મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ગુજરાતમાં વર્ષ 2002માં ગોધરાકાંડ થયા પછીના કોમી રમખાણો મામલે આજે સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહેલા 14 દોષિતોને જામીન આપી દીધા છે. સરદારપુરા રમખાણોના મામલે સુપ્રીમમાં 14 એવા દોષિઓ કે જે આજીવન કેદ ભોગવી રહ્યા હતા તેઓએ જામીન અરજી કરી હતી. જેના પર તેમને શરતી જામીન મળી ગયા છે. જામીનમાં શરત એવી છે કે તેઓ ઈન્દોર અને જબલપુરમાં રહેશે અને ધાર્મિક તથા સામાજીક કામ કરી શકશે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગોધરાકાંડ બાદ થયેલા રમખાણોના આ કેસમાં 14 લોકોને દોષિત ઠેરવ્યા હતા. જે ચુકાદા સામે આરોપીઓની અપીલ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ પડી છે. આ કેસમાં 33 લોકોને જીવતા સળગાવી દીધા હતા. જેમાં તમામને આજીવન કેદની સજા સંભળાવાઈ હતી. જેમને ગુજરાતની હદમાં પણ પ્રવેશની મનાઈ હતી. કોર્ટે આ શખ્સોને જ્યાં સુધી સુપ્રીમ અંતિમ ફેંસલો ન આપે ત્યાં સુધી ઈન્દોર અને જબલપુરમાં રહેવા જણાવ્યું છે.