મેરાન્યૂઝ નેટવર્ક.ગોધરા: ભારત દેશમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે. કોર્પોરેટ ક્ષેત્રથી માંડીને રમતગમતના ક્ષેત્રમાં મહિલાઓએ નામના મેળવી છે. એટલુ જ નહીં પણ તેમને પોતાના ક્ષેત્રમાં ઉમદા કામગીરી બદલ સન્માન પણ મળ્યુ છે. પંચમહાલ જીલ્લાની આ મહિલા પોતે દિવ્યાંગ હોવા છતા હિંમત હાર્યા વિના સ્વીમિંગ ક્ષેત્રમાં પ્રગતિના શિખરો સર કર્યા છે અને નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે. પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે સ્વિમિંગ કોચ તરીકે ફરજ બજાવતા મૂળ રાજસ્થાનના વતની એવા કિરણ ટાંકને નવી દિલ્લી ખાતે રાષ્ટ્રપતિ હસ્તે બેસ્ટ સ્પોર્ટસ પર્સન એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા છે. પંચમહાલ જીલ્લામાંથી રાષ્ટ્રિય કક્ષાએ સન્માન પ્રાપ્ત કરનારા પહેલા મહિલા બન્યા છે. કિરણ ટાંકને સ્નેહીજનો શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે.
મૂળ રાજસ્થાનના વતની અને પંચમહાલ જિલ્લાને પોતાની કર્મભુમિ બનાવનાર પેરા સ્વિમર અને કોચ કિરણ ટાંકે પોતે એક પગે દિવ્યાંગ હોવા છતા સ્વિમિંગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રિય કક્ષા સુધી નામના મેળવી છે. કિરણ ટાંક Mera News સાથેની વાતચીતમાં જણાવે છે. હું ત્રણ વર્ષની હતી ત્યારે તાવ આવ્યા બાદ મને ડોકટર દ્વારા ઈન્જેકશન આપવામાં આવ્યુ. મને પગેપોલીયોની અસર થઈ ગઈ પંરતુ ડોકટરે કસરતના ભાગરૂપે સ્વિમિંગ કરવાની સલાહ આપી હતી. 2002માં સ્વિમિંગ કરવાની શરૂઆત કરી. મને જાણ થઈ કે દિવ્યાંગો માટે પણ રમતગમત સ્પર્ધાઓ હોય છે પછી મેં નવી દિલ્લી ખાતે દિવ્યાંગો માટેની રમતગમતની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો. જેમાં મેં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા.
Advertisement
 
 
 
 
 
2005માં યુ.કેમાં યોજાયેલી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં મેં ગોલ્ડમેડલ જીતીને ભારતની પહલી પેરા સ્વિમિંગ કરનારી મહિલા તરીકે સ્થાન મેળવ્યું હતું. કોમનવેલ્થ ગેમમાં પણ ભાગ લીધો અને સાતમો અંક પ્રાપ્ત કર્યો હતો. આજ સુધીની બધી મળીને સ્વિમિંગ સ્પર્ધાઓમાં 62 ગોલ્ડ મેડલ જીત્યા છે અને ભારતના પહેલા મહિલા પેરાસ્વિમર બનવાનૂ સોભાગ્ય પ્રાપ્ત થયુ હતું. સ્વિમિંગ કોચક્ષેત્રમાં હાલમાં પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે ડીસ્ટ્રીક કોચ તરીકે ફરજ બજાવું છું અને ખેલાડીઓને સ્વિમિંગ શીખવાડૂ છૂ."
આ સફર કારકિર્દીના પરિણામના ભાગરૂપે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેમને બેસ્ટ સ્પોર્ટસ પર્સનના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુંમાં તેઓ ઉમેરે છે કે હું આ એવોર્ડથી ખૂબ જ ખુશ છું તેમજ સરકાર, કોચ, તેમજ મારા વિદ્યાર્થીઓનો ખુબ ખુબ આભાર માનું છું અને મારા પરિવારના આશીર્વાદથી જ મારા ક્ષેત્રમાં આ મુકામ સુધી પહોંચી છું.
આમ કિરણ ટાંકે પોતે દિવ્યાંગ હોવા છતા મન મકકમ રાખીને પોતાના મનગમતા ક્ષેત્રમાં અનોખી સિધ્ધી હાસલ કરીને સમાજ અને દિવ્યાંગજનો માટે અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. સાથે મહિલા સશક્તિકરણની મિશાલ પણ કાયમ કરી છે.