સંપાદકઃ દેવલ જાદવ (મેરાન્યૂઝ.ગોવા): પર્યાવરણને લઈને સરકારની નીતિ બેધારી રહી છે. એક તરફ તે ગાઈ વગાડીને પર્યાવરણને સુરક્ષા પ્રદાન કરવાનો પ્રચાર કરે છે તો બીજી બાજુ પ્રોજેક્ટના અમલીકરણ માટે હજારો વૃક્ષોનું નિકંદન કાઢે છે. પ્રવાસ કેન્દ્રી રાજ્ય ગોવામાં પણ અત્યારે કંઈક આવું જ થઈ રહ્યું છે. ગોવામાં અત્યારે ત્રણ પ્રોજેક્ટ અમલી બની રહ્યા છે, તેમાં એક છે નેશનલ હાઇવેનું વિસ્તરણ, બીજો વીજળીની ટ્રાન્સમિશન લાઈન છે અને ત્રીજા પ્રોજેક્ટ રેલવેની અન્ય લાઈન નાંખવાનો છે. સરકારના દાવા મુજબ ગોવાવાસીઓના હિત માટે આ પ્રોજેક્ટોને લીલીઝંડી આપવામાં આવી છે, પણ સ્થાનિકો મુજબ આ પ્રોજેક્ટથી લાભ મુખ્યત્વે કોલસા કંપનીઓને થવાનો છે, જેમના માટે આ પ્રોજેક્ટને લાગુ કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટથી સૌથી મોટું નુકસાન બે અભયારણ્યને થવા જઈ રહ્યું છે. ગોવાના મોલેમ વિસ્તારમાં ભગવાન મહાવીર અભયારણ્ય અને નેશનલ પાર્ક સ્થિત છે. પશ્ચિમ ઘાટનો આ ‘સુરક્ષિત વિસ્તાર’ જાહેર કરવામાં આવ્યો છે અને તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, આ વિસ્તાર વાઘ માટે પણ સંરક્ષિત કોરીડોર છે. આ કિસ્સામાં અહીંની સૃષ્ટિ નાશ થાય તે ગોવાવાસીઓ માટે સ્વીકારી શકાય તેવી વાત નથી અને તેથી અહીંયા મોટા પ્રમાણમાં લોકો પ્રોજેક્ટનો વિરોધ કરવા નિકળી રહ્યા છે.

જોકે વિરોધને મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પ્રતિપક્ષો ઉપજાવી કાઢેલું તરકટ ગણાવે છે અને તેઓ માને છે કે પ્રોજેક્ટ વિશે દુષ્પ્રચાર થઈ રહ્યો છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે થઈ રહેલા વિરોધ પ્રદર્શનને લઈને કહ્યું છે કે જો લોકો તરફથી રજૂઆત થશે તો તેઓ પ્રોજેક્ટથી થનારી અસરનો અભ્યાસ કરશે. આ પ્રોજેક્ટનો વિરોધ ગોવાના જ કેટલાંક ભાજપના આગેવાનો પણ કરી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં આશ્ચર્યની વાત એ છે કે જે પ્રોજેક્ટથી સામાન્ય લોકો ગોવાના પર્યાવરણનું મસમોટું નુકસાન જોઈ રહ્યા છે, પણ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફ દ્વારા સરળતાથી મંજૂરી આપી દેવામાં આવી છે.