ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : ફુગાવો જ્યારે આસમાનને જઈ રહ્યો છે ત્યારે તમામ કોમોડિટીએ તેજીનું સરઘસ કાઢ્યું છે. ફુગાવાને સમજનાર રોકાણકારો અમને પૂછી રહ્યા છે, સોનું કેમ નથી વધતું? આ એક વાજબી પ્રશ્ન છે. જાગતિક રાજકીય સમસ્યાઓ અને નાણાકીય વ્યવહાર સળગતો મુદ્દો બન્યો છે, ત્યારે સોનાએ તો આ સમયમાં ઇન્સ્યુરન્સની ભૂમિકા ભજવવી જોઈએ. કેટલાંક કહે છે કે સોનું હવે ઇન્સ્યુરન્સની ભૂમિકામાં હોવા છતાં ગુજરી ગયા સમાન છે. અત્યારે સોનું તેની સેંકડો જૂની પરંપરાગત ભૂમિકા કરતું નથી, માટે દ્રાક્ષ ખાટી છે. 

જે લોકો ઇતિહાસ જાણે છે અને સોનાની ભૂમિકાથી પરિચિત છે તેઓ ક્યારેય નહીં કહે કે પેપર કરન્સીના કારણે સોનાના ભાવ ઘટે છે કે વધે છે. ફુગાવો, બોન્ડ યીલ્ડ, મોનિટરી પોલિસી, એ બધા બુલિયન બજારના આંતરપ્રવાહને સમજવામાં મહત્વની ભૂમિકા ભજવે છે એ સાચું, પણ આ બધા વચ્ચે રાજકારણની પણ ભૂમિકા તો છે જ, તેનું શું? અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ લશ્કર પાછું ખેંચી લેવાથી (તાલિબાની આતંકવાદનો જબ્બર ભય સર્જાયો છે છતાં) અમેરિકન કે ડોલરને ભલે તત્કાળ સીધો કોઈ પડકાર ન હોય, પણ બુલિયન અને કોમોડિટી બજાર સામસામે આવી ગયા છે તેનું શું?

Advertisement


 

 

 

 

 

આથી કોઈએ એવું નથી માની  લેવાનું કે સોનાના ભાવ લાંબાગાળા સુધી સ્થાયી રીતે ઘટયા કરશે, હંમેશા યાદ રાખો ભુ-ભૌગોલિક ઘટનાઓ બહુ થોડા સમય માટે અસર ઊભી કરતી હોય છે. સોના સામે અત્યારે સૌથી મોટો પડકાર મજબૂત મંદિવાળાઓ તરફથી છે, જેઓ માને છે કે અમેરિકન ફેડ રિઝર્વે દાખવેલી વ્યાજ વધારાની આગાહી, સમય કરતાં વહેલી સાચી પાડવાની સંભાવનાઓ છે. શુક્રવારે સોનું ડિસેમ્બર વાયદો ઇન્ટ્રાડેમાં ૧૭૩૮ ડોલર થઈ ૧૭૫૦ ડોલર બંધ રહ્યો હતો. 

કઈક અંશે જગતભરની સેન્ટ્રલ બેંકો, બેઝલ-૩ હેઠળ સોનાની કાયદેસરની ડિપોઝિટ રાખવામાં માનતી જ નથી, આવી બેંકો બુલિયન બજારમાં બિનજરૂરી અને કારણ વગરના દખા કરે છે. આવી બેંકો નાણાંનીતિમાં બિનજરૂરી પ્રયોગ કરીને કરન્સી બજારમાં કારણ વગરની માથાકૂટો ઊભી કરે છે, અને સોનાને ઝાંખપ લગાડવાનું કામ કરે છે. 

શેરબજાર તરફ જોઈએ તો ભાવો ઐતિહાસિક રીતે ઓવરવેલ્યુડ છે, બોન્ડના યીલ્ડ નકારાત્મક રાખવાના પ્રયાસ અને સેન્ટ્રલ બેંકોને હવે પારદર્શક નહીં રહેવાની બીમારી લાગી છે. આને લીધે બજારમાં કોઈ પણ ચીજનું સાચું ભાવ સંશોધન કઠિન થઈ પડ્યું છે. બિટકોઇન અને સોનાની સરખામણીની અંતહીન ચર્ચા વચ્ચે એમ કહેવું યોગ્ય નહીં ગણાય કે બિટકોઇને સોનનો કેટલોક બજારહિસ્સો કબજે કરી લીધો છે. પણ હા, ૧ ટ્રિલિયન ડોલર કરતાં ઓછું બજાર મૂલ્ય ધારવતો બિટકોઇન ૧૦ ટ્રિલિયન ડોલરના સોનાના બજાર હિસ્સાને નષ્ટ કરી નાંખશે, એમ કહેવું વાજબી નથી.

Advertisement


 

 

 

 

 

સોનાની ત્રણ ઐતિહાસિક ભૂમિકા આજે પણ અસ્તિત્વમાં છે, ૧) મંદીના જોખમ સામેનું હેજ (રક્ષણ), ૨) બજારની અફડાતફડીના જોખમ સામેનું હેજ, તેમજ ૩) ફુગાવા/કરન્સી મૂલ્યના ખતરા સામેનું હેજ. આપણે ગયા વર્ષનું જ ઉદાહરણ લઈએ, ફુગાવા વૃધ્ધિનું વાવાઝોડું આવી રહ્યાના સંકેત સોનાના વધી રહેલા ભાવએ આપ્યા હતા. આ કિસ્સામાં આપણે અત્યારે કોમોડિટીના ભાવો ડબલ ડિજિટમાં વધ્યાનું અનુભવી રહ્યા છીએ. પણ આ વર્ષે આપણે જુદો નજારો જોઈએ રહ્યા છીએ, વ્યાજદરો હજુ પણ ઘટી રહયા છે અને ફુગાવો વધી રહ્યો છે, જ્યારે સોનાના ભાવ ૭.૧૦ ટકાના વાર્ષિકદરે વધવાને બદલે ઘટયા હોવાનું દાખવે છે.

આપણે હજુ પણ એવું માનીએ છીએ કે સેન્ટ્રલ બેંક એવો ભ્રમ (બલ્કે પ્રચાર કરે છે) ફેલાવે છે કે ફુગાવો જરૂર વધે છે, પણ એ માત્ર થોડા સમય માટે જ હશે. સોનાના ભાવ છેલ્લા બે વર્ષ દરમિયાન ડબલ ડિજિટ વધ્યા હોવા છતાં, ઇતિહાસ અને રાજકારણના હુમલાના ઉક્ત ભ્રમમાંથી  વાસ્તવિકતા એ સામે આવે છે કે અત્યારે અર્થતંત્રમાં સોનાની કોઈ ભૂમિકા જ નથી. અલબત્ત, સોનાના રોકાણકારો લાલચુ પ્રકારના નથી, તેઓ ધીરજવાન છે. તેઓ લાંબી રેસના ઘોડા માફક પેપર ગોલ્ડને બદલે ફિઝિકલ સોનાને વધુ પ્રેમ કરે છે.               
    
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)