મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ:  ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં ટોળા દ્વારા આગ લાગવવાના કેસમાં મુખ્ય આરોપી રફીક હુસૈન ભટુકની ગોધરા શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. લગભગ 19 વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં 59 કારસેવકો માર્યા ગયા હતા. એક અધિકારીએ સોમવારે આ માહિતી આપી.

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલે જણાવ્યું હતું કે, 51 વર્ષીય રફીક હુસૈન ભટુક આરોપીઓના મુખ્ય જૂથનો હિસ્સો હતો, જે આ સમગ્ર ષડયંત્રમાં સામેલ હતો. જેણે ગોધરાકાંડનું કાવતરું ઘડ્યું હતું  અને છેલ્લા લગભગ 19 વર્ષથી તે ફરાર હતો. પાટિલે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ગોધરા પોલીસે રવિવારે રાત્રે રેલ્વે સ્ટેશન નજીક સિગ્નલ ફળિયામાં એક ઘરમાં રેડ કરી હતી અને જ્યાંથી રફીક હુસૈનને ઝડપી પાડ્યો છે.

પોલીસનું કહેવું છે કે ગોધરાકાંડમાં ટ્રેનના કંપાર્ટમેન્ટને સળગાવવા માટે પેટ્રોલની વ્યવસ્થા કરવી, ભીડને ભડકાવવી અને આખા કાવતરાની બ્લૂપ્રિન્ટ બનાવવામાં રફીક હુસૈનનો મોટો હાથ હતો. તેના પર અથડામણ સહિતના અન્ય આરોપો છે..


 

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર કારસેવકોથી ભરેલી ટ્રેનને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં કુલ 59 કારસેવકોના મોત થઈ ચૂક્યા હતા, ત્યારબાદ ગુજરાતમાં 2002માં મોટા પાયે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

પોલીસે જાણકારી આપી છે કે રફીક હુસૈન તે વખતે રેલ્વે સ્ટેશન પર એક મજૂરના રૂપમાં કામ કરતો હતો. જ્યારે ટ્રેન આવી ત્યારે પથ્થર મારો કર્યો હતો અને પેટ્રોલ છાંટવામાં સામેલ હતો. આ ઘટનામાં રફીક પણ તેમાંથી એક હતો. પરંતુ આ ઘટના બાદ રફીક હુસૈન અહીંથી ભાગી ગયો અને દિલ્હીમાં રહેવા લાગ્યો હતો.

પોલીસે વધુમાં જણાવ્યું કે ગોધરાકાંડની ઘટનાના 19 વર્ષ પછી અમને રફીક હુસૈન વિશે બાતમી મળી હતી. અમને જાણ થઈ કે હુસૈન તેના પરિવારને શિફ્ટ કરવાનો છે. હવે જ્યારે તે દિલ્હીથી પોતાના પરિવારજનોને મળવા અહીં આવ્યો હતો, ત્યારે અમે મોકો જોઈને રેડ કરીને તેની ધરપકડ કરી લીધી હતી.