ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): કોરોના મહામારીને લીધે રાજકીય અને આર્થિકક્ષેત્રે ઉભી થયેલી અનિશ્ચિતતા તેમજ સેન્ટ્રલ બેંકો દ્વારા આ ઘટનાને અપાતા પ્રત્યાઘાતમાં વ્યાજદર ઘટાડા થકી બજારમાં ઠલવાતા નાણાનાં જોરે સોનું પહેલવાન બનવા લાગ્યું છે. સોનામાં જે કઈ તેજી આવી છે તેનું પ્રતિબિંબ ૧૦ વર્ષના અમેરિકન અને અન્ય દેશના સરકારી બોન્ડમાં જોવાવા લાગ્યું છે. તમે જુઓ અત્યારે અમેરીક્ન બોન્ડનું યીલ્ડ વિક્રમ નીચે, માઈનસ ૦.૮ ટકાએ ઉતરી ગયું છે. પશ્ચિમના રોકાણકારોનો રસ અત્યારે સોનામાં વધુમાં વધુ રોકાણ કરવા જાગૃત થયો છે અને તેમાં ઘટાડો થવાને પણ કોઈ કારણ નથી.

જ્યાં જ્વેલરી હેતુ માટે પરંપરાગત રીતે સોનાની વધુમાં વધુ ખરીદી થાય છે તે, ભારત અને ચીનમાં અત્યારે નહીવત માંગ છે, તેને પશ્ચિમના દેશો સરભર કરી રહ્યા છે. આ બધાને લીધે ફુગાવાના દીવામાં બળતણ ઉમેરાયું છે, અન્ય એસેટ્સ અને ફ્યાટ કરન્સીનું અવમુલ્યન થઇ રહ્યું છે. તેમજ સરકારી બોન્ડમાં વ્યાજ રહ્યું નથી અથવા શૂન્યની નીચે જતું રહ્યું છે, પરિણામે સોનામાં જબ્બર આકર્ષણ જામ્યું છે.

ભાવ વિક્રમ ઊંચાઈને આંબવા ઉતાવળા થયા છે

સોનાના ભાવ છેલ્લા ૧૪ મહિનામાં ૪૦ ટકા વધીને ગુરુવારે ૧૮૨૫ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) મુકાયા હતા. સોનાના ભાવ ઓગસ્ટ ૨૦૧૧ની ૧૯૨૦.૩૦ ડોલરની વિક્રમ ઊંચાઈને આંબવા ઉતાવળા થયા છે.  લાંબા સમય સુધી ગુંગળાયેલા બુલિયન તેજીવાળાને શ્વાસ લેવાની હવે જગ્યા બની છે. તેઓ ભાવને ૧૭૫૬ ડોલરથી ઉચકીને છેલ્લા પાંચ ટ્રેડીંગ સત્રમાં ૯ વર્ષની ઉંચાઈએ ૧૮૨૫ ડોલર લઇ જવામાં સફળ થયા છે.

સોનામાં ગતવર્ષથી જ તેજીની ઘોડદોડ શરુ થઇ હતી, આ દોડમાં બધા જ રેસીસટન્સ ૧૩૦૦, ૧૪૦૦, ૧૫૦૦, ૧૬૦૦, ૧૭૦૦ અને હવે બે દિવસથી ૧૮૦૦ ડોલર ઉપર બંધ બતાવતા, તૂટી ગયા છે. કેટલાંકને આશ્ચર્ય થાય છે કે આટલા ભાવ આવતા બહુ મોડું થઇ ગયું, પણ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી વોલ્સ ફાર્ગોનાં એનાલીસ્ટ ઓસ્ટીન પીકલે વિશ્વસ્થ જવાબ આપતા કહે છે કે અમે આ ભાવે પણ લેવાલ છીએ. આખરે મે ૨૦૧૯માં ૬ વર્ષ પછી પહેલી વખત ૧૩૦૦ ડોલરનું પહેલું રેસીસટન્સ બ્રેક કર્યું હતું.

વોલ્સ ફાર્ગો લખે છે કે ત્યાર પછી મહત્વના રેસીસટન્સ સતત અને વેગથી તૂટતા રહ્યા છે. ૨૦૨૦ના વર્ષાંત સુધીમાં અમારા બે નવા રેસીસટન્સ ૧૮૦૦ અને ૧૯૦૦ ડોલર છે. અમને પણ પૂછવામાં આવી રહ્યું છે કે શું તમે માનો છો કે આ બન્ને લેવલ આ વર્ષે તૂટી જશે. અમારો ટૂંકો જવાબ છે હા. અમે સારા કારણો સાથે જોઈ રહ્યા છીએ કે આગામી વર્ષાંતનાં નવા લક્ષ્યાંકો ૨૨૦૦-૨૩૦૦ ડોલર હશે, આનો અર્થ એ થાય કે સોનામાં ભરપુર તેજી ભરી પડી છે, અમે ૫૦૦ ડોલર બોટમ અપ જોઈ રહ્યા છીએ, એવું વોલ્સ ફાર્ગો માને છે.

અમે સોનામાં બુલ માર્કેટ જોઈ રહ્યા છીએ

ફાર્ગો ઉમેરે છે કે કદાચ વચ્ચે તેજી થાક પણ ખાઈ શકે છે. ૧૯૦૦ ડોલરની ઉપર ભાવ જાળવવા ખુબ જ કઠીન કામગીરી બની જવાની. એક સ્વતંત્ર એનાલીસ્ટ રોસ નોર્મન કહે છે કે આ વર્ષાંત સુધીમાં ૨૦૦૦ ડોલરના ભાવ સામે અનેક અંતરાયો આવીને ઉભા રહશે. પણ અમે સોનામાં બુલ માર્કેટ જોઈ રહ્યા છીએ. અમારું માનવું છે કે ૧૮૪૦-૧૮૮૦નું તરલ લેવલ ટૂંકમાં પાર કરી જશે.     

(અસ્વીકાર સૂચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)