મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્રમાં વહીવટદારોની બોલબાલા વધી ગઈ હોય તેમ ખાખી પેન્ટ અને લાલ બુટ પહેરી રાજ્ય પોલીસવડાથી લઈ જીલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ અધિકારીઓના નામે પ્રજાજનો અને ખુદ પોલીસ કર્મીઓ સામે રોફ મારતા અનેક વહીવટદારો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા હોવાની અનેક બૂમો ઉઠી રહી છે. 

મોડાસામાં પોલીસ તરીકેનો રોફ મારી એક યુવતીનું અપહરણ કરનાર બે વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા હતા. બંને વ્યક્તિઓ પોલીસ હોવાનું જણાવી યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવા માટે બાઈક પર બેસાડી એકાંત જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં યુવતીની છેડતી કરી બિભત્સ માગણી કરવામાં આવી હતી. આ મામલે યુવતીની ફરિયાદને આધારે પોલીસે મોડાસામાં રહેતા અને નકલી પોલીસ બનનાર બંને વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી કડકાઈથી પગલા લીધા છે. 

વડોદરાની એક યુવતીનું મોડાસાના બે વ્યક્તિઓએ પોલીસની ઓળખ આપી અપહરણ કર્યું હતું. તેના મિત્ર સાથે યુવતી પસાર થઈ રહી હતી. તે સમયે શાનુ મલેક અને રાજુ કટકટ નામના બે વ્યક્તિઓ બાઈક લઈને આવી પહોંચ્યા હતા. આ બંને વ્યક્તિઓએ પોલીસ હોવાનું જણાવી બંને કેમ ફરો છો તેમ કહી ધમકીઓ આપી હતી. બાદમાં યુવતીના મિત્રને ભગાડી દઈ યુવતીને પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહ્યું હતું. બાઈક ઉપર યુવતીને બેસાડ્યા બાદ આ બંને વ્યક્તિઓ પોલીસ સ્ટેશનના બદલે એકાંત જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં યુવતીની છેડતી કરી બિભત્સ માગણી કરી હતી. જે અંગે યુવતીએ મોડાસા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બંને શખ્શો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ઉચ્ચ અધિકારીઓના નામે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે રોફ જમાવતા શાનું મલેકને મોડાસા ટાઉન પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દેતા કેટલાક પોલીસ કર્મચારીઓ મનમાં મલકાયા છે. જોકે બંનેને પોલીસે કડક પગલા લઈ એવી રીતે શાન ઠેકાણે લાવી છે કે હવે વહીવટદાર બની પોલીસનું નામ લેતા પણ જીભ થોથવાઈ જશે. પોલીસની આ કડક કાર્યવાહીની લોકોએ સરાહના પણ કરી છે.