મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરાઃ પંચમહાલના ભાજપના પૂર્વ સાંસદ અને ગોધરા પંચામૃત ડેરીના પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકી સામે નામાકીય ઉચાપતની પોલીસ ફરિયાદ ગોધરા પોલીસ મથકે નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભૂપેન્દ્રસિંહ સોલંકીએ તમામ પંચામૃત ડેરીની જુદાજુદા હોદ્દાઓ પર કર્મચારી અને ચેરમેન તરીકેના પોતાના હોદ્દાનો અંગત લાભ માટે ઉપયોગ કર્યો હતો. તેમણે ડેરીમાંથી જતાં દુધ અને તેની બનાવટોના ખોટા દસ્તાવેજો ઊભા કરી હિસાબી ગોટાળા વાળીને તેનો સાચા તરીકે ઉપગોય કર્યો અને 1.50 કરોડની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે.

ફરિયાદ પ્રમાણે, આ ઉચાપત નાણાકીય વર્ષ 2008થી 2009 દરમિયાન સ્પેશ્યલ ઓડિટર વખતે પંચમહાલ જિલ્લા સહકારી ઉત્પાદક સંઘ લી. પંચામૃત ડેરીમાં કરવામાં આવી હતી. આ મામલો સામે આવતા ગઈકાલે 14મી નવેમ્બરે ગોધરા શહેર બી ડિવીઝનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભૂપેન્દ્રસિંહ વર્ષ 1999 અને 2004માં લોકસભાની પંચમહાલ બેઠક પરથી ભાજપ પક્ષના સાંસદ તરીકે ચૂંટાયા હતા.