ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): બુલિયન બજારના રોકાણકારો ફુગાવા વૃદ્ધિની શક્યતાઓને પ્રતિસાદ આપવા લાગ્યા છે, તેને લીધે શૂન્ય નજીકના વ્યાજદરો વધુ દબાણમાં આવે તેવી સંભાવનાઓ વધવા જેવા જોખમો મોઢું ફાડીને ઉભા હોવા છતાં, ૨૪ જુને ૧૮૦૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની ઊંચાઈ વટાવવામાં ખેલાડીઓ આ વર્ષે ત્રીજી વખત નિષ્ફળ ગયા હતા. અલબત્ત, ન્યુયોર્ક કોમેકસ ઓગસ્ટ વાયદો શુક્રવારે એશિયન બજાર સત્રમાં વધીને ૧૭૭૭ થવા અગાઉ, બુધવારે ૪ ઓક્ટોબર ૨૦૧૨ પછીની નવી ઉંચાઈએ ૧૭૯૬.૧૦ ડોલરની નવી ઉંચાઈ પ્રાપ્ત કરી હતી.

આ વર્ષે અત્યાર સુધીમાં સોનું ૧૬ ટકા જંપ કરી ગયું છે. કોરોના મહામારી અને લોકડાઉનનાં જે અહેવાલો આવી રહ્યા છે, તેનું અર્થઘટન તો અર્થતંત્રો રીકવર થઇ રહ્યાના અહેવાલો પર પણ શંકા જન્માવે છે. આથી તો લાગે છે કે બજારને વધુ ઇકોનોમિક સપોર્ટની અને વ્યાજ ઘટાડાની જરૂર છે. જો અહીંથી કોઈ કરેકશન આવશે તો તે, ધીમું અને સામાન્ય પ્રકારનું હશે. રોકાણકારે આ ભાવે બજારમાંથી એક્ઝીટ કરી જવાની જરૂર નથી.

કોરોના મહામારી પછીના સમયગાળામાં વૈશ્વિક વ્યાપાર અસ્તવ્યસ્ત થયો છે, અમેરિકા અને જગતના અર્થતંત્રો તેની કામગીરી સામાન્ય કરતા પણ ઓછા વિકાસદરે કરી રહ્યા છે. આ સ્થિતિમાં તમામ દેશોએ લાંબાગાળા સુધી નાગરિકોને રાહત આપતી સહાયક અર્થવ્યવસ્થાનું આયોજન કરવું પડશે, જે ફુગાવાને વધુ ઉદ્દીપન આપશે. આ બધાજ મુદ્દા ટૂંકાગાળામાં સોનાને ૧૮૦૦ ડોલર પાર કરાવવામાં મદદ કરશે અને લાંબાગાળાના પ્રત્યાઘાત ૨૦૦૦ ડોલર સુધી પડી શકે છે.     

ઘણા રોકાણકારો એવી ચિંતા કરતા પૂછે છે કે સોનની વર્તમાન તેજી પૂરી થવામાં તો નથી ને? કેટલાંક એવું પણ પૂછે છે કે અમે સોનામાંથી નીકળીને ચાંદીમાં પ્રવેશ કરી જઈએ? જે અત્યાર સુધી માર્યાદિત વધી છે. ગોલ્ડ સિલ્વર રેશિયો જે સૂચવે છે કે બેમાંથી કઈ ધાતુ પ્રમાણમાં મોંઘી છે, તે અત્યારે ૧:૧૦૦ની ઉંચાઈએ ટ્રેડીંગ થાય છે. અલબત્ત, રોકાણકારોએ માત્ર ગોલ્ડ સિલ્વર રેશિયો પર ભરોસો કરીને ખેલ ન કરાય.

જો ફોલોથ્રું (કોઈ કારણસર) મંદી આવે અને ભાવ ૧૭૨૦ ડોલર આસપાસનું તળિયું બનાવે તો તે નવી ખરીદી માટેની ઉત્તમ અને આકર્ષક તક પેદા કરશે. આખા જગતની સેન્ટ્રલ બેંકો તેમના નાગરિકોને રાહત પેકેજના ડબલા પકડાવી રહી છે અને વ્યાજદર નીચા રાખવાના પ્રયાસમાં સોનાને મદદ કરી રહી છે. ઇન્ટરનેશનલ મોનીટરી ફંડએ ૨૦૨૦ માટે વૈશ્વિક વિકાસદરનાં વરતારા વધુ ઘટાડ્યા છે, અને કહે છે કે કોરોના મહામારીનું નુકશાન જણાય છે તેના કરતા વધુ સહન કરવાનું આવશે.

જેઓ સ્ટોપલોસ રાખ્યા વગર ખેલ પાડી રહ્યા છે તેઓ પ્રત્યેક અને મોટા ઘટાડે વિશ્વાસની કટોકટીમાં મુકાઈ જાય છે અને નિરાશ થઈને બજારમાંથી નીકળી જાય છે. તાજેતરની ભાવ રેંજ પણ સૂચવે છે કે તેજી અને મંદીવાળા ખેલાડીઓ સતત અને હતાશાભાર્યો સંઘર્ષ કરી રહ્યા છે. કંટાળેલા તેજીવાળાઓ નમી ગયેલા ઝંડાની નીચે ભગા થઇ રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાની આ કોરોના વાયરસ માર્કેટમાં રોજે રોજ ૧૦-૨૦ ડોલરની ઉઠાપટક થાય છે ત્યારે દોષ પણ કોને દેવો? તેજીવાળા માત્ર નફા કેન્દ્રિત થઇ ગયા છે, તેમનું વ્યવસાયિક ધ્યાન ભંગ થયું છે.

મંદીવાળા (શોર્ટ-સેલર્સ) વળી ટ્રાફિકમાં ફસાઈ ગયેલા જેવી સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે, તેઓ પણ તેમની પોઝીશન સ્કવેરઅપ (વેચાણ કાપી નાખવા) કરવા ઉતાવળા થયા છે. બીજા શબ્દોમાં કહીએ તો કેટલાંક ટ્રેડરોએ બજારમાં સપ્લાય વધારી, હવે તેઓ ભૂલ સમજાતા આવશ્યક હોય કે ન હોય તો પણ માંગ વધારી રહ્યા છે.

(અસ્વીકાર સુચના: commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)