ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): આસમાની સુલતાની તેજીમાં શુક્રવારે બિટકોઈને ૧૯,૬૨૮ ડોલરની લાઈફ ટાઈમ નવી ઊંચાઈ પ્રાપ્ત કરવા સાથે, બુલિયન બજારમાં એવી ચર્ચાએ જોર પકડયું છે કે ફુગાવા સામેના હેજ તરીકે એક દિવસ સોનાને સમાંતર આ ડિજિટલ અસ્ક્યામતની ગણના થવા લાગશે? પ્રશ્ન એ પણ પૂછાઈ રહ્યો છે કે રોકાણકારોનો હવે સરકારી કારન્સીમાં વિશ્વાસ ઘટવા લાગ્યો છે ત્યારે, ક્રિપ્ટોકરન્સી મૂડીરોકાણ પોર્ટફોલિયોના વૈવિધ્યકારણ માટે સક્ષમ બની ગઈ છે? બુલિયન રોકાણકારો એ પણ પૂછી રહ્યા છે કે સોનું અથવા બિટકોઇનમાં અમારું ફંડ પાર્ક કરી શકીએ કે નહીં?

આ વર્ષે અત્યાર સુધીમાં બિટકોઇનમાં ૧૭૦ ટકાનો ઉછાળો આવ્યો છે, ત્યારે ફરીથી પૂછાવા લાગ્યું છે કે આટલી ઊંચાઈએ અને જબ્બર અફડાતફડી વચ્ચે ક્રિપ્ટોબજારમાં પ્રવેશ કરવો વાજબી લેખાશે કે નહીં? જો તમે બુલિયન અને ક્રિપ્ટો બજારનું સૂક્ષ્મ નિરીક્ષણ કરશો તો જણાશે કે જાગતિક તખ્તા પર તાજેતરમાં સોનામાંથી બિટકોઇન અને ઊલટું બિટકોઇનમાંથી સોનામાં ફંડ ટ્રાન્સફર થવાની ગતિવિધિ વધી ગઈ છે.

પાછલા કેટલાંક વર્ષોથી નવશિખીયા રોકાણકારો માટે સોનું મૂડીરોકાણનું એક સલામત સાધન ગણાતું રહ્યું છે. પણ હવે આ સ્થાન આવા રોકાણકારો માટે બિટકોઇન જેવી ઓટોમેટેડ એસેટ્સએ લઈ લીધું છે. સેન્ટ્રલ બેન્કો દ્વારા સાવ નબળી નાણાંનીતિને પગલે ડિજિટલ કરન્સીની સ્ટોર ઓફ વેલ્યૂ (મૂલ્ય સંગ્રહ) મહત્વની ગણાવા લાગી છે. સોના સામે કુદરતી પડકારો પણ ઊભા થયા છે. સોનામાં આ સપ્તાહે સતત પાંચમા દિવસે ધીમો સુધારો જોવાઈ શુક્રરવારે (આજે) એશિયન બજાર સમયમાં ભાવ ૧૮૪૮ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) બોલાયા હતા.

સોનામાં જોવાઈ રહેલી વર્તમાન ભાવ વૃધ્ધિ શું નવી તેજીની સાયકલ છે, અથવા ગત સપ્તાહે વેગથી ઘટેલા ભાવની બોટમ સ્થાપિત કરવાના પ્રયાસ છે? કે પછી નબળો અમેરિકન ડોલર, જે અઢી વર્ષના તળિયે ગયો જેવા કારણોસર સોનાને ટૂંકાગાળાનો ટેકો મળી રહ્યો છે. એનાલિસ્ટો કહે છે કે ગતસપ્તાહે ભાવ ૧૮૦૦ ડોલરની નીચે ગયા ત્યાંથી કેટલાંક ખેલાડીઓને રિકવરી ટ્રિગર મળ્યું છે. તેજીવાળા તેમની પકડ જમાવવાના પ્રયાસ કરી રહ્યા છે.       

આપણે જાણી છીએ કે સોનામાં મોટી ઓવરસોલ્ડ પોજીશન ઊભી થઈ છે અને હવે નબળા વ્યાજદર, અમેરિકન અર્થતંત્રની નબળાઈ જેવા કારણોસર તેજીવાળાને કરો યા મરોની તક આપી છે. હવે સોના અને ડિજિટલ કરન્સી વચ્ચે સ્થપાયેલી જુગલ જોડી તૂટવાની શક્યતા સાવ ઓછી થઈ ગઈ છે. ક્રિપ્ટોબજારમાં હેવી બાઈંગ વચ્ચે નફારૂપી સેલિંગ માટે જગ્યા પણ બની છે. આ ફંડ પાછું સોના ચાંદીમાં પરત આવી રહ્યું છે. આથી સોનાને ઉપર જવાની જગ્યા બની છે, તે કેટલી લંબાઈ શકે છે તે હજુ સ્પષ્ટ નથી.

સોનાની તેજી મંદી જોવા માટેના ઘણા રસ્તા છે. કારણ કે ડિજિટલ કારન્સીનું આકર્ષણ કેટલા સમય સુધી ટકે છે તે પણ જોવાનું છે. અત્યારે તો એવું કહેવાવા લાગ્યું છે કે નિષ્ફળ નાણાંનીતિ સામેના હેજ તરીકેની સોનાની પ્રતિષ્ઠા જાંખી પડી ગઈ છે. સોનું સામાન્ય રીતે વ્યાજદરથી વિપરીત વલણ ધારાવતું હોય છે. વ્યાજ વધતાં જ સોનામાંથી નાણાં નીકળીને બોન્ડમાં પ્રવાહિત થતાં હોય છે.

કોરોના મહામારીની વેક્સિનમાં સફળતાઓએ અમેરિકન ડોલરને અઢી વર્ષના તળિયે બેસાડી દીધો છે, અને રાહત પેકેજોની ભારમારને પગલે અન્ય કારન્સીમાં સોનાનું હોલ્ડિંગ નફાકારક પુરવાર થયું છે. જો નબળા ડોલરને અને નીચા વ્યાજદર ગણતરીમાં લઈએ તો સોનું અત્યારે પણ અંડરવેલ્યુડ છે, અત્યારે તેના ભાવ ૧૯૦૦ ડોલર આસપાસ હોવા જોઈએ.        

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)