ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : ઇન્ડેક્સ ફંડોના આધિપત્ય નીચે સટ્ટોડીયાઓની લેવાલીની હૂંફે રૂ બજાર મક્કમ બની છે, પાછલી સીટમાંથી ફન્ડામેન્ટલ્સ ટેકો પણ મળી રહ્યો છે. આઈસીઈ રૂ ડીસેમ્બર વાયદો ગુરુવારે પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૬૬.૦૯ બોલાયા અગાઉ, મંગળવારે છ મહિનાની ઉંચાઈએ ૬૬.૧૩ સેન્ટ મુકાયો હતો. અલબત્ત ભાવ ગત સપ્તાહે, સતત બીજા અઠવાડિયે બે ટકા વધ્યા હતા.

સૌથી વધુ છેલછબીલી સટ્ટાકીય કોમોડીટીમાં ગણના પામતી જાત તરીકે, રૂને પણ ગણતરીમાં લેવામાં આવે છે. ૧૯૭૨થી આ કોમોડીટીએ ૨૬.૪૪ સેન્ટનું તળિયું અને ૨.૨૭ ડોલરની ટોપ બનાવી છે. ભારત સહીત ચીન, અમેરિકા અને પાકિસ્તાન આગેવાન ઉત્પાદક તરીકે ગણના પામે છે. ભારત અને ચીન સૌથી મોટા વપરાશકાર છે. ઉત્પાદક દેશોમાં દરવર્ષે હવામાન જ રૂ ઉત્પાદનની રુખ નક્કી કરતી હોય છે. ૨૦૨૦નું વર્ષ પણ આ પરંપરાથી અલગ નહિ હોય.

આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકા અને ચીન વચ્ચે પ્રથમ તબક્કાના વેપાર કરાર થયા પછી, રૂ ટ્રેડરો માનવા લાગ્યા હતા કે આ કરાર નવી તેજીનું ચાલકબળ બનશે અને ભાવ ઉછળીને ૭૧.૯૬ સેન્ટની ઉંચાઈએ પહોચી ગયા હતા. પણ માર્ચ આવતા સુધીમાં ભાવ ૪૮.૩૫ સેન્ટના તળિયે બેસી ગયા. અલબત્ત, કોમોડીટી બજારમાં તમામ એસેટ ક્લાસ ચીજોનું આવુજ વલણ હતું. ૨૦૦૮ની અમેરિકન નાણાકીય કટોકટી પછી ૨૦૦૯મા બેંચમાર્ક વાયદો ૩૬.૭૦ સેન્ટના તળિયે બેઠો હતો.

જો ૨૦૦૮ અને ૨૦૨૦ના રૂ ભાવની સરખામણી કરીએ તો તેમાં સમાનતા જોવા મળે છે. એકાદ ડઝન વર્ષ અગાઉ જાગતિક નાણાકીય કટોકટી સર્જાઈ ત્યારે બજારમાં જોખમ ખંખેરી નાખવાની વૃત્તિ બળવત્તર બની હતી, પરિણામે ભાવમાં મોટા મોટા ગાબડા પડ્યા હતા. રૂ અત્યારે ૬૫ સેન્ટની ૨૦૨૦ની મધ્યમ રેન્જમાં જઈને બેઠું છે. જે કપડા ઉત્પાદકો અત્યારે નબળી માંગને લીધે ઉત્પાદન કાપ કરીને બેઠા છે તે જો ૨૦૨૧ અને ૨૦૨૨મા પાછા ફરશે, તો રૂના ભાવ ફાટીને ધુમાડે જશે.

કોરોના વાયરસે આ વર્ષે કપડાની માંગમાં ગાબડું પાડી દીધું પરિણામે રૂની વૈશ્વિક માંગ ઘટવા સાથે અમેરિકા અને બ્રાઝીલની માફક ભારત પણ તેની અનામતમાંથી જબ્બર નિકાસ કરવા લાગ્યું, તેથી આ વર્ષે ભાવ ૮ ટકા ઘટ્યા છે. અમેરિકન કૃષિ મંત્રાલયના અંદાજ મુજબ આ વર્ષે વૈશ્વિક રૂ વપરાશ, ૨૦૧૯-૨૦ની તુલનાએ ૧૫ ટકા ઘટીને ૨૨૨.૯ લાખ ટન થશે.

ભારતમાં નવા રૂ પાકની આવક ઓકટોબરમાં શરુ થાય તે પહેલા વિક્રમ માલભરાવાને ઓછો કરવા કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયા પાડોશી દેશોમાં ખાસ કરીને બાંગ્લાદેશમાં ૧૫થી ૨૦ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) નિકાસ કરવાની યોજના બનાવી છે. ૨૦૧૯-૨૦મા ભારતનો રૂ વાપરાશ, ગતવર્ષનાં ૨૫૦ લાખ ગાંસડી કરતા ૨૦ ટકા ઘટવાનો અંદાજ બાંધીને કોટન એસોસિયેશન ઓફ ઇન્ડીયાએ ૩૦ સપ્ટેમ્બરે પુરા થતા વર્તમાન વર્ષે ભારતમાં પુરાંત ૧૦૨.૫ લાખ ગાંસડીનો અંદાજ મુક્યો છે.

(અસ્વીકાર સુચના: commoditydna વેબસાઈટ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)