ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): અમેરિકન ડોલરનું જહાજ ડૂબી રહ્યું છે, સોનાના ભાવ, ડૂબતા ટાઈટેનિક જહાજ પરથી જીવન વીમો લેવા માટેના પ્રીમીયમની માફક વધી રહ્યા છે. અમેરિકા સહિતના મહત્તમ દેશો કોરોના મહામારીને નિયંત્રિત કરવામાં નિષ્ફળ જતા અર્થ્તાન્તોની નબળાઈ વાધુને વધુ ખુલ્લી પડી રહી છે. લેબેનોનના બીરુત શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થયાના સમાચારે સોનાના ચળકાટમાં ઉમેરો કરીને પહેલી વખત ભાવને ૨૦૪૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) કરતા વધુની નવી ઉંચાઈએ પહોચાડી દીધા છે. 

બુધવારે સવારે એશિયન ટ્રેડીંગ સમયમાં હાજર ભાવ ૨૦30.૫૦ ડોલર અને નાયમેકસ ઓક્ટોબર વાયદો ૨૦૪૮ ડોલરની સર્વોચ્ચ ઐતિહાસિક નવી ઉંચાઈએ ક્વોટ થયો હતો. સ્પોટ ગોલ્ડ આ વર્ષે ૩૪ ટકા ઉછાળો દાખવે છે, જે ૧૯૭૯ પછીની સૌથી મોટી વાર્ષિક વૃદ્ધિ છે. વૈશ્વિક વેલ્યુ સ્ટ્રેટેજીસ્ટ આ તબક્કે તમને કહે છે કે તમારા ચલણના ઘટતા મુલ્ય જેવા મુશ્કેલ સમયે હેજિંગ (સલામતી) મેળવવાની ઉત્તમ તક, સોના ચાંદીએ પૂરી પાડી છે. 

સતત નબળા પડી રહેલા અમેરિકન ડોલરે સોના, ચાંદી અને બિત્કોઇન જેવી એસેટ્સમાં ભરપુર તેજીના મંડાણ થયા છે. ચીન કરન્સી યુઆન પણ નવા હેજિંગ એસેટ્સ તરીકે ઉભરી રહ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી ગોલ્ડ અને બિત્કોઇન ઈટીએફમાં ભરપુર નાણા ઠલવાઈ રહ્યા છે, વૃધ્ધો સોનામાં અને યુવાનો બિત્કોઇનમાં સરણ લેવા લાગ્યા છે. ફંડ મેનેજરો કહી રહ્યા છે કે આજના સંયોગોમાં સોનું ઉત્તમ રોકાણ પુરવાર થયું છે, જેમ જેમ વર્ષ આગળ વધશે સોનું નવા નવા ઊંચા ભાવનું સર્જન કરશે.   
સોનું હવે જાગતિક નાણાની ભૂમિકા કરી રહ્યું છે, આખા વિશ્વમાં તેને સ્વીકૃતિ મળી રહી છે. જ્યાં સુધી સેન્ટ્રલ બેંકો નાણા છાપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી સોનાની જબ્બર તેજી જળવાઈ રહેશે. તેને સલામત મૂડીરોકાણ ગણાયું, ત્યારથી અને ખાસ કરીને કોરોના મહામારીએ તો તેના આવા સ્ટેટસને  જોમ અને જુસ્સો પુરા પાડ્યા છે. સેન્ટ્રલ બેન્કોએ જ કઈ સોનાને ટેકો પૂરો પાડ્યો છે એવું નથી, સરકારો પણ નવા નવા પ્રકારે રાહત પેકેજો જાહેર કરે છે, તેણે પણ બળતામાં ઘી પૂર્યું છે. 

૨૦૦૮-૦૯ની નાણા કટોકટી પછી તો આવી ઘટના નિયમિત બની ગઈ છે. રશિય અને ચીન તેની અનામતોમાં સોનાનું પ્રમાણ વધારી રહી છે. ૭ જુને રજુ થયેલા પીપલ્સ બેંક ઓફ ચાઈનાના અહેવાલ મુજબ, મેના અંત સુધીમાં ચીનની ગોલ્ડ રિઝર્વ ૬૨૬.૪ લાખ ઔંસ (૧૯૪૮ ટન)એ પહોચી હતી. અમેરિકન ડોલરટર્મમાં આ સોનાનું મુલ્ય મે અગાઉ ૧૦૬.૬૭ અબજ ડોલર હતું તે વધીને મે આખરે ૧૦૮.૨૯ અબજ ડોલર અનુમાનિત હતું.

છેલ્લા કેટલાંક દિવસમાં સોનાની માફક જ ચાંદી પણ એટલા જ વેગથી વધી રહી છે. ૧ જુલાઈથી આજ સુધીમાં ચાંદીના ભાવ ૩૭ ટકા ઉછળ્યા છે, આવો માસિક વધારો ડીસેમ્બર ૧૯૭૯ પછી પહેલીવાર જોવાયો છે. બુધવારે એક તબક્કે ભાવ $૨૭.૧૮ ડોલર છ વર્ષની ઉંચાઈએ મુકાયા હતા. પરિણામે સોના કરતા ચાંદી (ગોલ્ડ સિલ્વર રેશિયો) ૭૫.૩૫ ગણી સસ્તી થઇ હતી. આ વર્ષે સિલ્વર આધારિત ઈટીએફમાં ચાંદીનું હોલ્ડીંગ વિક્રમ ૮૪૪૫ ટન વધ્યું હતું, જે ૨૦૦૯ પછી બમણું અને નવો વિક્રમ સ્થાપિત થયો હતો.    

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)