મિલન ઠક્કર (મેરાન્યૂઝ.અમદાવાદ): સરકાર ઉપર ભરોસો કરવાનું ગુજરાતના નાગરિકોને વધુ એક વાર ભારે પડ્યું છે. 108 એમ્બ્યુલન્સ સિવાય ખાનગી વાહનોમાં આવતા દર્દીઓ માટે હોસ્પિટલના મેઇનગેટ પર લગાવેલા કોરિડોર લક્ષમણ રેખા છે. ધન્વંતરિ હોસ્પિટલની બહાર જ એક વણલખ્યા નિયમના કડક પાલનના કારણે બે નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. નેતાઓ, અધિકારીઓ આ હોસ્પિટલની એવી બડાઈઓ ફૂંકીને ગયા, જે ફાંકા ફોજદારીએ લોકોમાં આશાના અંકુર તો ફોડ્યા પણ જ્યારે લોકો ખરેખર સારવાર માટે અહીં આવ્યા ત્યારે રડતી આંખે પાછા ફરવાનું થયું.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ડીઆરડીઓ નિર્મિત કોવીડ હોસ્પિટલનો બહારનો દેખાડો અલગ છે અને અંદર કાંઈક અલગ નજારો હોઈ શકે તેમ છે. બંદોબસ્તમાં હાજર પોલીસ અધિકારી PSI કે. એલ. રબારીના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં 25 જ બેડ તૈયાર કરાયા છે અને એ પણ હોસ્પિટલ જ્યારે 108ને સામેથી કહે ત્યારે 108 દર્દીને લઈને આવશે એમને જ દાખલ કરવામાં આવશે. એટલે કે બેડની અવેઈબલીટી પ્રમાણે હોસ્પિટલ તંત્ર 108 કે 104 એમ્બ્યૂલન્સને જાણ કરશે અને તે પ્રમાણે જ દર્દીઓને અંદર સારવાર માટે લવાશે. હોસ્પિટલની સૂચના વગર 108 એમ્બ્યૂલન્સ પણ કોઈ દર્દીને ધન્વંતરિ હોસ્પિટલમાં લઈ જઈ શકશે નહીં, મતલબ કે હોસ્પિટલ તંત્ર સૂચન આપે નહીં તો લોકોને જેમ બહાર દરવાજેથી કાઢી મુકાય છે તેવી સ્થિતિ 108ની પણ થઈ શકે. હા, તેમાં કોઈ વીવીઆઈપી હોય તો વાત કાંઈક અલગ પણ હોઈ શકે છે.


 

 

 

 

 

PSI કે. એલ. રબારીએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે હાલ 25 જ બેડ તૈયાર છે, ધીરે ધીરે એમાં વધારો કરવામાં આવશે. એ 25 બેડમાં કઈ કઈ સુવિધા રહેલી છે? બીજા બેડ ક્યાં સુધીમાં ઉપલબ્ધ થશે? આવા પ્રશ્નોના જવાબ તેમની પાસે મળ્યા ન હતા. જોકે તેમનું એટલું કહેવું હતું કે ખરેખર લોકો સમક્ષ જાહેરાત જ ખોટી કરાઈ છે, 900 બેડ મતલબ 900 બેડ તૈયાર નથી. એ સમય સાથે સાથે કામ આગળ વધશે.

બંદોબસ્તમાં રહેલી પોલીસ અને સરકારના નિવેદનમાં રહેલા આ તફાવત મામલે અમારા પ્રતિનિધિ દ્વારા ધન્વંતરિના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જયદીપ ગઢવી સાથે સવારથી વાત કરવાનો પ્રયત્ન કરવા છતાં તેઓએ ફોન રિસીવ કર્યો ન્હોતો. હોસ્પિટલના મુખ્ય અધિકારી ડૉ. મનીષ બંસલનો ફોન સવારથી નોટ રિચેબલ આવી રહ્યો હતો.

શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદમાં આવેલા GMDC ગ્રાઉન્ડ ખાતે 900 બેડની ધન્વંતરિ કોવિડ હોસ્પિટલની વિઝિટ કરવામાં આવી હતી અને અમિત શાહે હોસ્પિટલની સમીક્ષા કરીને, શનિવારથી ત્યાં ઉપલબ્ધ થનારી સેવાઓની માહિતી આપી વાહવાહી લૂંટી હતી, પરંતુ સરકારના વાયદા કરતાં 24 કલાકથી પણ વધારે સમય થઈ ગયા પછી પણ નાગરિકોને પડતી મુશ્કેલી ઘટવાને બદલે વધી રહી છે. આજે રવિવારે ધન્વંતરિ ખાતે કોરોનાની સારવાર મળી રહેવાની આશાએ આવેલા દર્દીઓ પૈકી બે દર્દીઓ સારવારના અભાવે હોસ્પિટલની બહાર જ રિક્ષામાં મૃત્યુ પામ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પરનો આક્રોશ ફરજ પર હાજર રહેલા પોલીસકર્મીઓ સહન કરી રહ્યા છે. પોલીસ તો માત્ર ચિઠ્ઠીની ચાકર જ છે. ત્યાં નાગરિકના પ્રશ્નના જવાબ આપવા માટે હોસ્પિટલના કોઈ જ અધિકારી હાજર નથી. લોકોના કહેવા મુજબ જવાબદાર અધિકારીઓ છુપાઈ ગયા છે ને પોલીસને ઢાલની જેમ આગળ કરી છે. સારવાર કરવા માટે સ્ટાફ નથી પણ લોકો સાથે શાબ્દીક ઘર્ષણ કરવા આખી ફૌજ છે. તેવી ઘણી બાબતો સાથે અહીં પોલીસ સાથે લોકોનું શાબ્દીક ઘર્ષણ થયું હતું અને બીજી બાજુ ફરજ પર હાજર પોલીસ પણ કલાકોથી લોકો સાથે આ રીતે શાબ્દિક ઘર્ષણથી માનસીક રીતે પરેશાન થઈ છે, લોકો ધક્કા ખાઈને પરેશાન થયા છે.