ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સોનામાં તેજીનો તોખાર ઘોડો વેગથી આગળ વધીને હવે ઓલ ટાઈમ હાઇ નજીક પહોંચવા ઉતાવળો થયો છે. અમેરિકન ગ્રાહક ભાવાંક (ફુગાવો) ઓક્ટોબરમાં વર્ષાનું વર્ષ ૬.૨ ટકા ઉછળ્યો, આવો મોટો માસિક ઉછાળો નવેમ્બર ૧૯૯૦ પછી પહેલી વખત જોવાયો છે. ગોધાને લાલ કપડું બતાવો અને ભડકે તે પ્રકારની અવસ્થા અત્યારે અમેરિકન ફુગાવાદરની થઈ છે. અમેરિકન ફેડરલ રિઝર્વના અધિકારીઓ સહિત વાઇસ ચેરમેન પણ હવે તો કબૂલતા થયા છે કે ફુગાવામાં જબ્બર ઉછાળો આવ્યો છે, પણ તે મોટેભાગે ટૂંકાગાળાનો ઠરશે.

ફુગાવો મજબૂત થાય ત્યારે રોકાણકારો સોનામાં સરણ લેવા દોડતા હોય છે, એશિયા સહિતના આખા વિશ્વમાં મજબૂત લેવાલી નીકળી છે. આવાજ કારણોસર બિટકોઇન પણ હૂપાહૂપ કરે છે. શુક્રવારે એક બિટકોઇન ૬૪,૯૧૫ ડોલરમાં બોલાયા પહેલા બુધવારે ૬૮,૯૯૦ ડોલર ઓલ ટાઈમ હાઇ મુકાયો હતો. સોના માટેનો ફંડામેન્ટલ આંતરપ્રવાહ તેજીનો છે. ગુરુવારે સતત પાંચમા દિવસે ન્યુયોર્ક કોમેક્સ ડિસેમ્બર વાયદો ૬ જૂન પછી પહેલી વખત વધીને પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૧૮૬૭.૫૦ ડોલર બોલાયો હતો.

Advertisement


 

 

 

 

 

સોનું હવે મજબૂત ડોલરને પણ ગણકારતું નથી, સામાન્ય રીતે અન્ય કરન્સીમાં સંગ્રાહેલું સોનું ડોલર કરતાં વિપરીત દિશામાં ગતિ કરતું હોય છે. ઓગસ્ટ ૨૦૨૦માં સોનાનો ભાવ ૨૦૬૯.૪૦ ડોલર ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો હતો. સોનાએ નવી ઐતહાસિક સપાટી વટાવવાની દિશા પકડી લીધી છે. જો અમેરિકન ફેડરલ રિઝર્વ બેંક તેની અસ્ક્યામત ખરીદી કાર્યક્રમમાં ફેરફાર કરવાનો જરા પણ પ્રયાસ કરશે તો, સોનાના તેજીવાળા બજારમાં જોયાજેવી કરશે.

અમેરિકાની ફેડરલ ઓપન માર્કેટ કમિટી જો ફુગાવા પર નિયંત્રણ ગુમાવશે, એવી જરા પણ શક્યતા જોવાશે કે તરતજ રોકાણકારો તેની સામે વીમા જોખમ હળવું કરવા સોનાચાંદીમાં દાખલ થઈ જશે એ નક્કી. ટીઆઈએએ બેંકના વર્લ્ડ માર્કેટ પ્રેસિડેન્ટ કહે કહે છે કે ૩૦ વર્ષના સૌથી ઊંચા અને જોખમી ફુગાવાની તીવ્રતા વધુ લાંબો સમય જળવાઈ રહેવાની પૂરી સંભાવના છે.

ભાવો હાથમાંથી છટકી જાય તે પહેલા જે રોકાણકારને ફુગાવા સામે સલામતી (હેજ) કે રક્ષણ મેળવવું છે, તેઓ નવા અને પરંપરાગત બંને પોર્ટફોલિયો સરખા કરવામાં મચી પડ્યા છે. અમેરિકન સીપીઆઇ (ફુગાવા)ના આંકડા રજૂ થવા અગાઉ બજારમાં ભાવ વધી જવાનો જબ્બર ગભરાટ નિર્માણ થયો છે. ચીનના રાહત પેકેજના સમાચારે પણ જોખમ નિવારવાનો મૂડ ઉમેર્યો છે. ઓક્ટોબરમાં ફેકટરી ગેટ પર જ ભાવ વધારાનો ૨૬ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, એટલુંજ નહીં તેમના નફા પણ કપાવા લાગ્યા છે, કોલસો, કોમોડિટી અને કાચામાલના ભાવ વધવા સાથે અછત પણ નિર્માણ થવા લાગી છે.

શક્ય છે કે ૨૦૨૨ સુધીમાં જગત કોરોના મહામરીથી મુક્ત થઈ જશે. મોટાભાગના ટ્રેડરો હવે એવા ક્ષેત્રો શોધવા લાગ્યા છે જેમાં આગામી વર્ષે સદ્ધર કામગીરી જોવાય તેના પર બિડ લગાવવા ઉત્સુક થઈ ગયા છે. અસંખ્ય એનાલિસ્ટઓએ ચાંદી, તાંબું, નિકલ અને નેચરલ ગેસમાં સોદા ગોઠવવાની સલાહ આપી છે. શક્ય છે કે એપ્રિલ એન્ડથી ક્રિપટો બાબલ ફૂટવાનું શરૂ થાય.

Advertisement


 

 

 

 

 

જેવુ આ ક્રિપટો બાબલ ફૂટવાનું શરૂ થશે તે સાથે જ સોનું રાજાપાઠની ભૂમિકામાં આવી જશે. અમે ક્રિપટોકરન્સીના વિરોધી નથી. પણ અમને દર છે કે આગામી વર્ષે પણ ક્રિપટોના ભાવની તેજીની આગાહી થવા લાગી છે તે જોઈને છેલ્લા છ મહિનાથી ક્રિપટોકરન્સી આસમાને જવા લાગી છે. સોનું એ ફુગાવા સામેનું પરંપરાગત હેજ (રક્ષણ) છે, અમારું માનવું છે કે વર્તમાન હકારાત્મક વાતાવરણ જોતાં ફુગાવો લાવારસની જેમ અંદરથી ધગઢગી રહ્યો છે. જે આગામી સપ્તાહો અને મહિનાઓમાં સનાને વેગથી ઉપર જવા પ્રોતસાહિત કરશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)