ચંદુ મહેરિયા (મેરાન્યૂઝ.અમદાવાદ): સમાજસેવાના ધ્યેય સાથે ઘર છોડવાનો નિર્ણય યુવાન મામાસાહેબ ફડકેએ પિતાને જણાવ્યો ત્યારે પિતાએ “અવારનવાર કાગળ લખીને તબિયતના સમાચાર જણાવતો રહેજે”  એમ કહ્યું તો મામાનો જવાબ હતો, ” ‘ખુશીમાં’ એ ત્રણ અક્ષરને માટે હું કાર્ડની ત્રણ પાઈ નહીં ખરચું”. . “ખાસ કામ વગર કાગળો લખવાની મને આદત નથી. પૂ.બાપુ (મહાત્મા ગાંધી)ને પણ મેં બહુ જ ઓછા કાગળ લખ્યા છે.” એમ કહેનાર ગાંધીયુગના અંત્યજસેવક મામાસાહેબની આત્મકથા, “મારી જીવનકથા”ના ત્રીજા પરિશિષ્ટ “કેટલાક પત્રો” માં અગિયાર મહત્વના પત્રો છે.

આજે તો  સરદારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં છે, પરંતુ આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ સૌથી પહેલી પ્રતિમા, એ ય સરદારની હયાતીમાં, ગોધરામાં મૂકવામાં આવી હતી !

નહેરુ અને સરદાર વચ્ચેના મતભેદોની વાતો રાજકીય રૂપ લઈ ચૂકી છે ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે ગોધરામાં તા. ૨૨મી ફેબ્રુઆરી ૧૯૪૯ના લોકાર્પિત થયેલી સરદારની સમગ્ર ભારતમાં પ્રથમ પ્રતિમા સંદર્ભે મામાસાહેબની આત્મકથાના પત્રોમાં ઘણી મહત્વની દસ્તાવેજી માહિતી મળે છે. તા.૧૦-૧૧-૧૯૪૮ના રોજ મામાસાહેબે સરદાર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “ ગુજરાત રાજકીય પરિષદની પહેલી બેઠક ગોધરામાં ભરીને શ્રી.વામનરાવે પોતાની કારકિર્દી શરૂ કરી અને હવે એમ કહે છે કે આપના પૂતળા સાથેનો ટાઉનહોલ બનાવીને એ કારકિર્દી પૂરી કરવાના છે.” (પ્રુષ્ઠ-૧૯૬) આ પત્રના જવાબમાં સરદાર લખે છે, “ ભાઈ વામનરાવ શું કામ ઉપાડી બેઠા છે તેની મને ખબર નથી પણ કોઈ કોઈ વખત ગુજરાતી છાપાંઓમાં કંઈક વાંચવામાં આવે છે તે ઉપરથી જણાય છે કે પંડિતજીને ત્યાં બોલાવી એમને હાથે કંઈક મારા નામનું સ્મારક ઉભું કરે છે. પંડિતજીને આવા કામ માટે શું કામ તસ્દી આપે છે તે હું સમજ્યો નથી ને એ કામ શું છે તે પણ જાણતો નથી. પણ વામનરાવનો પ્રેમ છે એટલે એમને સૂઝે તે કરી રહ્યા હશે.” (પ્રુષ્ઠ-૧૯૮)

(નિરીક્ષક ડિજિટલ)