ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): સોનાના ભાવ આસમાનમાંથી પડતી છરીની માફક છેલ્લા ત્રણ દિવસમાં ઘટી રહ્યા છે, પણ લાંબાગાળા માટે જોઈએ તો આ ભાવે રોકાણ કરવું વળતરદાયી ગણાશે. અમેરિકન ફેડરલ રિજર્વ ૨૦૨૩માં બે વખત વ્યાજદર વધારશે, અને આગામી મિટિંગમાં સરકારી બેન્ડ બાઈંગની શરૂઆત કરવાનો નિર્ણય લેશે એવા, આશ્ચર્યજનક સંકેત ગુરુવારે બજારને આપ્યા હતા. આ સમાચાર સાથે જ બે દિવસમાં સોનાના ભાવ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) દીઠ ૧૮૬૨ ડોલરથી ઘટીને ૧૭૭૩ ડોલર શુક્રવારે મે ૨૦૨૧ની બોટમે બેસી ગયા. ફેડની આશ્ચર્યજનક નીતિને રોકાણકારો હજુ પણ પચાવવાના પ્રયાસમાં છે. અલબત્ત, સોનાના ભાવ છેલ્લા ૧૫ મહિનામાં સૌથી મોટા સાપ્તાહિક ઘટાડા તરફ અગ્રેસર છે.   

ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં સાડાપાંચ ટકા જેટલા ઘટી ગયા છે. બજારમાં જેની શક્યતા ઓછી હતી, તેવી આશ્ચર્યજનક ફેડ પોલિસી આવતા કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ મજબૂત થવા લાગ્યો હતો, પરિણામે સોનાની તેજીમાં પડેલા જખ્મો દુજવા લાગ્યા હતા. લાગે છે કે હતપ્રભ તેજીવાળા ટૂંકાગાળા માટે પોતાનું લેણ ખંખેરવાનું ચાલુ રાખશે. શુક્રવારે મોડી સાંજે બેંક ઓફ જપાન તેમજ સ્વિસ નેશનલ બેંક સહિતની કેટલીક યુરોપિયન બેન્કો નીતિવિષયક નિર્ણયો લે, તેની રાહ જોવાનું રોકાણકારો પસંદ કરશે.

Advertisement


 

 

 

 

 

બે દિવસીય ફેડ નીતિવિષયક મિટિંગ પછી ટ્રેજરી યીલ્ડ અને ડોલરમાં તેજી આવી, પણ સોનાના ભાવ વેગથી નીચે ગયા. આનો અર્થ એ થાય કે અમેરિકન સેન્ટલ બેંક તેના બેન્ચમાર્ક વ્યાજદર જે માર્ચ ૨૦૨૦થી શૂન્યથી ૦.૨૫ ટકા ટકાવી રાખ્યા છે તે વધુ સમય જાળવી રાખશે. સાથે જ માસિક ધોરણે ૧૨૦ અબજ ડોલરના સરકારી બોન્ડ ખરીદવાનું ચાલુ રાખશે. પાંચ વર્ષના અમેરિકન ટ્રેજરી બોન્ડ યીલ્ડ ૦.૧૦ ટકા ઉછળ્યાં હતા. ૧૦ વર્ષનું યીલ્ડ વધીને ૧.૫૬૯ ટકા થયું હતું. બુલિયન બજારમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાય તે અગાઉ મનીમેનેજરો શોર્ટકવરિંગ કરવા ના આવે ત્યાં સુધી તેજીવાળા પણ સટ્ટાકીય બાઈંગ માટે અપેક્ષિત તળિયું બનવાની રાહ જોશે.

જોકે દૈનિક ચાર્ટ પર ભાવ ૧૭૯૭.૫૦ ડોલરની નીચે જતાં રહ્યા છે તે જોતાં, મંદિવાળા બજારમાં વધુ ખાનાખરાબી કરવા ઉતારી આવશે, એમ મુંબઈ સ્થિત જૂના સમયના એક ચાર્ટિસ્ટે કહ્યું હતું. બારગેન હંટનિંગ બાયર્સ (ભાવ કસીને ખરીદવાવાળા), સલામત મૂડીરોકાણ કારવાવાળા, અને ૧૭૭૩ ડોલર જેવા નીચા ભાવના ફિજિકલ બાયરો માટે તો અમેરિકન સેન્ટ્રલ બેન્કે જાણે બાજી પલટી નાખી હતી. ફેડની આવી નીતિને પગલે ડોલર અને ટ્રેજરી યીલ્ડ તત્કાળ મજબૂત થયા હતા.

ફેડની નીતિવિષયક મિટિંગમાં હાજર ૧૮ અધિકારીઓમાંથી ૧૧એ એવી આગાહી કરી હતી કે ૨૦૨૩ સુધીમાં બે વખત ૦.૨૫ ટકા વ્યાજદર વધારવાની જગ્યા બનશે. આનો સીધો અર્થ બજારે એ કર્યો કે ફેડ હવે બજારમાંથી અમેરિકન ટ્રેજરી બોન્ડ ખરીદવાનું શરૂ કરશે. ફેડએ અર્થતંત્રમાં સુધારો અને રોજગારીમાં વધારાવાના સંકેત પણ આપ્યા હતા. સાથે જ ૨૦૨૧માં ફુગાવાને કાબુમાં રાખવાનું પણ નિર્ધારિત કર્યું હતું.

Advertisement


 

 

 

 

 

ક્રિપટોકરન્સી બિટકોઇન અને ઇથેરીયમ અનુક્રમે ૩૭૯૯૩ અને ૨૩૬૩ ડોલર ઊંધેકાંધ પડ્યા હતા. અલબત્ત, કેટલાંક આશાવાદી રોકાણકારો ક્રિપટો અને બુલિયનમાં હજુ ભાવ ઘટવાની રાહ જોઈને બેઠા છે. ફેડ ચેરમેન જેરોમ પોવેલે રોજગારી વૃધ્ધિ અને અર્થતંત્રમાં પ્રવાહિતા આવશે, એવો ઈશારો કર્યો હતો. ૧૦ વર્ષીય અમેરિકન ટ્રેજરી બોન્ડ યીલ્ડ વધીને ૧.૫૭ ટકા થયું હતું. શુક્રવારે મોડેથી યુરોજોનના ફુગાવાના આંકડા જાહેર થવા અગાઉ ડોલર સામે યુરો ઘટીને ૧.૨૦ તેમજ બ્રિટનમાં ડેલ્ટા વર્ટીન કોરોના વાયરસ કેસમાં વધારો થતાં બ્રિટિશ પાઉન્ડ ૧.૪૦ની નીચે ગયો હતો.

તાજેતરમાં ભાવ ખૂબ જડપથી ઘટયા હોવા છતાં સોનામાં મધ્યમ અને લાંબાગાળાનો વરતારો હજુ પણ તેજીવાળો છે. એનાલિસ્ટઓ કહે છે કે આગામી દિવસો અને મહિનાઓ સુધી ફેડ મીટીંગનો પ્રભાવ તમામ બજારો પર વત્તોઓછો જળવાઈ રહેશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)