ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સોનાના ભાવની વર્તમાન સ્થિતિ જોઈએ તો આપણને લાગે કે બધુ લૂંટાઈ ગયું, અને ભાવ વધુ નીચે  જવાનો ભય પણ. ભાવ ઘટવાના ઘણા કારણો છે, સુએજ કેનાલ કટોકટી વચ્ચે વેપાર ઠપ્પ થવો, અમેરિકન બોન્ડ યિલ્ડમાં ઉછાળો, ડોલર ઇન્ડેક્સની મજબૂતી, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, અને એપ્રિલ વાયદાને કટમાં જવાના દિવસો, નબળી ગાય ને બગા ઘણી. ઇંડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશને બુધવારે હાજર બંધ ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ.૪૪,૧૯૦ જાહેર કર્યા.

ખરીદવા માટેનો સારો ભાવ રૂ.૪૨,૦૦૦ હોઇ શકે, એમ ઈબજા સેક્રેટરી સુરેન્દ્ર મહેતાનું માનવું છે. અગાઉ અમે જોયું છે કે તૂટતી બજારે ભાવ હજુ ઘટશે, એવા આશાવાદ વચ્ચે લોકો થોભો અને રાહ જુઓ કરી જાય છે, રૂ. ૪૦,૦૦૦ના ભાવે આવો સીનારિયો વારંવાર બન્યો છે, અલબત્ત, તળિયું બનાવ્યા પછી ભાવ ખૂબ ઝડપથી ઊંચે જતાં રહે છે. ઓકટોબર ૨૦૧૯માં સોનાનો ભાવ રૂ. ૪૦,૦૦૦ની નીચે બહુ થોડો સમય રહ્યો હતો. ઓગસ્ટ ૨૦૨૦માં ભાવ રૂ. ૫૬,૨૦૦ની ઓલટાઈમ હાઇ સ્થપાઈ હતી. ત્યાર બાદથી અત્યાર સુધીમાં ભાવ ૨૧ ટકા અથવા રૂ. ૧૨૦૦૦ ઘટયા છે.


 

 

 

 

 

બુધવારે અમેરિકન સોનું વાયદો ૧૬૭૭.૫ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)નું તળિયું સ્થાપી ગુરુવારે એશિયન બજારમાં ૧૭૧૬ ડોલર થયો હતો. ૨૦૨૧ના વર્તમાન ત્રિમાસિકમાં ભાવ ૨૨૪ ડોલર અથવા ૧૧.૨૫ ટકા ઘટયા છે. જો બુલિયન સીનારિયો વધુ ખરાબ થશે તો સોનાના ભાવ રૂ.૪૦,૦૦૦ થઈ શકે છે, એમ અન્ય એક બુલિયન ડિલરે પણ કહ્યું હતું. સોનામાં એક મોટો ઘટાડો સંભવિત છે. અમેરિકન ટ્રેજરી યીલ્ડ વધી રહ્યા છે, સાથે કરન્સી બાસ્કેટમાં ડોલર ઇંડેક્સ પણ મજબૂત થઈ રહ્યો છે.

જગતના સૌથી મોટા ગોલ્ડ ઇટીએફ એસપીડીઆર ટ્રસ્ટમાં સોનાનું હોલ્ડિંગ ૨૯ માર્ચે ઘટીને ૧૦૩૭.૫ ટન રહ્યું હતું, જે ૧૯ માર્ચે ૧૦૫૧.૭૮ ટન હતું. આ ઘટનાએ પણ સોનાને નીચે જવા ધક્કો માર્યો હતો. ભાવનો આ ઘટાડો એવું પણ સૂચવે છે કે બજારમાં રોકડ પ્રવાહિતામાં વધારો થઈ રહ્યો છે, હકીકતતો એ છે કે બિન-ઉત્પાદકીય નાણાં, અર્થતંત્રમાં પાછા ફરી રહ્યા છે. પરિણામે ઈકોનોમીમાં  અગાઉ કરતાં વધુ તરલતા આવી રહી છે.

ડોલર ઇંડેક્સ ચાર મહિનાની ઊંચાઈએ 93.૪૨ પોઈન્ટ મુકાયો છે. લાંબી મુદતના અમેરિકન ટ્રેજરી બોન્ડનું યીલ્ડ ૧૫ મહિનાની ઊંચાઈએ ૧.૭૮ ટકા બોલાય છે. આનો અર્થ એ પણ થાય કે અમેરિકન પ્રમુખ જો બાઈડેન હવે માળખાગત સુવિધાઓ વધારવા ઈકોનોમીમાં વધુ નાણાંની ફાળવણી કરશે. આર્ચગોઝ જેવા હેજ ફંડ તૂટી પાડવા સાથે રોકાણકારો હવે ભયભીત થયા છે, આ તરફ જાપાન યેન સામે ડોલરે એક વર્ષ કરતાં વધુ ઊંચાઈ ધારણ કરી લીધી હોવાથી પણ સોનું દબાણમાં આવી ગયું છે.


 

 

 

 

 

સોનાના ભાવ ૧૭૦૦ ડોલર આસપાસ વારંવાર બટકણાં સાબિત થતાં રોકાણકારો પણ ભાવ પર દબાણના સંકેતો પ્રાપ્ત કરવા લાગ્યા છે, તેઓ માને છે કે સ્થિતિ હવે વધુ ખરાબ થશે. આ સંયોગમાં રોકાણકારોએ ખુબજ સાવચેતી પૂર્વક શિસ્તબધ્ધ રીતે સોનામાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. રોકાણકારોએ જરા પણ ડર રાખ્યા વગર કે વિહવળ થયા વગર પોતાની હોલ્ડિંગ પોજીશન પર લાંબા સમય સુધી ટકી રહેવું જોઈએ. અત્યારે તો સંયમ, શિસ્ત અને લાગણી પર કાબૂ રાખવાનો સમય છે. જો કાઇ ન થાય તો બજારથી દૂર થઈ, તીરે ઊભી તમાસો જોવો રહ્યો.   

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)