ ૧૫૯૯ ડોલરથી સતત વધતાં રહી ૬ ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં ઐતિહાસિક સ્ફોટક તેજી જોઈ હતી. ૨૦૨૦માં બીજા છમાસિકમાં ભાવો ઘટયા હોવા છતાં, વાર્ષિક ૨૪.૬ ટકાનો નફો પ્રાપ્ત થયો હતો. એપ્રિલ ૨૦૦૪માં ભાવ ૨૫૬ ડોલરના તળિયે હતા જે એક દાયકા બાદ ૪૫૦ ટકાના ઉછાળે ઓગસ્ટ ૨૦૧૧માં ૧૮૨૮ ડોલર થયા હતા.

જો આવીજ ઘટના તાજેતરના તળિયેથી સર્જાય તો સોનાની એક દાયકાની તેજીમાં ભાવ ૬૫૦૦ ડોલર થવા જોઈએ. અત્યારે તેજીની જે સવારી ચાલે છે, તે ૨૦૦૩ અને ૨૦૦૬માં હતી તેવી તેજીની ઝલક આપે છે. જો અમેરિકા અને જાગતિક બજારમાં જે પ્રમાણેની અર્થવ્યવસ્થાની રચના થઈ રહી છે, તે જોતાં પણ કહી શકાય કે સોનાના ભાવ અહીથી ઊંચે જવા જોઈએ. તમે જુઓ, અમેરિકન ફેડ, ચાઈના સેન્ટ્રલ બેંક અને અન્ય સેન્ટલ બેન્કો કડક નાણાંનીતિના તબક્કામાં પ્રવેશી છે, આથી કહી શકાય કે રોકાણકારોના નાણાં એકમાંથી બીજી એસેટ્સમાં સ્થળાંતરીત થશે.

Advertisement


 

 

 

 

 

તમને ખ્યાલ હશે કે ૨૦૦૫ અને ૨૦૦૭ વચ્ચે ફેડરલ રિજર્વ એ પણ બજારને ડિ-લીવારેજ કરવા, વ્યાજદર વધારીને   આ જ પ્રકારની નાણાંનીતિ અપનાવી હતી. યુએસ ફેડ એક તરફ વ્યાજદર વધારતી હતી અને મહત્વના શેરઇંડેક્સ ઓવરબોટ થઈ વધ્યે જતાં હતા, આ ઘટના વચ્ચે રોકાણકારો અને ટ્રેડરોએ અજાણ્યા જોખમનું નિવારણ કરવા સતત અન્ય બજારોમાં હેજિંગ (રક્ષણ) શરૂ કર્યું હતું.   
 
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)