મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરાઃ મોબાઈલ અને સોશિયલ મીડિયાના દુરુઉપયોગના તો ઘણા કિસ્સાઓ આપે જોયા જ હશે, આજે આપણે આવા ઉપકર્ણોનો સાચી દિશામાં ઉપયોગ થાય તો શું થઈ શકે તેનો એક પ્રેરણાદાયક બનાવ આપ સામે લાવ્યા છીએ. ગોધરાની દીકરીએ મોબાઈલમાં વીડિયો જોઈ, પોસ્ટ જોઈ સ્ટેન્ડિંગ બાયસિકલ ક્રન્ચીસ કેવી રીતે થાય તેની શિખામણ અને જ્ઞાન લીધું, અહીં સુધી કે તેમાં તે એવી પારંગત થઈ કે આખરે તેણે માત્ર 13 જ વર્ષની ઉંમરે મોટુ મુકામ હાંસલ કર્યું અને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો. મારા-તમારા જેવા સામાન્ય પરિવારની દીકરી કે દીકરો આટલું મોટું મુકામ હાંસલ કરે ત્યારે પરિવારની લાગણી કેવી હોય તે હવે તમે જાતે જ અનુભવી શકો છો.
પંચમહાલ જીલ્લા ગોધરા શહેરમાં રહેતી અને કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય દીકરી માહી પરમારે સ્ટેન્ડીંગ બાઈસિકલ ક્રન્ચીસમાં અગાઉના નોંધાયેલા રેકોર્ડને તોડીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જેને લઈને ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ દ્વારા માહી પરમારને મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. આટલી નાની ઉમરે રેકોર્ડ મેળવવોએ સ્વયં એક કિર્તીમાન છે.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી સત્યનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ પરમાર ટ્યૂશન શિક્ષકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પરિવારમાં તેમના પત્ની સેજલબેન, પૂત્રી માહી અને પુત્ર નૈત્ય છે. તેમની ૧૩ વર્ષની પુત્રી માહી પરમારે માત્ર ગોધરા શહેર જ નહીં પણ સમગ્ર ગુજરાત અને દેશનું નામ ગૌરવવંતુ કર્યું છે. ગોધરાની કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ-૯માં અભ્યાસ કરતી માહી પરમાર કરાટેમાં જુડો ચેમ્પિયન છે. જેને રાજ્યકક્ષાથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો છે. અભ્યાસની સાથે માહી સોશિયલ મીડીયાનો ઉપયોગ વિવિધ જાણકારી માટે કરે છે. જેમાં સ્ટેંડીંગ બાયસિકલ ક્રન્ચીસ (એક પ્રકારની શારિરીક કસરત) ના વીડિયો જોયા હતા. માહીએ પણ આ દિશામાં પ્રેકટીસ હાથ ધરી અને તેમા સફળતા પણ પ્રાપ્ત થઈ. તાલીમ બાદ માહીએ તે પ્રકારની કસરત પર પ્રભુત્વ મેળવી લીધું. જેમાં માહી પરમારે સ્ટેંડીંગ બાઈસિકલ ક્રન્ચીંસમા એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યા છે. આ આ પહેલા જુનો રેકોર્ડ ૧ મીનીટમાં ૧૨૭નો હતો. જેને માહી પરમારે ૧ મીનીટમાં ૧૫૧ સ્ટેંડીંગ બાઈસિકલ ક્રન્ચીસ કરીને અગાઉનો રેકોર્ડ તોડી નાખીને નવો કિર્તીમાન સ્થાપ્યો છે.
ગોધરાની 13 વર્ષીય દrકરી માહી પરમાર ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામી. સ્ટેન્ડીંગ બાયસિકલ ક્રન્ચીસમાં અગાઉ નોંધાયેલો વર્લ્ડ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અગાઉ 1 મીનીટમાં 127 ક્રન્ચીસનો રેકોર્ડ હતો માહી પરમારે 1 મીનીટમાં 151 કરી રેકોર્ડ બ્રેક કર્યો.#Gujarat pic.twitter.com/bSzxZkr6Hx
— Urvish patel (@reporterurvish) July 24, 2021
માહી પરમારના પિતા નરેન્દ્રભાઈ પરમાર જણાવે છે."મારી દીકરી માહી જુડો કરાટેમાં પણ અવ્વલ છે. વાડો રિયુ કરાટે એસોશિયેશન દ્વારા આયોજીત ચેમ્પિયનશીપમાં પણ જીલ્લાકક્ષાએ રાજ્ય અને રાષ્ટ્રિય કક્ષાએ ગોલ્ડ મેડલ અને આંતરરાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. કેન્દ્રિય વિદ્યાલય સ્ટેટ લેવલ જુડો ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. સ્ટેન્ડીંગ બાઈસિકલ ક્રન્ચીસનો ઇન્ટરનેશનલ રેકોર્ડ તોડી નાખ્યો છે.
વધુમાં જણાવે છે કે, હાલમા સરકાર "બેટી બચાવો બેઢી પઢાવો"ના સુત્રને પ્રમોટ કરી રહી છે. ત્યારે મારી દીકરી પણ અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બનશે. તેવો મને વિશ્વાસ છે. મારી પુત્રીએ માત્ર ગોધરા જ નહીં પણ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે. હાલમાં માહીને મિત્રવર્તુળ તેમજ તેમના પરિવારજનો દ્વારા આ રેકોર્ડ સ્થાપવા બદલ અભિનંદન પાઠવામાં આવી રહ્યા છે.
ગોધરા જેવા નાના શહેરની દીકરીએ સાચા અર્થમાં સમાજ અને દીકરીઓને મહિલા સશક્તિકરણ અને ટેક્નોલોજીના સદુપયોગનું ઉત્તમ પ્રેરણા પાડતું ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.