મિલન ઠક્કર (મેરાન્યુઝ અમદાવાદ): “હાથ ચોખ્ખા રાખવા”ની સલાહ આપણને મુખ્યત્વે તબીબો અને વડીલો આપતા હોય છે. જેમ કે શરીરની તંદુરસ્તી માટે તેનું અત્યંત મહત્ત્વ છે. હાથ નિયમિત સાફ કરવાથી મોટાભાગની શારીરિક સમસ્યાઓ ટાળી શકાય છે. એમાંય લગભગ છેલ્લા દસેક મહિનામાં તો હાથ ધોવા અંગે એટલી બધી જાગૃતિ આવી છે કે ન પૂછો વાત! પણ શું આટલી જાગૃતિ આપણા માટે પૂરતી છે? હાથ ચોખ્ખા કેમ રાખવા જોઈએ? હાથ ક્યારે અને શા માટે ધોવા જોઈએ? એનાં ઘણાં અન્ય કારણો પણ છે. જે એક જાગૃત નાગરિકે અવશ્ય જાણવા જોઈએ.

        ચૂંટણી નજીક આવી રહી છે, પેટાચૂંટણીની તો તારીખ પણ જાહેર થઈ ચૂકી છે જે “હાથવેંતમાં” જ છે. અને પછી ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજની પણ ચૂંટણી આવી શકે છે. તો આવા સમયે “હાથના ચોખ્ખા હોવું” અત્યંત જરૂરી છે. હવે તમને થશે કે, ચૂંટણી અને હાથને શું લેવા-દેવા? તો વિચારો કે કોઈ નેતા તમને “હથેળીમાં ચાંદ બતાવે” અને તમારા હાથ ગંદા હોય તો! તો તો તમને ચાંદ પણ ગંદો દેખાયને! અને હા, ચૂંટણી પતી જાય ત્યારે નેતા ભલે “હાથ ખંખેરી નાખે” પણ મતદારે મતદાન કરીને ખૂબ જ સર...સ રીતે “હાથ ધોઈ નાખવા”. એ પણ ભૂલ્યા વગર. કારણકે, ચૂંટણીનાં પરિણામ વખતે એવું પણ બને કે, તમારે “લમણે હાથ દઈને બેસવા”નો વારો આવે. તો હાથની ગંદકી તમારાં લમણામાં પણ લાગી શકે, અને કદાચ પરિણામના થોડા સમય પછી એવું પણ લાગે કે, આ તો “હાથના કર્યા હૈયે વાગ્યા” તો હાથનું ઇન્ફેક્શન હૈયાને પણ લાગી શકે.

        અને એવું પણ નથી કે, માત્ર મતદારોએ જ હાથ ચોખ્ખા રાખવા. નેતાઓ માટે પણ એટલું જ અનિવાર્ય છે. પછી તે ગમે તેટલા મોટા નેતા જ કેમ ના હોય! એણે પણ ચૂંટણી સમયે મતદારોની “દાઢીમાં હાથ નાખવો” પડે છે. અને દરેક નેતા માટે મતદાર સર્વસ્વ હોય છે! એ તો તમે જાણો જ છો! એટલે જો નેતા “હાથસફાઈ” (Sorry હાથની સફાઈ) બરાબર કરે તો મતદારને ઇન્ફેક્શન ના લાગે. અને ઘણી એવું પણ બને કે નેતા એકવાર ચૂંટાઈ ગયા પછી મતદારોને “હથેળીમાં નચાવે” તો ગંદી જગ્યા પર નાચવાનું તો કોને ગમે યાર? અને જો એવું લાગે કે આ નેતા “હાથના ચોખ્ખા નથી” તો મૂંઝાવાની જરૂર નથી. નેતાની “હથેળી ગરમ કરવી” જેથી તે પાણીમાં હાથ નાખશે અને ચોખ્ખા કરી લેશે. સિમ્પલ...!

        બધું “હાથવેંતમાં” જ છે ને આપણે “ડેલીએ હાથ દઈને”“ઠાલા હાથે પાછા ફરવાનું” થાય. કોઈપણ નેતા ચૂંટણી સમયે મતદારને “હાથતાળી આપી છટકી જાય” અને મતદારો “હાથ ઘસતા રહી જાય” એવું તો કેમ ચાલે?

        હવે તો સમજાઈ ગયું હશે કે હાથ શા માટે ધોવા? “કોરોનાને હરાવવા અને જનતાને જીતવા” નેતા અને મતદારોએ નિયમિત હાથ ધોવા અત્યંત અનિવાર્ય છે.