ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : સેબી દ્વારા પ્રસ્તાવિત ગોલ્ડ એક્સ્ચેન્જ અને તેના પર ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટ (ઈજીઆર)ના સોદા યોજનાને દેશભરના બુલિયન ડિલરોએ આવકાર આપ્યો છે, પણ જવેલરો આ યોજના બાબતે મૂંઝવણ અનુભવી રહ્યા છે. ઇંડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (ઈબજા)ના સેક્રેટરી સુરેન્દ્ર મહેતા કહે છે કે સિક્કાને બે બાજુ હોય છે, વળી આ હજુ પ્રસ્તાવનાના સ્તરે વાત છે, તેમાં ઘણું બધુ પાણી પડશે. ભારતમાં સોનાની આયાત ઘટાડવા તરફ અને બુલિયન બજારમાં કાળાનાણાનો પ્રવાહ અટકાવવા તરફનું આ સરકારી પ્રયાણ હશે. ૧૯૧૫થી ઝવેરી બજારમાં જવેલર તરીકે પ્રસિધ્ધ પેઢી મેસર્સ ઉમેદમલ ત્રિલોકચંદ ઝવેરીના કુમાર જૈન કહે છે કે આ એક પેપર ગોલ્ડ સ્કીમ છે, અમારા જવેલરી રોકાણકારો લાંબાગાળે અમારાથી દૂર થશે, એવો ભય છે. 

સુરેન્દ્ર મહેતા કહે છે કે ઈજીઆર સોદાથી બુલિયન અને જ્વેલરી બજારમાં પારદર્શકતા આવશે. રોકાણકારો ફિઝિકલ સોનાને બદલે ઈજીઆર ખરીદીને પોતાના ડિમેટ એકાઉન્ટમાં રાખી શકશે, ચોરીનો ભય નહીં રહે, ગોલ્ડ સિક્યુરિટી ઇન્સ્યુરન્સ કઢાવવું નહીં પડે, સાથે જ સોનાની કેરેટ ક્વાલિટીના વિવાદો ઘટી જશે. કુમાર જૈન કહે છે કે ગોલ્ડ એક્સચેન્જમાં ગોલ્ડ રિસીપ્ટના સોદાથી ભારતમાં સોનાના ભાવ બિનજરૂરી રીતે વધવા લાગશે અને અમારા જ્વેલર ગ્રાહકો બજારથી દૂર થશે. 

Advertisement


 

 

 

 

 

આના જવાબમાં સુરેન્દ્ર મહેતા કહે છે કે જ્વેલરોની વાતમાં કોઈ દમ નથી, તેઓ પહેલા હોલમાર્કિંગનો વિરોધ કરતાં હતા. હવે તેઓ એચયુઆઇડી (હોલમાર્કિંગ યુનિક આઇડન્ટિફિકેશન)નો વિરોધ કરી રહ્યા છે. દેશમાં આજ સુધી જ્વેલરીનો બિઝનેસ પારદર્શક નથી રહ્યો, હવે જ્યારે સરકાર એ તરફના પગલાં લઈ રહી છે ત્યારે જ્વેલરોનો વિરોધ ગ્રાહકોના હિતમાં નથી. સરકાર ગોલ્ડ એક્સ્ચેન્જ અને ઈજીઆર એ લાંબાગાળે દેશના બુલિયન અને જ્વેલરી બિઝનેસને લાભદાયી પુરવાર થવાનો છે.

બુલિયન એનાલિસ્ટ ભાર્ગવ વૈધ કહે છે કે ભારતમાં વાર્ષિક ૭૦૦થી ૮૦૦ ટનન સોનાનો આયાત વેપાર થાય છે. આ સંયોગોમાં ગોલ્ડ એક્સ્ચેન્જ દેશના વિકેન્દ્રિત બુલિયન વેપારને સંગઠિત કરવામાં મોટી ભૂમિકા નિભાવી શકશે. ઇજીઆર  લોન કે ડેટ મેળવવા સામે સિક્યુરિટી તરીકે સંપૂર્ણ સુરક્ષિત સાધન પુરવાર થશે, તેથી બેંકો તરફથી લોકોને સરળતાથી લોન ઉપલબ્ધ થશે.  

બુલિયન એનાલિસ્ટ દિનેશ પારેખ કહે છે કે ગોલ્ડ એક્સ્ચેન્જ એ શેરબજારની માફક જ કામ કરશે. રોકાણકાર જેમ શેર ખરીદીને પોતાના ડિમેટ એકાઉન્ટમાં રાખી શકે છે તેજ પ્રકારે ગોલ્ડ રિસીપ્ટ પોતાના ડિમેટ એકાઉન્ટમાં જમા રાખી શકશે. આવી ઈજીઆર એ ફિઝિકલ સોનાને સમકક્ષ હશે. તેમનું માનવું છે કે ગોલ્ડ એક્સ્ચેન્જની સ્થાપના થશે તો દેશના એમસીએક્સ, એનસીડેક્સ જેવા કોમોડિટી એક્સચેન્જો સામે વેપારની તંદુરસ્ત સ્પર્ધા ઊભી થશે.

Advertisement


 

 

 

 

 

ઝવેરી બજારમાં ૧૯૩૬થી કાર્યરત બુલિયન પેઢી મેસર્સ મેઘાજી વનેચંદના અનિલ સંઘવી કહે છે કે ગોલ્ડ બોન્ડની માફક આવા ઈજીઆરને વટાવવા (એનકેસ કરવા)ની કોઈ સમય મર્યાદા નહીં હોય. ઈજીઆર ધારક તેની ઈચ્છા પ્રમાણે તેનો કબજો કંપનીના શેરની માફક રાખી શકે છે, ધારક ઈચ્છે તે દિવસે એક્સચેન્જના વૉલ્ટમાં જઈને તેની સામે મૂલ્યાંકિત વજનનું સોનું પ્રાપ્ત કરી શકે છે. ગોલ્ડ એક્સ્ચેન્જ પર લઘુતમ કેટલા ગ્રામના ઈજીઆરનો વેપાર કરી શકાશે તે હજી નિર્ધારિત નથી કરાયું. એટલુંજ નહીં રૂ. ૫૦ કરોડની નેટવર્થ ધરાવતી કંપની વોલ્ટ મેનેજર બનવા, સેબી પાસે રજીસ્ટ્રેશન મેળવવા અરજી કરી શકે છે.     

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)