મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરાઃ પંચમહાલ જીલ્લામાં ગણેશ ચતુર્થીના તહેવાર હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગોધરા શહેરમાં આવેલી સોસાયટી, ફળીયામાં ગણેશ મંડળો દ્વારા ચાર ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતી ગણેશ મુર્તિઓની સ્થાપના ગાઇડલાઈન પ્રમાણે કરવામાં આવી છે. ગોધરા શહેરમાં આવેલી ઝુલેલાલ સોસાયટી ખાતે મહામારી બાદ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કોવિડ રસીકરણ અભિયાનનો સંદેશ આપતી થીમ પર પંડાલ સજાવામાં આવ્યો છે.

પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેર સહિત તાલુકા મથકો ખાતે યુવક મંડળો દ્વારા ગણપતિની મુર્તિઓની સ્થાપના કરવામા આવી છે. ગોધરા શહેરમાં વિવિધ મંડળો દ્વારા અલગ અલગ થીમ ઉપર અને સામાજીક સંદેશો આપતા પંડાલો સજાવીને ગણપતિની મુર્તિની સ્થાપના કરવામા આવે છે. ગોધરા શહેરમાં આવેલી ઝુલેલાલ સોસાયટીનાં સાઈગ્રુપ યુવક મંડળ દ્વારા વર્ષોથી વિવિધ થીમ પર પંડાલો બનાવીને ગણેશ સ્થાપના કરવામા આવે છે. મહામારીને કારણે લાખો લોકોએ દેશ-દુનિયામાં પોતાના જીવ ગુમાવ્યા છે.

Advertisement


 

 

 

 

 

સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા કોવિડ વેકસીનેશન અભિયાનનો પ્રારંભ કરવામા આવ્યો છે. પરંતુ વેક્સીનેશનને લઇને ભ્રામક માન્યતાઓને કારણે રસી મૂકાવવાતા કેટલાક લોકો ડર અનુભવી રહ્યા છે. સાંઈગ્રુપ યુવક મંડળ દ્વારા આ કોવિડરસી અંગેનો ડર લોકોમાંથી દૂર થાય અને આ રોગથી બચવા જરૂરી ગાઇડ લાઈનનું પાલન કરવામાં આવે તે સંદેશાની થીમ પર ગણપતિ મુર્તિનું સ્થાપન કરવામા આવ્યું છે.

જેમાં ગણેશ પંડાલને વેક્સીનેશન સેન્ટરનો આકાર આપવામાં આવ્યો છે. વેકસીનેશનની બોટલની પ્રતિકૃતિ ઉપર ગણપતિની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. સાથે વેક્સીનેશન સેન્ટરનો સ્ટાફ પણ જોવા મળી રહ્યો છે. પંડાલમાં કોરોનાથી બચવા માટે પ્રાથમિક ઉપાયો સૂચવતા માસ્ક પહેરવા, હાથ ધોવા, સેનેટાઇઝરનો ઉપયોગ કરવા સહિતના સૂચનો કરતા પોસ્ટર્સ લગાવામાં આવ્યા છે. આ અનોખી થીમ પર સ્થાપના કરતા ગણપતિજીની મૂર્તિને જોવા ગોધરા શહેરમાંથી ભક્તો આવે છે.તેમજ યુવકમંડળ દ્વારા સાંજ-સવાર આરતી કરવામા આવે છે. ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. યુવક મંડળ દ્વારા વેકસીનેશનની અનોખી થીમ આર્કષણનું કેન્દ્ર બની છે.