ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): બુલિયન કોમ્પ્લેકસની તમામ ધાતુને પાછળ મૂકી, મે મહિનામાં અત્યાર સુધીમાં ચાંદી ૧.૪૭ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) ઉછાળા સાથે આગળ નીકળી ગઈ છે. આ ગાળામાં સોનું માત્ર ૦.૧૩ ડોલર વધ્યું છે. ચાંદીમાં વધુ વૃદ્ધિ શક્ય છે, એનાલીસ્ટો કહે છે કે અમે સોના કરતા ચાંદીમાં વધુ ઉછાળા માટે ત્રણ કારણો જોઈ રહ્યા છીએ. ચાંદીમાં સટ્ટાકીય ઓળિયા પોઝીશન પણ એવા સંકેત આપે છે કે આ ધાતુ ખરીદી માટે વધુ આકર્ષક છે.

આ ત્રણ કારણોમાં પ્રથમ છે ગોલ્ડ સિલ્વર રશિયો. ઐતિહાસિક રીતે જોવા જઈએ તો સોનાની તુલનાએ ચાંદી હાલમાં ખુબ સસ્તી છે. બીજું સોના કરતા ચાંદીમાં મંદીની પોઝીશન લેવાવાળાની સંખ્ય ઘટી રહી છે. ત્રીજું એ કે કોરોનામાથી અર્થતંત્રો પરવારતા જ ઔદ્યોગિક પ્રવૃત્તિ અને તે સાથે ચાંદીની માંગમાં વધારો થશે. ચાંદીની કુલ વાર્ષિક સપ્લાયમાંથી પચાસ ટકા આ ક્ષેત્રે વપરાય છે.

વધુમાં બીજા ત્રિમાસિકમાં સિલ્વર ઇટીએફની વધુ માંગ અપેક્ષિત છે, જે ભાવને ઉપર જવામાં મદદ કરશે. શુક્રવારે ન્યુયોર્ક કોમેકસ પર સોનું જુન વાયદો ૦.૭૦ ટકા વધી ૧૭૫૩.૧૫ ડોલર, ત્રણ સપ્તાહની ઉંચાઈએ જ્યારે જુલાઈ ડીલીવરી ચાંદી ૫.૬૬ ટકા વધીને ચાર સપ્તાહની ઉંચાઈએ ૧૭.૦૭ ડોલર મુકાઈ. ચાંદીના તેજીવાળાને ટૂંકાગાળાની તેજીનો ટેકનીકલ લાભ મળવા સાથે વધુ નાણાકીય તાકાત પણ ઉપલબ્ધ થઇ છે.      

હવે જ્યારે ગોલ્ડ સિલ્વર રેશિયો ૧૮ માર્ચની ઐતિહાસિક ઊંચાઈ ૧:૧૨૬થી પાછો ફરીને ૧:૧૦૨ થયો છે ત્યારે રેશિયો ચાર્ટ લાઈન સ્પષ્ટ સંકેત આપે છે કે હવે શુ થવાનું છે. ૨૦૦૯મા આ રેશિયો ૮૫થી પચાસ કરતા વધુ (૫૮ ટકા) ગબડીને ૩૨ થયો હતો. જો આ વખતે આજ પ્રમાણે ૧૨૬ની વિક્રમ ઊંચાઈએથી રેશિયો ૫૮ ટકા ઘટે તો તે પચાસ કે તેથી વધુ નીચે આવી શકે છે. આ ઘટના એવા નિર્દેશ આપે છે કે આગામી એકાદ વર્ષ કરતા વધુ સમય સુધી સોના કરતા ચાંદી વધુ વેગથી વધે.

જો આપણે માત્ર રેશિયોને આધારે વિચારીએ તો પણ લાંબા સમયથી સોનાની નાગચૂડમાંથી છૂટવાના સધન પ્રયાસ ચાંદી માટે લાભદાયી ઠરે છે. આખરે ચાંદી પણ સોનાની તેજીને અનુસરવા થનગની રહી છે. ભાવો પણ આવા સંકેત આપવા લાગ્યા છે.

૨૦૦૮ અને ૨૦૧૧મા લેહમેન નાણાકીય કટોકટી પછી તરતજ આવી જ ઘટના નિર્માણ થઇ હતી, એ દરમિયાન સોનું ૩૦૦ ટકા અને ચાંદી ૬૦૦ ટકા ઉછળી હતી. ૨૦૦૮-૦૯ની નાણાકીય કટોકટી તુલનાએ વર્તમાન કોરોના સમસ્યા તો ખુબ જ મોટી છે, તેથી એવું માનવાને પ્રેરણા આપે છે કે ટેકનીકલ રીતે જ્ઞાન ધરાવતા રોકાણકારોને આસમાની સુલતાની તકો ઉપલબ્ધ કરાવશે.

ચાંદીના તેજીવાળા માટે હવે ૨૪ ફેબ્રુઆરીની ૧૮.૭૮ ડોલરની મજબુત ટેકનીકલ રેસીસટન્સ પાર કરવાનો લક્ષ્યાંક રહેશે. હવે સવાલ એ છે કે સોનું, ચાંદી અને પ્લેટિનમમાં આવી રેશિયો પેટર્ન કેટલો લાંબો સમય ચાલશે, સાદો જવાબ છે જે કોઈ જાણતું નથી. તમામ કીમતી ધાતુ અને કોમોડીટી બજારો જુદી જુદી રીતે વર્તન કરે છે, ત્યારે આ સૌથી મોટો અનિશ્ચિતતાનો કાળ છે.

(અસ્વીકાર સુચના: વેબસાઈટ commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)