મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરા: દેશમાં હાલમા કોરોના મહામારી ચાલી રહી છે.એકબાજુ ટેસ્ટીંગ સેન્ટરોમા રેપીડ ટેસ્ટ કીટ ન હોવાને કારણે ટેસ્ટીંગ થતા ન હોવાની લોકબુમો શહેરમાં ઉઠી હતી. પંચમહાલ જીલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઇને રોગચાળોના ફેલાય અને સંક્રમિત થયેલા વ્યક્તિઓને સમયસર દવા મળી રહે તેની સતર્કતાના ભાગરૂપે ચેકીંગ કરવા તપાસ હાથ ધરવામા આવી હતી. જે દરમિયાન એક શખ્સ એસઓજીના હાથે રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ સાથે ઝડપાયો હતો.

પંચમહાલ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ના પોલીસ ઇન્સ્પેકટર એમ. પી. પંડ્યાને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોધરા ટાઉન વિસ્તારમાં આવેલી રાણી મસ્જીદના મીઠીખાન મહોલ્લામાં રહેતો રિઝવાન અહેમદભાઈ જમાલ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવામાં આવેલી કોવિડ રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા પોતાના ઘરે કેટલાક દર્દીઓના ગેરકાયદેસર રીતે કોરોના ટેસ્ટ કરે છે.

ઉપરાંત રેપીડ ટેસ્ટ કરવાની વધુ કિંમત વસુલે છે. તેની પાસે રેપીડ કિટનો જથ્થો પણ છે. આ બાબતે જાણકાર જીલ્લા ફાર્માસિસ્ટ અધિકારી બોલાવીને તેમજ પોલીસ ટીમ સાથે રાખીને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા  7 નંગ બોકસમાં 135 નંગ જેટલી રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ મળી આવી હતી. સરકારી ફાર્માસિસ્ટ હોય અને રેપિડ એન્ટીજન કીટ પોતાના ઘરે ન રાખી શકાય તેવું જાણવા છતા અંગત કામ કરીને આર્થિક લાભ મેળવવાની લાલચમાં સરકારી ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતો રિઝવાન અહેમદભાઈ જમાલ પકડાઇ ગયો હતો. પોલીસે રેપીડ ટેસ્ટીંગ કીટનો 2,02500 રૂપિયાનો જથ્થો જપ્ત કરીને ગોધરા બી ડીવિઝન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.